સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/વતનના પહાડોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

… મેં તમને શૈશવમાં આંખો ભરીને જોયા છે :…
ઉનાળાની સાંજે એકાએક સળગી ઊઠતા;
ભૂખરી જટાઓમાં ધારાઓને ઝીલતા
ક્યારેક ભૂરા, ક્યારેક લીલા રંગોમાં ખીલતા. …


આજે
આયુષ્યની આથમતી સાંજે
તમારી તળેટીમાં પહોંચ્યો છું
આછાઓછા વગડામાં
સાગડાનાં પડેલાં પાન પવનમાં ઊડે છે
અહીંતહીં ઢોર-બકરાં
રહીસહી વનસ્પતિ ચરે છે
પુરાઈ ગયેલી જીર્ણ વાવનાં પાંદ-ઢાંક્યાં પાણી
ગોવાળિયાઓ પોશે પોશે પીએ છે.
ઉપર-તળે ગોઠવાયેલા પથ્થરોનાં પોલાણમાં
હૂ હૂ કરતા દોડાદોડ કરે વાયરા;
જાણકારની જબાન શિલાલેખો ભણે છે :
અહીં હતો રાણીનો મહેલ
— પુરાણી ઈંટો પર લાકડી ઠોકે છે —
આ એમનાં લગનની ચોરી
પથ્થરના પાત્રમાં પૂર્યાં કંકુ-ચોખા
આ રાણીનો ઢોલિયો ખુલ્લામાં
ચાંદની ઓઢી સૂતી હશે ચાંદ જેવી!
અહીં હતો રાજા-રાણીનો ઝૂલો
હળુ હળુ ગાન, તાલી દેતું હશે રાન!
— હજીય બપોરે
કહે છે કે કોઈ કોઈને સંભળાય છે કિચૂડકિચૂડ —
પથ્થરોની છાટોમાંથી તગતગે અબરખ
આંખોમાં ભોંકાય સો સો તીરનાં તેજ!
સામસામે
કાન સુધી તાણી કામઠાં
ઊભી છે આદિવાસીઓની સેના
કિલકારીઓથી કંપાયમાન પ્હાડ-ઝાડની કાયા
પણછ તણાય, છૂટે સનનન બાણ
શત્રુની છાતી લોહીલુહાણ!
ઢોર વાળી જતા સાથે
ધીંગાણામાં ખપ્યા શૂરવીર
તેમના આ વડ-થડ પાસે પાળિયા —
અહીં શિર, તહીં ધડ, હાથ, પગ, અંકિત
ચાંદા-સૂરજ
બધું છિન્નભિન્ન, કાળના કુઠારાઘાતે રજ રજ.


શું સંભારવું? શું સંભરવું?
ઉપાડું છું આ એક અબરખીઓ પથ્થર
ઘાલું છું ખભે ઝૂલતી ઝોળીમાં
પડી ર્હેશે ઘેર મારે નગરમાં, શો-કેઇસમાં
ચકચક એના અજવાળામાં
દેખાશે આ વતનના ડુંગરા, સદનમાં, મનમાં —
મન?!
તે તો રહી ગયું પાછળ
વનની કંટકકેડીઓમાં
પહાડપીઠે પડેલી પગલીઓમાં
દૂઝતી બાવળ અને ગુગળની ડાળીઓમાં
સૂકાં-લીલાં તરણાંમાં
ખાલી-ભર્યાં ઝરણાંમાં
ભટકતું રહેશે પ્હાડ-ઝાડમાં પવન જેવું
અધરાતે મધરાતે ત્રાડ-રાડ સાંભળતું
ઉનાળે ઊકળતું, શિયાળે શીતળ થતું
વરસાદી વાયરામાં ધૂણી જતું
પલળતું ગરજતું ચમકતું…


દેહ હવે ખર્યું પાન, ખરી જશે;
અસ્વસ્થ આ મન
કણસતું કાળમીંઢ ખડકોમાં
ભવાન્તરો ભટકશે
— અશ્વત્થામન્…
[‘શૂળી ઉપર સેજ’ પુસ્તક : ૧૯૮૮]