સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયા મહેતા/થાય છે —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જમીન પર પથરાયેલી
વૃક્ષની ઠંડીલીલી છાયાને
ભેગી કરી લઈ લઉં…
બારીના કાચ પર ઘડીભર જંપેલા
તેજભર્યા સૂરજને
હળવેથી ઊંચકી લઉં
ને
અગાશી ભરીને લેટેલા
હૂંફાળા તડકાની મેંદીને
ગુપચુપ ભરી લઉં હથેળીમાં
અને પછી
ગુલબાસની ફોરમને
પગલે પગલે ભીતર પ્રવેશી
પૂછી આવું ખબરઅંતર મૂળિયાના
અને
સોંપી દઉં સૌને
થોડી થોડી છાયા, થોડો થોડો તડકો
થોડો થોડો સૂરજ.
[‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૭૭]