સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જિતેન્દ્ર કા. વ્યાસ/અંતિમ ઇચ્છા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

આંખો તો કશાય કામની નથી.
એ મીંચાય કે તરત જ
એમાં ઊગેલાં મેઘધનુષ્યોને
હળવેકથી ઉપાડીને
કોઈ કોરી આંખના આકાશમાં લહરાવજો.
હીરનાં ચીરનોય મોહ ક્યાં હતો કે કફનનો હોય?
મારાં અંગ ઉપર ઊગેલાં રોમાંચોને
બાગની કોઈ ક્યારીમાં વાવજો,
કોઈ ફૂલડાને આપજો.
મારી ભવોભવની લેણદાર
કો પુરકન્યકા
નીચી નજર ઢાળી
એણે આપેલાં
કુન્દધવલ સ્મિત
(મારે મન તો મોટી મૂડી)
વિશે
મહકતા મૌનથી પૃચ્છા કરે
ત્યારે
તેને મારાં ગીતો આપજો.
મારી શ્રુતિમાં પડઘાતા ફૂલોના સૌરભ-ટહુકાઓને
તારલાના મધપૂડા સુધી પહોંચાડજો.
મારા છેલ્લા શ્વાસે
ખીલું ખીલું થતી કો પદ્મિનીની સુવાસ
ભરું ને પોઢી જાઉં ત્યારે
‘બે મિનિટનું મૌન’ પાળવાને બદલે
હે અભિનવ કોકિલો,
આમ્રમંજરીના આસ્વાદથી મ્હેકતા કંઠે
તમે
ગાજો, ગાજો, ગાજો.
[‘કવિલોક’ બે-માસિક : ૧૯૭૭]