સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/ખવાઈ જતા પાયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારું જીવન તો કેવું? જે દિશામાં બૂમ પડી તે દિશામાં દોડવું. એક તરફ બેકારીની બૂમ પડી, તો દોડો રેંટિયા લઈને! બીજી બાજુથી શોષણની રાડ પડી, તો કાઢો સહકારી મંડળી! ત્રીજી તરફથી દુર્ગંધ આવવા લાગી, તો દોડો સાવરણો લઈને! ચોથી તરફથી ઢોરની પછવાડે રખડતાં ને આખો દિવસ બીડીઓ ફૂંકતાં છોકરાંને જોયાં, કે દોડો બુનિયાદી શાળા કાઢવા! અને જુવાનીના તેજ વિનાના જ્યાં ત્યાં નિરાશ પગલે રવડતા જુવાનિયાને જોયા કે કાઢો ઉત્તર બુનિયાદી! દારૂ પી ખુવાર થતા અને ઘરનાં બૈરાં-છોકરાંને મારઝૂડ કરતા પ્રૌઢો જોયા કે દોડો ભજન— મંડળીઓ કાઢવા! ખેતીને નામે લોકો જમીનો બગાડી રહ્યા છે એમ જોયું, તો દોડો ખેતી-સુધારણા કરાવવા! ગાયોને પાળી પાળીને લોકો એને કજાત અને બકરીથી પણ બેદ બનાવી રહ્યા છે એ દીઠું, કે દોડો ગોશાળા કઢાવવા! સ્વરાજ્યના દિવસો આવ્યા એટલે સરકારની નીતિઓ ને તેના કાયદાઓ અને તેના અમલદારો કંઈક રાહતરૂપ બનશે એવી આશા રાખેલી — એમણે તો ઊલટા પ્રશ્નો વધારી દીધા છે. ખાદી, ગ્રામોદ્યોગો, સ્વદેશી, સ્વાવલંબન — એ બધું પુરાણોમાંની કથા જેવું થવા માંડયું છે. પહેલાં જેલખાનાંઓમાં જઈને રવિશંકર મહારાજ કે દાદા માવળંકર જેવાઓની યુનિવર્સિટીઓમાં લહેરથી જ્ઞાનલાભ મેળવતા, તેને ઠેકાણે કોર્ટ-કચેરી અને સચિવાલયના ઉંબરા ઘસવાના દોડા કરવા પડે છે. આ બધી દોડાદોડમાં ક્યારેક બાળારાજાઓના રડવાના દર્દભર્યા અવાજો અહીંતહીંથી કાને અથડાય છે. એ અવાજો તો સતત આવતા હોય છે, પણ સાંભળવા નવરા કાન ક્યાં હોય છે? કોઈ કોઈ ક્ષણે હૃદય કંપી ઊઠે છે, ત્યારે વળી બાળવાડીઓ કાઢવા દોડીએ છીએ.

દેશનાં કરોડો બાળકોમાંથી થોડા લાખ એકડા-બગડા ઘૂંટતાં શીખે, તેમાંથી ચળાઈને પાંચ-દશ ટકા ‘માટલી ફોડે’, તેમાંથી ઝટકાઈને થોડા હજાર ‘બી.એ.’ અને તેમાંથી ઊડીને વળી થોડાએક સો કંઈક મોટું ભણતર ભણે અને પ્રોફેસર કે દાક્તર કે ઇજનેર બને કે સરકારી નોકરીમાં પેસી આપણા હાકેમો બને, અને એ થોડા સો દેવો દુનિયાના છેડા ઉપર ક્યાંય નથી મળતા તેટલા મોટા પગાર અથવા ફી અથવા નફા કમાતા થાય — ભણતરને નામે ચાલતા આ ધંધાથી કેમ સંતોષ થાય? જે કરોડો બાળકો અને બાળાઓને આપણા એકડા-બગડા પહોંચે છે તે બધાંની નજર મોટા પગારવાળા મહાનુભાવોના ધ્રુવલક્ષ્ય તરફ તાકતી અચૂક થઈ જાય છે. તેઓ મનથી માણસ મટી જાય છે, ટાઢ-તડકો અને મહેનતના જીવનને ધિક્કારતાં થાય છે, મોટા પગાર મેળવી આરામનું જીવન ગુજારવાનાં અશક્ય સ્વપ્નાં સેવનાર ‘ઊજળિયાત’ દેવોની ન્યાતમાં મનથી ભળી જાય છે. આપણે ત્યાં શિક્ષણને નામે ચાલતું ચક્ર તેનાં બીજાં બધાં ધ્યેયોમાં નિષ્ફળ નીવડયું હોય તોપણ તેનું આ પરિણામ તો પૂર્ણપણે અચૂક છે : પ્રજાચારિત્રયના મૂળ પાયાઓ ખોદી કાઢવામાં તે સોએ સો ટકા સફળ થયું છે. સ્વતંત્રતા આવતાંની સાથે જ ગાંધીજીએ પ્રજાજીવનના પાયા ખોદનાર કેળવણીને સ્થાને તે પાયા મજબૂત કરનારી કેળવણી ચાલુ કરવાની હાકલ કરી. તેમણે કેવી કેળવણી સૂચવી? પ્રજા ગંદી ટેવોવાળી છતાં સુગાળવી બની ગઈ છે : બાળકોને બાળપણથી જ સફાઈ-કામનો શોખ લગાડો! પ્રજા મનથી ‘ઊજળિયાત’ થવા લાગી છે : બાળકોને બાળપણથી જ શરીરશ્રમનો સ્વાદ લગાડો! પ્રજા-શરીરને ભેદાભેદનો કીડો કોરી રહ્યો છે; ન્યાતજાતના વાડા, ગરીબ— તવંગરના વાડા, હિંદુ-મુસલમાન આદિ ધર્મના વાડા, ઊજળિયાત-પછાતના વાડા, ભણેલા-અભણના વાડા પ્રજાને છિન્નભિન્ન કરી રહ્યા છે : બાળકોને બાળપણથી સમાજસેવાનો રંગ લગાડો; બાળપણથી જ વાડા તૂટી જાય અને સર્વ વર્ણ, સર્વ વર્ગના દૃઢ પરિચયમાં તેઓ આવે એ રીતે તેમને કેળવો અને જાતજાતની સેવારૂપે સહુ ઉપર પ્રેમ વરસાવતાં કરી દો! પ્રજા આપ-મતલબી થઈ ગઈ છે; પગાર, નફા અને આરામને ધ્યેય કરીને વર્તવા લાગી છે; તે ધ્યેયને ખાતર સત્ય, નીતિ, સંયમ, સ્વદેશી, રાષ્ટ્રભક્તિ વગેરે માનવધર્મો છોડવા માંડયા છે; એ બધું હોશિયારીથી છોડવું એ ભણેલાના ભણતરની નિશાની ગણાય છે : આ ટેવો માત્રા ઉપદેશથી બદલી ન શકાય. બાળકોની કેળવણી એવી રીતે યોજો કે જાતમહેનત, સ્વાવલંબન અને સેવાજીવનનો તેમને સ્વાદ લાગી જાય; તેમને પોતાના દેશબંધુઓ ઉપર ઊંડો અંતરનો પ્રેમ જન્મે; તેમની અંદર ભળવાની, તેમને ખાતર ઘસાવાની લગની લાગે; બાળકો સાદા છતાં આનંદી ગ્રામજીવનનાં સ્વપ્નાં સેવતાં થાય અને તે સિદ્ધ કરવા ખાતર આકાશપાતાળ એક કરવાની તમન્ના સેવતાં થાય! પ્રજા દિવસે દિવસે ઠોઠ, બેઠાડુ અને જડ બનવા લાગી છે : બાળપણથી કેળવણી એવી યોજો કે વૈજ્ઞાનિક રીતે વિચારો કરવાની અને તેવું જીવન જીવવાની બાળકોને લઢણ લાગી જાય. આજે ગામો ભાંગવા લાગ્યાં છે અને ઉદ્યોગો ઉજ્જડ થવા લાગ્યા છે : કેળવણીની યોજના એવી ઘડો કે બાળકોની કેળવણી ચાલતી જાય અને સાથે સાથે ગામોનું નવનિર્માણ થતું જાય! વિવિધ ગ્રામોદ્યોગો અને કળા-કારીગરી આવડે તો જ બાળકો આ નવનિર્માણના કાર્યમાં આનંદ સાથે પોતપોતાનો નાનકડો ફાળો આપી શકે. પ્રજા-ચારિત્રયના ખવાઈ જતા પાયાઓ પાયાની કેળવણી મારફત ફરીથી મજબૂત કરવાની રાષ્ટ્રપિતાની કલ્પના છે. જીર્ણ થઈ જતું અને સડી જતું જીવન નીરોગી બનાવી દેવાની એ કલ્પના છે.