સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જે. બી. પ્રિસ્ટલી/વિકરાળ પ્રશ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આપણી દોડવાની ગતિ વધારીએ તે પહેલાં બે ઘડી શાંતિથી વિચારશું ખરા કે આપણે જવું છે ક્યાં? આજે આટલા બધા લોકો વધુ ને વધુ બેચેન અને અશાંત થતા જાય છે. તેમને ખબર નથી કે તેઓ ક્યાં જવા માગે છે, પણ તેમને ક્યાંક જવું છે : જીવન ત્યાં વધુ સારું હશે, અહીં તે સંતોષકારક નથી. આપણો આખોયે સમાજ બેચેન છે, અસ્વસ્થ છે, અસંતુષ્ટ છે; બીજે ક્યાંક જવા, બીજું કશુંક મેળવવા ઝંખે છે. તેથી આ બધી દોડધામ છે. નકામી ને ભંગાર ચીજવસ્તુઓનાં ઉત્પાદન, જાહેરાત અને ખરીદ-વેચાણ પાછળ આજે કેટલાં બધાં સમય, શક્તિ અને નાણાં વેડફાઈ રહ્યાં છે! આ નરી મૂઢતા છે; કેમ કે જેઓ વધુ પૈસા મેળવવા પોતાના ઘરાકને છેતરે છે, તેઓ એ વાત ભૂલી જાય છે કે તેઓ પોતે જ્યારે ઘરાક બનીને કશુંક લેવા નીકળશે ત્યારે તેઓ પણ છેતરાવાના જ છે. આ તો એક ઝેરી કૂંડાળું છે. ખરેખર તો, મોટા ભાગના લોકો કાંઈક માનસિક શાંતિ ઇચ્છે છે. એમને એવો સમાજ જોઈએ છે કે જેમાં પોતાના કુટુંબના ભાવિ વિશે ચિંતા ને ભય ન રહે. તેઓ સતત દોડયે જ રાખવા માગતા નથી, પણ ઠરીઠામ થવા ઇચ્છે છે. ભાવો, પગારો, અકરાંતિયો ઉપભોગ વગેરેના ચકરાવામાંથી છૂટવા મળે, તો એ સુખ પામશે. એમને ઝંખના છે થોડુંક વિચારવાની, કંઈક મનની શાંતિ માણવાની. અને એ બધી ચીજોના કાંઈ પૈસા નથી પડતા, તે મેળવવા માટે ઓવરટાઇમનો ઢસરડો નથી કરવો પડતો. પરંતુ આવી બાબતોનો પ્રચાર કરવાથી કોઈનો નફો વધતો નથી, એટલે પછી લોકોને એ વિશેની કેળવણી કોઈ આપતું નથી. એક વિકરાળ આપણી સામે ડાચાં ફાડીને ઊભો છે : લોકો આ તે કઈ જાતનું જીવન જીવે છે? ગુનાઓનું પ્રમાણ કેમ વધતું જ જાય છે? સમાજમાં આટલી બધી હિંસા ને વિધ્વંસકતા, હતાશા ને સાશંકતા કેમ છે? કોઈ સામૂહિક હેતુ કે ધ્યેય વિશેની પ્રતીતિ કેમ નથી? સમાજ પ્રત્યે આત્મીયતાની ભાવના કેમ ક્યાંય દેખાતી નથી?