સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોતિભાઈ દેસાઈ/જિમ કોર્બેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જિમ કોર્બેટનું આખું નામ હતું એડવર્ડ જેમ્સ કોર્બેટ. એક વિશાળ અંગ્રેજ કુટુંબમાં જિમનો જન્મ ૧૮૭૫માં થયેલો. સક્રિય જીવન તેમણે ભારતમાં ગાળ્યું હતું. ૮૦ વર્ષની ઉંમરે તેઓ કેન્યા (આફ્રિકા)માં અવસાન પામ્યા. જિમ કોર્બેટ એક જગપ્રસિદ્ધ શિકારી તરીકે ઓળખાય છે. તેમને શિકારના અદ્વિતીય વાર્તાકાર પણ ગણવામાં આવે છે. હિમાલયના કુમાઉં અને ગઢવાલ પ્રદેશની ઉત્તમ પહેચાન આપનારા તરીકે પણ વર્ણવાયા છે. વનની અને વનપશુઓની જ નહીં, પણ પહાડોમાં રહેતા અને કુદરત સાથે સહજભાવે જીવતા માનવોની પણ સાચી પહેચાન તેમણે તેમનાં લખાણો દ્વારા આપી છે. શિકારનો તો અનિવાર્ય આપદધર્મ એમણે સ્વીકારેલો. નરભક્ષીઓને હણવાનું કામ ખ્યાતિ મેળવવા કે ઇનામ મેળવવા તેમણે કર્યું ન હતું, પણ અસહાય લોકોને સહાયરૂપ થવાનો પોતાનો ધર્મ માન્યો હતો. આમ કોર્બેટે શિકાર કર્યો ખરો, પણ શિકાર કરવાનો તેમનો ધંધો ન હતો. કુમાઉં અને ગઢવાલમાં કોર્બેટ પ્રત્યે જે લાગણી આજેય પ્રવર્તે છે તેનું એક ઉદાહરણ માટિર્ન બૂથે આપેલું છે. ૧૯૮૮ની સાલમાં કોર્બેટના જીવન વિશે ફિલ્મ ઉતારવા માટિર્ન આવ્યા હતા. એક દિવસ ઠીક ઠીક ગરમી હતી તેથી કોર્બેટનો વેશ ભજવી રહેલા અભિનેતા એક તરફ છાંયડામાં બેઠા હતા. ત્યાં કમ્મરેથી બેવડો વળી લાકડીને ટેકે ચાલતો, ૮૦ વર્ષની ઉંમરનો એક ડોસો આવ્યો અને તેના ચરણમાં પડ્યો. માટિર્ને એમના સહાયકોને આ માણસને સમજાવવા કહ્યું કે પોતે કોર્બેટ નથી, તેમનો વેશ ભજવનાર એક નટ છે. પેલો ડોસો એ વાત માનવા તૈયાર જ ન હતો : ‘મને ખાતરી હતી કે કારપેટ સાહેબ ફરી પાછા અહીં આવશે. માટે તેઓ જ આવ્યા છે.’ કોઈ વાતે તે માન્યો જ નહીં. કોર્બેટ ભારત છોડીને ગયે લગભગ ૪૦ વર્ષ થયાં હતાં. એમના મૃત્યુને પણ લગભગ ૩૦ વર્ષ વીતી ગયેલાં. છતાં આ ‘કારપેટ’ સાહેબ જ છે તેમ તેનો વિશ્વાસ દૃઢ હતો. એ ડોસાને તો જેવી જાણ થઈ તેવો પોતાને ગામેથી ચાલતો નીકળી પડેલો. ૧૦૦ કિલોમીટરની મજલ તેણે ૪૮ કલાક સતત ચાલીને કાપી હતી. રખેને મળવાનું રહી જાય! જે જંગલો અને ડુંગરો-પર્વતોમાં એક દિવસના ૨૦ કિ.મી. ચાલીને જવા માગીએ તો થાકી જવાય ત્યાં ‘કારપેટ’ સાહેબ પાછા ફર્યાના સમાચારે, આ જીવનને છેવાડે આવી ઊભેલા ડોસાને દોડી આવવાનું અનિવાર્ય લાગ્યું હતું! ૧૯૪૮માં એમનું પુસ્તક ‘રુદ્રપ્રયાગનો માનવભક્ષી ચિત્તો’ બહાર પડ્યું. આ રુદ્રપ્રયાગનો માનવભક્ષી ચિત્તો જ્યાં મરાયો ત્યાંથી જ બદરીનાથ જતો માર્ગ પસાર થાય છે. આજેય બસ ડ્રાઇવર/કંડક્ટરને કહીએ તો તે સ્થળ પાસે તેઓ બસને થોભાવે છે. જે સ્થળે તે હણાયો તે ખાંભી રસ્તાથી ૨૦૦ ફૂટના અંતરે હશે. મુસાફરોને તેનાં દર્શન કરાવવા તે બસચાલકો તત્પર રહે છે. વર્ષોવર્ષ મે માસના પ્રથમ સપ્તાહમાં ત્યાં મેળો ભરાય છે જેમાં હજારો લોકો આવે છે. કોર્બેટે તે પ્રદેશને ભયમુક્ત કર્યાનો આનંદોત્સવ થયા જ કરે છે. એમનું ‘મારો ભારત દેશ’ (માય ઇન્ડિયા) પુસ્તક ભારતના સામાન્યજન પ્રત્યેની એમની આસ્થાનાં દર્શન કરાવે છે. કેમ જાણે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ એ સાતેય રંગોનાં ચિત્રોને રજૂ કરીને એક સંપૂર્ણ મેઘધનુષ્ય એમણે ખીલવ્યું છે. એ રંગો મહેફિલનું હાર્દ તો પ્રગટાવે છે, પણ તેની સાથે સાથે સામાન્યજનની ભીરુતા, ધામિર્કતા, વહેમો અને સહજતા, ઉદાત્તતા તેમ જ પારાવાર કષ્ટ સહન કરવાની નિષ્ઠાપૂર્વકની તત્પરતા, એમના માલિકો પ્રત્યેની વફાદારી, અને છતાં જીવનને ધર્મપરાયણ રાખીને નિયતિને આધીન રહેવાની તેમની સજાગતા બતાવે છે. લોકચિત્તનું તેમનું આખુંય ચિત્રાંકન હૃદયસ્પર્શી છે. કોઈ યુવાન સાથે પોતાની પત્ની ભાગી ગયાની ફરિયાદ કલેક્ટર સમક્ષ-સ્થળ પર નિકાલના કાર્યક્રમમાં-થયેલી છે. કોર્બેટ તેમાં હાજર છે. યુવાનને દંડ ભરવાની સજા થાય છે : “ભલે એ બાઈને તે રાખે, પણ આ તેના મૂળ પતિને દંડ આપી દે.” દંડ અપાય છે ત્યાં યુવાનની પત્ની સામે આવે છે. “મારું શું?” આ તો કલ્પના બહારની મૂંઝવણનો પ્રશ્ન ઉકેલવાનો આવે છે. પણ ‘નવી’ કહે છે : “તું તો મારી બહેન જ છે. આપણે ત્રણે હળીમળીને રહીશું.” વાત એમ પૂરી થાય ત્યાં મૂળ ફરિયાદી આગળ આવે છે. કહે છે : “બિચારા આ યુવાનને હવે ત્રણ જીવને ખવડાવવાની જવાબદારી આવી પડી છે ત્યારે એની પાસે દંડ લેવો તે તો બરોબર નથી!” દંડની રકમ યુવાનને પાછી આપી દે છે. “નથી વેર, નથી ઝેર કે અંટશ. ગરીબ ગરીબને અને ગરીબીને બરોબર ઓળખે છે. આવું હજારો કિસ્સાઓમાં બને છે. તેમાંથી એકેય પક્ષની એક રાતી પાઈ પણ ખર્ચાયા વગર હૃદયપૂર્વકનાં સમાધાનો થાય છે એવા એ દિવસો,” અને હવે, કોર્બેટ આગળ લખે છે, “આવા આવા કેસો કોર્ટોમાં જાય છે અને બંને પક્ષોનું લોહી ચૂસી ચૂસીને તેમને હાડપિંજરશા ફિક્કાફસ કરી દેવામાં આવે છે, તેમ જ પરસ્પર વૈમનસ્ય વધારી વધારીને વકીલો પોતાનાં ગજવાં આ સાદા, ભોળા, પ્રામાણિક અને મહેનતકશ જનોને ભોગે ભર્યે રાખે છે.” તેમણે એ પુસ્તકના પ્રારંભે લખ્યું છે : “હું જે ભારતને ઓળખું છું તેમાં ૪૦ કરોડ માનવીઓ રહે છે. તેમાંના નેવું ટકા લોકો સરળ, પ્રામાણિક, બહાદુર, વફાદાર અને અત્યંત મહેનતુ આત્માઓ છે, અને તેઓ ભગવાનને તેમ જ સરકારને રોજ પ્રાર્થના કરે છે કે, કમમાં કમ અમારી મહેનતનું ફળ અમને જ મળે તેમાં સહાયભૂત થાઓ. એવા આ લોકો, જેઓ ખરેખર અત્યંત ગરીબ છે અને જેમને ‘ભૂખ્યાં ભારતીયો’ તરીકે જગત ઓળખે છે અને જેમની વચ્ચે હું રહ્યો અને જેમને હું ચાહું છું અને જેમને વિશે આ પુસ્તક લખવા મથ્યો છું તેવા એ મારા ભારતના ગરીબ મિત્રોને પૂરી નમ્રતા સાથે આ પુસ્તક અર્પણ કરું છું.” [‘જિમ કોર્બેટ’ પુસ્તિકા : ૧૯૯૮]