સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોતીન્દ્ર હ. દવે/પુસ્તકાલયની વિરુદ્ધમાં
પોતાના કામ માટે પાંચ-સાત વાર મને મળવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા પછી મારો એક મિત્રા મને અચાનક, હું પુસ્તકાલયમાં જતો હતો ત્યાં મળી ગયો. “હું પાંચ-સાતવાર આવી ગયો,” એણે કહ્યું. “હું જાણું છું, હું પુસ્તકાલયમાં ગયો હતો.” “એટલે?” “લાઇબ્રેરીમાં ગયો હતો, ને આજે પણ જરા મોડું થયું હોત તો ન મળત. હમણાં પણ હું ત્યાં જ જતો હતો.” “તમે દરરોજ લાઇબ્રેરીમાં જાઓ છો?” “હા.” “આ બધી લાઇબ્રેરીઓને બાળી મૂકવી જોઈએ!” “કેમ?” “કેમ શું? હું તો સમજતો જ નથી કે એની જરૂર શી છે? લોકોના પૈસા ને વખત બગાડવા સિવાય એ શું કરે છે?” બહારથી આવતાં મને મોડું થાય છે ત્યારે ‘લાઇબ્રેરી ગયા હશો! લોકોને પણ નકામી લાઇબ્રેરીઓ કાઢવાનું મન કોણ જાણે કેમ થતું હશે?’ એવાં ઉપાલંભનાં વચનો મારે ઘરનાં મનુષ્યો તરફથી સાંભળવાં પડે છે. પરંતુ મારા ઉપર્યુક્ત સુશિક્ષિત મિત્રો પુસ્તકાલયની આવશ્યકતા વિશે દર્શાવેલી શંકા સાંભળ્યા પછી મને પણ થાય છે કે આપણા જેવા ગરીબ દેશમાં પુસ્તકાલયની જરૂર છે ખરી? પુસ્તકાલયને લીધે વખત ને પૈસાનો બગાડ થાય છે એની કોઈથી ના પડાય એમ નથી. મારો પોતાનો તો પુષ્કળ વખત એમાં જાય છે — જોકે એ વખતમાં હું બીજું શું કામ કરત તે કહી શકતો નથી! ને જે પૈસા મેં પુસ્તક અને પુસ્તકાલય પાછળ ખર્ચ્યા છે તેમાંથી કેટલાં સિનેમા-નાટકો જોઈ શક્યો હોત, કેટલા કપ ચાના પી શક્યો હોત, કેટલાં કપડાં વસાવી શક્યો હોત એનો હું વિચાર કરું છું ત્યારે — આગળ વિચાર કરવાની મારી શક્તિ થંભી જાય છે. મને લાગે છે કે પુસ્તકાલયનો ગ્રંથપાલ પણ હું આ રીતે સમય-દ્રવ્યનો બગાડો કરી રહ્યો છું તે જોઈ શકતો નહીં હોય. હું જ્યારે જ્યારે એની પાસે અમુક પુસ્તકની માગણી કરું છું ત્યારે ત્યારે હંમેશ એ પહેલાં મારા સામું ઘૂરકીને જુએ છે. પછી કહે છે કે : “એ ચોપડી અહીંયાં છે જ નહીં.” હું જવાબ દઉં છું કે : “આ પુસ્તકાલયની યાદીમાંથી જ મેં એ ચોપડીનું નામ શોધી કાઢયું છે.” ત્યારે શાંતિથી એ જવાબ દે છે : “એ તો ‘ઇસ્યુ’ થઈ છે, કોઈક વાંચવા લઈ ગયું છે.” હું કહું છું કે : “કબાટમાં છે. મેં હમણાં જ જોઈ.” ત્યારે નિરુપાયે કબાટની કૂંચી આપી મને કહે છે : “જાઓ, કાઢી લાવો.” નકામી ચોપડીઓ વાંચી હું મારો વખત ન બગાડું તેની એ બહુ જ કાળજી રાખે છે. પુસ્તકો તથા પુસ્તકાલયની આવશ્યકતા વિશે ઘણાં દૃષ્ટિબિંદુથી વિચાર કરી શકાય. આર્થિક દૃષ્ટિએ જોતાં પુસ્તકો તથા પુસ્તકાલય પાપરૂપ છે. જ્યાં ગરીબો ભૂખે મરતા હોય, જ્યાં પશુઓ હરાયાં થઈ ફરતાં હોય, જ્યાં ટાઢતડકાથી રક્ષણ કરવા માટે કપડાં ન મળતાં હોય, ત્યાં વિદ્વાનોએ વાંચવાનો શોખ રાખવો એટલું જ નહીં, પણ તે માટે પુસ્તકાલયો કાઢવાં એના જેવું બીજું કયું પાપ છે? ધાર્મિક દૃષ્ટિએ વિચાર કરતાં જણાશે કે પુસ્તકોએ જગતમાં જેટલો અધર્મ ફેલાવ્યો છે તેટલો બીજા કશાએ ફેલાવ્યો નથી. “ ‘કુરાન’માં હોય તે જ આમાં હોય તો એ પુસ્તકો નકામાં છે, ‘કુરાન’માં હોય તેનાથી જુદું હોય તો તે અધર્મ્ય છે. માટે એ પુસ્તકો કોઈ પણ રીતે બાળી મૂકવાં જોઈએ” — એવી જે દલીલ એલેકઝાંડ્રિયાનું ભવ્ય પુસ્તકાલય સળગાવી નાખતાં કરવામાં આવી હતી, તે બધાં જ પુસ્તકોને લાગુ પડે એવી છે. એમ કહેવામાં આવે છે કે પુસ્તકાલયથી પ્રજાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. પણ જ્ઞાનવૃદ્ધિ થયે શો ફાયદો? પ્રજાને જ્ઞાન મેળવવાની જરૂર છે કે પૈસો? આપણે હીન દશામાં છીએ તેનું કારણ એ નથી કે આપણે અજ્ઞાન છીએ, પણ આપણે નિર્ધન છીએ તેથી જ આપણે પરાધીન છીએ. જ્ઞાન મેળવવાના શોખ પૈસાદારને છાજે. અને જ્ઞાન મેળવ્યે કંઈ સિદ્ધિ મળતી નથી. એમ તો રાજ કેમ ચલાવવું તેનું મને બહુ સારું જ્ઞાન છે. પણ તેથી કંઈ હું રાજા થયો? આપણાં શરીર તો જુઓ. મારા જેવા પુસ્તકો વાંચનારાઓનાં શરીરનું વજન, હાથમાં વાંચવા લીધેલાં પુસ્તક જેટલુંયે હોતું નથી. “જીવીશ બની શકે તો એકલાં પુસ્તકોથી!” એમ કહેનાર કલાપી કેટલી નાની વયમાં મૃત્યુ પામ્યો? અને એમ કહેવું એ તો ઊધઈને શોભે, માણસને નહીં. તનને કેળવ્યા પહેલાં મનને કેળવીને આપણે શો કાંદો કાઢવાના છીએ? દંડ કરો, બેઠક કરો, કુસ્તી કરો, ઝાડ પર ચડો, પહાડ પર ચડો, નાચો, કૂદો, તરો, રમો, દોડો; પણ વાંચી વાંચીને માંદા શું કામ પડો છો! પુસ્તકોમાંથી — ખાસ કરીને પુસ્તકાલયનાં જૂનાં પુસ્તકોમાંથી — એક જાતનાં પ્રાણહર જંતુ વાચકના દિલમાં દાખલ થાય છે એની તો કેટલાકને ખબરે નહીં હોય. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પુસ્તકો જ્ઞાન નહીં પણ અજ્ઞાન ફેલાવે છે ને મનુષ્યને માયાના મોહપાશમાં જકડે છે. છોકરીઓની પેઠે ચોપડીઓ પણ માણસને પરવશ બનાવે છે, ઉન્મત્ત કરે છે, એની વિવેકશક્તિને કુંઠિત કરે છે, એના મગજમાં પોતાની સત્તા જમાવે છે, એને અન્ય કાર્ય માટે નાલાયક બનાવે છે, એની પાસે ઉજાગરા કરાવે છે. એની પાસે પૈસા ખરચાવે છે! કોઈક બહારના ઠાઠમાઠથી, તો કોઈક આંતરગુણથી, કોઈક પોતાના દળદાર કદથી, તો કોઈ પોતાની નાજુકાઈથી, કોઈક પોતાની સફાઈથી, તો કોઈક પોતાના દમામથી, કોઈક અક્કડ ગુમાનથી, તો કોઈક નેહભીની નમ્રતાથી, કોઈક પોતાની દુર્લભતાથી, તો કોઈક તરત હાથે ચડી આવવાના ગુણથી — છોકરીઓ તેમ જ ચોપડીઓ — માણસોને ઉલ્લુ બનાવે છે. બંનેનાં આકર્ષણ ખરેખર અદ્ભુત છે — અનિવાર્ય છે. યોગીઓ એકની માયામાંથી મુક્ત થઈ શકે છે, ભોગીઓ બીજાની માયાથી અલગ રહી શકે છે, પણ મારા જેવા રોગીઓ તો એકેની માયાથી વિરક્ત થઈ શકતા નથી. એક રાજાએ પોતાના પુત્રને મનગમતી કન્યા પરણાવવા માટે ઉચ્ચ કુટુંબની ખૂબસૂરત કન્યાઓ ભેગી કરી તેમાંથી પસંદગી કરી લેવાનું કહ્યું. રાજકુમાર આટલી બધી ખૂબસૂરત કન્યાઓ જોઈ ગાંડો થઈ ગયો. એણે કહ્યું : “મને તો આ બધી જ ગમે છે. કોને પસંદ કરું ને કોને નહીં?” હું પુસ્તકાલયમાં જાઉં છું ત્યારે મારી સ્થિતિ એ રાજકુમાર જેવી જ થાય છે. આટલી બધી ચોપડીઓ જોઈ મને થાય છે કે : “આમાંથી કઈ લઉં ને કઈ નહીં?” પુસ્તકો આમ મને કિંકર્તવ્યવિમૂઢ બનાવે છે. છોકરીઓની જોડે ચોપડીઓને બીજી બાબતમાં પણ સામ્ય છે. બંને, સામાન્ય રીતે પ્રામાણિક ને ઉચ્ચ ભાવનાવાળા સદ્ગૃહસ્થોની નીતિની ભાવના કથળાવી નાખે છે. પારકી સ્ત્રીનાં હરણ કરી જનારા સદ્ગૃહસ્થોના દાખલા ઇતિહાસમાં નોંધાયેલા છે. સારી છોકરીઓ જોઈને પણ મન પર અંકુશ રાખી શકનારા કેટલાયે મહાનુભાવ પુરુષો ચોપડીઓ જોઈ ચલિતચિત્ત થઈ જાય છે. પારકી ચોપડી ઉપાડી જવી એને તેઓ પરમ પુરુષાર્થનું લક્ષણ લેખે છે. કેટલાક પોતાને કામની હોય કે ન હોય પણ પારકી ચોપડીને પોતાને ત્યાં જનાનખાનામાં પૂરી રાખવામાં જ મોટાઈ માને છે. પુસ્તકાલયમાં સંગ્રહાયેલાં પુસ્તકો જોઈ તેમને કંઈનું કંઈ થઈ જાય છે ને ચૌર્યવૃત્તિનાં બીજ તેમનામાં વિકાસ પામે છે. આમ, પુસ્તકાલયની આપણને જરૂર નથી એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે. એ જ પ્રમાણે દુનિયામાં આપણી પોતાનીયે કંઈ જરૂર નથી એ પણ એટલી જ સહેલાઈથી સિદ્ધ થઈ શકે. [‘જ્યોતીન્દ્રના હાસ્યલેખો’ પુસ્તક]