zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોત્સ્ના શુક્લ/ડુંગરા દેખાતા નથી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

એક યુવાને આવીને કહ્યું :

“તમે કહો છો કે સ્વરાજમાં બધાએ કંઈ ને કંઈ કામ કરવું જોઈએ. સ્વરાજનો સાચો નાગરિક થવાની મારી પણ ઇચ્છા છે. પણ કંઈ કામ જ નથી; પછી કરવું શું?”

“તમારે ખરેખર કંઈ કરવું જ છે?”

“હાસ્તો, કરવું તો છે, પણ મને કંઈ કામ દેખાતું જ નથી. તમે બતાવો તો જરૂર કરું.”

“ખાદી પહેરવાથી શરૂઆત કરો.”

“એ નહીં બને. શું પહેરવું ને શું ન પહેરવું એ મારી ખુશીની વાત છે. મારે તો કામ કરવું છે. આ કંઈ કામ નથી. કામ હોય તો બતાવો.”

“સમાજ-શિક્ષણનું કામ ઉપાડો.”

“છટ્! એ તે કંઈ કામ છે? એ પંતુજીપણું આપણને ન ફાવે.”

“એ તો બહુ સારું કામ છે. આંધળાને આંખ આપવા જેવું કામ છે. તમે જે જે કંઈ જાણો છો એ બધું જ્ઞાન એમને તમે આપી શકો. સમાજસેવાનું આવું સુંદર કામ યુવાનો નહીં કરે તો કોણ કરશે?”

“ના ભાઈ! એ આપણને નહીં ફાવે. બીજું કંઈ કામ બતાવો!”

“કોઈક હરિજનવાસમાં બાલ-ક્રીડાંગણનું કામ કરશો? બાળકોને સ્વચ્છતા શીખવવી, નહાતાં-ધોતાં શીખવવું, ગીતો શીખવવાં, વાર્તાઓ કહેવી વગેરે કરશો? આનંદ આવે અને કામ પણ થાય એવું આ છે.”

“હરિજનવાસમાં જઈને ગંદાં બાળકો સાથે હું મારો સમય બગાડું? એ તો મને નહીં ફાવે.”

“તો પછી દારૂબંધીના પ્રચારનું કામ હાથમાં લો. સરકારની દારૂબંધીની નીતિ સફળ થાય એ માટે લોકોને સમજાવવા એ આપણું જ કામ છે. ઘેર ઘેર દારૂ ગળાય છે, એવી વાતો કરવાને બદલે એકાદ ગામ કે એકાદ લત્તો લઈને તેટલા ભાગમાંથી એ બદી નિર્મૂળ કરવાનો નિશ્ચય કરો અને એની પાછળ મંડી પડો.”

“વાહ! આટલું બધું ભણ્યો અને ડિગ્રીઓ લીધી તે શું આવા લોકો વચ્ચે ભટકવા માટે?”

“તો પછી કરશો શું?”

“આ સિવાય બીજું જ કંઈ બતાવો તો કરું. પણ કામ જ ક્યાં છે?”

“એક કામ કરો. આપણી કેટલીક ખોટી રૂઢિઓ નાબૂદ કરવાનું કામ ઉપાડો. હજી મરણ પાછળ જમવાનાં થાય છે. એ ખોટું છે એમ લોકોને સમજાવો. કેટલીક જ્ઞાતિઓમાં વાંકડાનો રિવાજ છે. એ આપણું મોટામાં મોટું કલંક છે, સ્ત્રીજાતિનું ભયંકર અપમાન છે અને યુવાનોને માટે શરમભરેલું છે. એવી જ્ઞાતિઓના યુવાનો સાથે ભળીને આ પ્રથા બંધ કરાવવાનું કામ ઉપાડો.”

“રામ રામ કરો. એ તે કોઈ કાળે બનતું હશે? અમારા જેવા ભણેલા યુવાનો તો તાતાના ડિફર્ડ જેવા ગણાય છે. ના ભાઈ! એમાં કોઈનું કંઈ ન વળે.”

“તો તો ભાઈ! તમે કશું જ કામ કરવાને લાયક નથી. તમે નકામું જ ભણી બગાડયું. તમે તો સ્વરાજમાં ભારરૂપ છો.”

“કેમ એમ કહો છો? સામો આવીને કામ માગું છું તોયે કરવા જેવું કામ બતાવતા નથી, કામ તમારી પાસે છે નહીં, પછી મને શા માટે દોષ દો છો?”

“જાઓ ભાઈ, જાઓ. ફક્કડ કપડાં પહેરીને આમતેમ ભટકતા ફરો. સિનેમા જુઓ. સિનેમાનાં ગીતો લલકારો. નટનટીઓની છબીઓ ભેગી કરો. ચકલે ચકલે ટોળે વળીને ટોળટપ્પાં મારો. સ્વરાજની ઠેકડી કરો અને કેળવણીને બદનામ કરો. તમારે માટે ફક્ત આટલું જ કામ કરવા જેવું છે.”

આ સંવાદમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી. આવા એક નહીં ને અસંખ્ય અનુભવો એક કે બીજી રીતે થતા જ રહે છે. સ્વરાજના કામને શું શીંગડાં-પૂંછડાં હોય છે? સ્વરાજનું કામ એટલે શું ફૂલબાગમાં ચમન કરવાનું કામ છે?

કહે છે : કામ કરવું છે, પણ કામ જ ક્યાં છે? આ બધાઓને કંઈ કામ જ દેખાતું નથી!

એક બહેન કહે : “કંઈ ફળદાયક કામ હોય તો કરવાનું મન પણ થાય.” પણ ફળદાયક એટલે શું? કામની વાતો કરનારા આવા બધાઓને પોતે કંઈક કર્યું, પોતે કામ કર્યું એ તરત દેખાઈ આવે એવું જોઈએ છે. એને ફળદાયક કહે છે.

સ્વરાજનાં કામો એમ ન થાય. એ માટે પહેલી જરૂર છે સાચા દિલથી કામ કરવાની તમન્નાની અને પોતાની જાતને ભૂલી જવાની. આટલું હોય તો કામ ઢગલાબંધ પડ્યાં છે. કામના ડુંગરા પડ્યા છે. એ ખોદનારાં ને ચણતર કરનારાં જોઈએ છે. જેમની આંખો ખુલ્લી છે એમની આગળ એ ડુંગરા પડેલા છે.

દેશ આજે કામ કરનારાઓને શોધે છે. આપણી પાસે દેશ કામ માગી રહ્યો છે. શહેરનાં માણસો હોય કે ગામડાંનાં હોય, ભણેલાં હોય કે ન ભણેલાં હોય, ગરીબ હોય કે ધનવાન હોય, સૌની પાસે દેશ કામ માગી રહ્યો છે. વાતો ન કરો પણ કામ કરો, એમ દેશ પોકારી પોકારીને કહે છે. તોયે આપણે આમ જ અથડાયા કરીશું ને સ્વરાજનાં કામો ઠેલ્યા કરીશું?