સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોર્જ કેન્ટ/બેલડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મેડેલિનબાઈને બેલડાં આવ્યાં. સ્વિત્ઝરલેંડ દેશનું ફ્રીબર્ગ ગામ છે. ગામની નાની ઇસ્પિતાલ છે. ૧૯૪૧ની સાલ છે — આખા યુરોપમાં લડાઈનો દવ ફરી વળ્યો છે. એ દાવાનળે સ્વિત્ઝરલેંડનો સીમાડો હજી ઓળંગ્યો નથી, પણ દેશ પોતાના રક્ષણની તૈયારીઓ કરી રહ્યો છે. કેટલાંય દાક્તર-નર્સો પોતપોતાનાં ઇસ્પિતાલ-દવાખાનાં છોડીને લશ્કરમાં ભરતી થઈ ગયાં છે. જે નથી ગયાં તેમને માથે તૂટી પડાય તેટલો મોટો કામનો બોજો છે. મેડેલિનની માવજત કરનારી સુયાણી જ જુઓને — ત્રણ દિવસ ને બે રાતથી એ ખડેપગે કામ કરે છે, આંખનું મટકુંય માર્યું નથી. ને એમાં, ૪થી જુલાઈના પ્રભાતે મેડેલિનબાઈને પેટે બેલડાં અવતર્યાં છે. બેય ભાઈ તો ફૂલના ગોટા જેવા છે. એમનાં નામ પાડયાં છે ફિલિપ અને પૉલ. દિવસો જતાં જતાં બેય મોટા થયા — પણ એ બેલડાંના હશે એવો અણસારેય કોઈને દેખાય નહિ. બેયના સ્વભાવમાં પણ બહુ ફેર. ફિલિપ હતો એકવડિયો ને કાંઈક ચીડિયો; ને પૉલ તો ભારે ધમપછાડિયો. છઠ્ઠું વરસ બેઠું એટલે બેય ભાઈને નિશાળે બેસાડયા. નિશાળમાં પહેલે જ દિવસે એક અચરજ થયું. દેખાવમાં એકસરખા એવા બે છોકરાઓને બેલડાં સમજીને માસ્તરે એક પાટલી ઉપર બેસાડયા. એ જોઈને નિશાળિયાઓ હસી પડ્યા. વર્ગની બહાર છોકરાઓ જે ભૂલ કરી બેઠેલા તે જ ગફલત માસ્તરે પણ કરી હતી. અર્નસ્ટ નામનો વર્ગનો એક છોકરો દેખાવમાં ફિલિપને એટલો બધો મળતો આવતો હતો કે માસ્તર પણ થાપ ખાઈ બેઠા, ને એ બેયને એમણે બેલડાંના ભાઈ માની લીધા. સાચી વાત સમજાઈ ત્યારે પછી માસ્તરે જ ફિલિપને એના ભાઈ પૉલ સાથે બેસાડયો. અઠવાડિયાં ગયાં, મહિના વીત્યા. પણ માસ્તરની મૂંઝવણ ઓછી થઈ નહિ. હજીય નિશાળમાં સહુ કોઈ ફિલિપ અને અર્નસ્ટનો ગોટાળો કરી બેસતાં હતાં. ગામ કાંઈ મોટું નહોતું. વાતને ફેલાતાં શી વાર? એક દિવસ એક ઓળખીતાએ આવીને મેડેલિનબાઈને કહ્યું કે, “આજ તો મેં તમારા ફિલિપને શેરીમાં બહુ તોફાન કરતો જોયો.” “એ ફિલિપ નહિ હોય,” મેડેલિનબહેન બોલી ઊઠયાં. “એને તો સળેખમ બહુ થયું છે તે આખો દિવસ ઘરમાં જ બેઠો છે.” આવું આવું તો ઘણીય વાર બનતું. મેડેલિનબહેનને ને ફિલિપના બાપાને પણ થયું કે આ તે શું કૌતુક! પછી ૧૯૪૭માં નિશાળનો વાર્ષિક મેળાવડો થયો. બધા છોકરાઓનાં માબાપ એ જોવા આવ્યાં. એમાં ફિલિપના બાપાએ પહેલી જ વાર પોતાના દીકરાને આબેહૂબ મળતો અર્નસ્ટ નામનો પેલો બીજો છોકરો જોયો. મેળાવડામાં આખી નિશાળને એકસરખાં લૂગડાં પહેરીને આવવાનું હતું. એટલે તે પોશાકમાં તો એ બે વચ્ચેનું સરખાપણું વળી અનેકગણું વધી ગયું. ફિલિપના બાપા તો જોઈ જ રહ્યા. પછી ત્યાં ને ત્યાં જઈને એ અર્નસ્ટની બાને મળ્યા, પૂછ્યું : “તમારા દીકરાનો જન્મ ૧૯૪૧ની ૪થી જુલાઈએ પેલી ઇસ્પિતાલમાં જ થયો હતો?” જવાબ મળ્યો : “હા.” ફિલિપનાં માબાપ તો હવે મૂંઝાવા લાગ્યાં. ગામના એક આગેવાન દાક્તરને જઈને એ મળ્યાં, પેટછૂટી વાત કરી અને પોતાની શંકા રજૂ કરી. “બની શકે જ નહિ,” દાક્તર બોલી ઊઠ્યા. “એમ છોકરાં બદલાઈ જાય તે તો બધું વારતામાં બને, સાચી જિંદગીમાં નહિ!” બે દિવસ પછી ફિલિપના બાપા એને ને પૉલને દાંતના દાક્તર પાસે લઈ ગયા. તપાસ કરાવી. બધા છોકરાને નીચલી દાઢમાં ચાર રાક્ષસી હોય, પણ ફિલિપના મોઢામાં બે જ હતી પૉલના દાંતમાં કાંઈ ખામી નહોતી. વળતે અઠવાડિયે ફિલિપની બાએ નિશાળે જઈને જોયું તો આ પેલા અર્નસ્ટનાં જડબાંમાં પણ બે જ નીચલી રાક્ષસી હતી. હવે તો મેડેલિનને અને તેના પતિને ખાતરી થઈ ગઈ કે નક્કી, ઇસ્પિતાલમાં છોકરા બદલાઈ ગયા છે; અર્નસ્ટને બદલે પૉલ આવી ગયો છે. એમનાં હૈયાંમાં વલોપાત ચાલ્યો. બેય છોકરા ઉપર એમને સરખો પ્રેમ હતો. પણ હવે પૉલથી જુદાં પડવું પડે તો — એ વિચાર જ એમને મૂઢ બનાવી મૂકતો. પણ હજીય કોને ખબર છે — કદાચ પોતાની ભૂલ થતી હોય, એમ માનીને એ તો પેલા આગેવાન દાક્તર પાસે ફરી વાર ગયાં. દાંતવાળી વાત સાંભળીને દાક્તરને પણ શંકા પડી. એણે પેલા સુવાવડખાનામાં જઈને ઊંડાણથી તપાસ કરી. ને એનો વહેમ પાકો થતો ગયો. હવે ફિલિપની બાનું હૈયું હાથ રહેતું નહોતું. બીજી બાજુ, અર્નસ્ટની માને તો આ વાતમાં કાંઈ રસ જ નહોતો. એને દસ વરસની એક દીકરી હતી, ને પછી આ નાનો અર્નસ્ટ હતો. એ બાઈનો ધણી થોડા વખત પહેલાં જ મરી ગયો હતો, ને અર્નસ્ટ હવે એને આંખની કીકી જેવો વહાલો થઈ પડ્યો હતો. ઇસ્પિતાલમાં અદલબદલ થઈ હોય કે ન થઈ હોય, બાઈને એની કાંઈ પડી નહોતી. ગામના લોકો પણ એમ જ કહેતા : થવાનું હશે તે થઈ ગયું. બેય છોકરા પોતપોતાને ઠેકાણે કલ્લોલ કરે છે. સહુ સુખી છે. પછી હવે જૂની વાત શીદને ઉખેળવી? પણ મેડેલિનને ને એના ધણીને તો સાચી વાત જાણ્યા વિના જંપ વળે એમ ન હતો. વળી શરૂઆતમાં એમની વાત હસી કાઢનાર પેલા આગેવાન દાક્તર પણ હવે વાતનો તંત છોડવા તૈયાર નહોતા. અર્નસ્ટની બા ને એમની મોટી દીકરી, ફિલિપનાં માબાપ ને એમના બેય છોકરા — એ બધાંનું લોહી તપાસવામાં આવ્યું. પણ એ તપાસથી કાંઈ વળ્યું નહિ, કારણ કે સાતેયનું લોહી એકસરખું હતું. થોડા દિવસ પછી બન્ને કુટુંબો પાટનગર જીનીવા ગયાં, ત્યાં મોટા મોટા તબીબોની સલાહ લીધી. આઠ-આઠ મહિના સુધી તો તબીબોએ તપાસ ચલાવી. ને પછી એકમતે ચુકાદો આપ્યો કે ફિલિપ ને અર્નસ્ટ એક માને પેટે જન્મેલા છે, ને જે બાઈએ અર્નસ્ટને ઉછેરીને મોટો કર્યો છે તેનો સાચો દીકરો પૉલ છે. બીજી પણ એક સાબિતી સાંપડી ગઈ. મેડેલિન ઇસ્પિતાલમાં હતી ત્યારના એના કેસનાં કાગળિયાંમાં થોડી છેક ભૂંસ નીકળી. બેલડાં જનમ્યાં ત્યારે એમનાં જે વજન નોંધાયાં હતાં તેમાં પાછળથી ફેરફાર થયો હતો. બેલડાંનાં બાળકોનાં વજન જન્મ વખતે સામાન્ય બાળક જેટલાં જવલ્લે જ હોય છે. ભૂલભૂલમાં અર્નસ્ટની જગ્યાએ પૉલ મુકાઈ ગયો હશે; પણ પેલી થાકીપાકી નર્સને એ વાતનો અંદેશો નહિ રહ્યો હોય, એટલે એણે બેલડાંના એક બાળકનું વજન મૂળ હતું તેના કરતાં બે રતલ જેટલું વધારે લખી નાખ્યું હતું. પછી તો જાતજાતની તપાસ થઈ. આંગળાંની છાપ લેવાઈ, એક્સ-રેથી ત્રણેય છોકરાની ખોપરીઓના ફોટા લેવાયા, કાનના પડદા ને આંખની કીકીઓ પણ તપાસાઈ ગયાં. દરેક કસોટી એક જ ઉકેલ ચીંધતી : કે ફિલિપ ને અર્નસ્ટ જ સાચાં બેલડાં હતાં. છેવટની એક અફર પરીક્ષા રહી હતી. એ હતી ચામડીનું થીગડું મારવાની. માણસની પોતાની જાંઘમાંથી ચામડી લઈને એના જ હાથ ઉપર એનું થીગડું માર્યું હોય તો એ બરાબર ચામડી સાથે મળી જાય. પણ બીજા કોઈની — માબાપની કે સગા ભાઈની ચામડીનું થીગડું સુધ્ધાં એવું કામ નથી આપતું. એમાં અપવાદ એક છે : બેલડાંનાં બાળકોની ચામડી એકબીજાંને થીગડાં મારવામાં કામ આવે છે. એટલે, દાક્તરોએ એ ત્રણેય છોકરાઓની ચામડીના થોડા થોડા કટકા લઈને એકબીજાનાં શરીર ઉપર એનાં થીગડાં મારી જોયાં. ફિલિપની ચામડીનું થીગડું અર્નસ્ટના શરીર પર, ને અર્નસ્ટનું ફિલિપ ઉપર બરાબર ચોટી ગયું. પણ પૉલના શરીર પરનું થીગડું કરમાઈને ઊખડી ગયું. ડિટેક્ટિવ વારતા ત્યાં પૂરી થાય છે. પણ સાચી જિંદગીની કરુણા ત્યાંથી શરૂ થાય છે. ૧૯૪૮ના જુલાઈ મહિનાની ૧લી તારીખે મેડેલિનના પતિ પૉલને લઈને એની સાચી માને ઘેર મૂકી આવ્યા, અને અકળાયેલા અર્નસ્ટને ત્યાંથી લઈ આવ્યા. એ અદલાબદલીથી કોઈ સુખ પામ્યું નહિ. ત્રણેય છોકરાઓ સાત-સાત વરસના થઈ ગયા હતા, ને પોતપોતાના ઘરમાં એ પ્રેમથી, જતનથી ઊછર્યા હતા. “અર્નસ્ટને મેં ખૂબ હેત કરીને મારા ઘરમાં લીધો. મારા ફિલિપની છબી જેવો જ એ હતો — એટલે મને એની ઉપર હેત તો કેટલુંય છૂટતું હતું!” મેડેલિનબહેને મને કહ્યું. “પણ પેલા છોકરા પૉલને — ભલે ભૂલથી પણ — મેં મારું બાળક ગણીને જ મોટો કરેલો હતો. એના વિના મારાથી કેમ રહેવાય? પેટનું બાળ પાછું મેળવ્યું તેનો મને હરખ હતો, પણ હૈયાનું બાળ ખોઈને હું હીબકાં ભરતી હતી.” એ વાતને ત્રણ વરસનાં વહાણાં વાયાં છે. પણ મેડેલિનની આંખનાં નીર હજી સુકાયાં નથી. પૉલ જે દિવસે એને ઘેરથી ગયો ત્યારનો એને દીઠો નથી. છતાં કેમેય કરીને એ વીસરાતો નથી. મેડેલિને અને એના પતિએ પૉલને એના ઘરબદલાનું કારણ સમજાવેલું. એને જવું બહુ આકરું ન લાગે એટલે એમણે તેને એ પણ કહેલું કે, તારી સાચી બા બહુ પૈસાદાર છે, એને ઘેર મોટર છે, એ તને સાઇકલ અપાવશે, ખૂબ ખૂબ રમકડાં લઈ દેશે. એ બધું સાંભળીને પૉલભાઈ તો નવે ઘેર જવા ઉતાવળા થઈ ગયા હતા. પૉલ ગયો ને અર્નસ્ટ આવ્યો. નવા ઘરમાં ક્યાંય સુધી એ અતડો અતડો રહ્યો. મેડેલિનને એ ‘બહેન’ કહીને જ બોલાવતો અને હેત કરતો નહિ, બચીઓ ભરતો નહિ. ડાહ્યો ડમરો બનીને એ રહેતો. નવાં માબાપની આજ્ઞા પાળતો, પણ માતૃપ્રેમની જ્વાળાઓ એના ભીતરમાં ભડકે બળ્યા કરતી. મેડેલિને તો એને જ્યારે મન થાય ત્યારે જૂને ઘેર આંટો મારી આવવાની રજા પણ આપેલી. પરંતુ અર્નસ્ટે માતાનો વિરહ મૂંગો મૂંગો અંતરમાં શમાવી લીધો. અર્નસ્ટ જેને મૂકીને આવ્યો હતો તે માતાની વેદનાનો કોઈ જોટો નહોતો. મેડેલિનને તો એટલુંય સુખ હતું કે પોતાની પાસે બેલડાંનું એક બાળક હતું, તેની જોડનું બીજું બાળક એને સાંપડ્યું હતું. પણ આ વિધવા બાઈને તો એટલું ય આશ્વાસન નહોતું. પોતે ખોયેલા દીકરાથી દરેક રીતે જુદું એવું એક બાળક એના ઘરમાં આવ્યું હતું. હા, એ બાળકનું મોઢું એના મરેલા ધણીની છબીને મળતું આવતું હતું. પણ જેને પોતાની છાતીએ ધવરાવીને મોટો કર્યો હતો એ છોકરો તો આ નહિ જ ને! જેને પોતે બેસતાં શીખવ્યું હતું, પા પા પગલી પાડતાં શીખવ્યું હતું, એ સંતાન તો આ નહિ જ ને! આજે ત્રણેય છોકરા દસ-દસ વરસના થઈ ગયા છે. પોતપોતાનાં નવાં ઘરમાં એ બરાબર ગોઠવાઈ ગયા છે. બધી વાતે સુખી છે. પણ એ બે માતાઓ તો તૃષાતુર ચાતક પંખિણીઓની જેમ ઝૂર્યા જ કરે છે. {{Right|(અનુ. મહેન્દ્ર મેઘાણી) }