zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોર્જ બર્નાર્ડ શો/રમૂજની રીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

રમૂજ કરવાની મારી રીત સત્ય કહેવાની છે.

દુનિયામાં એથી બડી રમૂજ બીજી કોઈ નથી.

સત્ય જ એક એવી વસ્તુ છે કે જેને કોઈ નહીં માને.

સ્વતંત્રતા એટલે જવાબદારી. તેથી જ ઘણા લોકો એનાથી ગભરાય છે.

જાતનું રક્ષણ કરવું હોય તો ઊભા ઊભા ચોકી કરવાથી નહીં થાય

પણ તૂટી પડીને, સારી પેઠે પિટાઈને જ થઈ શકશે.

સિપાહીગીરી એટલે

પોતાનામાં જોર હોય ત્યારે બેરહમ બનીને તૂટી પડવાની, અને

તાકાત ન હોય ત્યારે બાયલાની જેમ પલાયન થઈ જવાની કળા.

અનુભવે આપણે એટલું તો શીખીએ છીએ કે

માનવી અનુભવમાંથી કદી કાંઈ જ શીખતો નથી.

જિંદગીમાં બે કરુણતા આવે છે :

એક તો, પોતે જેને ઝંખતાં હોઈએ તે ન જડે એ;

અને બીજી, એ સાંપડી જાય તે.

સર્વ લોકો મારા ગુણ ગાય તે દિવસે મારું આવી બન્યું જાણજો!

મોટામાં મોટું રહસ્ય

સારી કે નરસી કે કોઈ પણ બીજી જાતની રીતભાત રાખવામાં નહીં,

પણ તમામ મનુષ્યો માટે એકસરખી રીતભાત રાખવામાં રહેલું છે.

જીવનનો સાચો આનંદ આ છે —

પોતે ભવ્ય માનેલા કોઈ ઉદ્દેશને ખાતર ખપી જવું;

ઉકરડા પર ફેંકાઈ જતાં પહેલાં સંપૂર્ણપણે ઘસાઈ છૂટવું;

“દુનિયા મને સુખી કરવામાં લાગી પડતી નથી,”

એવાં રોદણાં રડતા સ્વાર્થીલા, તાવલેલા ઢેફાને બદલે

કુદરતની એક શક્તિ બનવું.