સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ગુંડાઓનો ડર ત્યજો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ગામો ભાંગતી લુટારુ ટોળીઓથી વધુ ભયંકર અને વધુ નામરદાઈમાં આપણને ધકેલનારા તો ગામોના એકાદ-બે ગુંડાઓ હોય છે. પ્રજાની છાતી પર દિવસ ને રાત ઊભા રહી, ધોકો બતાવી નાણાં પડાવે છે અને આપણી આબરૂના કાચના કૂંપા તેઓ એક જ ટકોરે તોડી શકે છે એવો ડર પલેપલ ઘુરકાવી રહે છે. પ્રજાજનો! આપણે આપણી નિર્દોષ ને સીધી પ્રવૃત્તિઓ પર પણ આવા એકાદ-બેનો કાળો ઓળો સતત છવાતો દેખી જીવતે મોત અનુભવીએ છીએ. આવું જીવન જીવીને શું કરવું છે? ભાઈઓ અને બહેનો! આપણે કાયદાધીન પ્રજા છીએ, ને રહીએ, પણ આબરૂનો આપણો ખ્યાલ ખોટો છે. આપણે સૌના પગની રજ બનીને ચાલીએ ભલે, પણ ગુંડાદાદાનો ડર નમ્રતા કે સાધુતા નથી. આપણને ભ્રાંતિ થઈ છે કે આપણે કમજોર છીએ ને ગુંડા શેરબહાદરો છે. એ ભ્રાંતિનો જ ગુંડાઓ લાભ લે છે. એક પણ ગામડાનું કે શહેરનું જીવન આ ધ્રુજારી વગરનું નથી. પ્રજાજનો! મોતથી ડરીને ગુંડાઓને સંઘરશું? પોલીસને મદદ કરવા ટાણે ઘરમાં બેસી જઈને પોકારો જ કર્યા કરશું કે ગુંડા પીડે છે તેનો પોલીસ ઇલાજ કરતી નથી? આપણી અધોગતિ તો થઈ ચૂકી પણ આપણાં સંતાનો માટે આપણે કેવો વારસો મૂકતા જઈએ છીએ તેનો, ઓ પ્રજાજનો, ગામેગામ વિચાર કરજો! [‘ફૂલછાબ’ અઠવાડિકનો તંત્રીલેખ : ૧૯૪૦]