સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/છાપાને વ્યક્તિત્વ નિષ્ઠાનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિદ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે, એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહીં નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ની વિશિષ્ટ ફરજ છે કાઠિયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની, કાઠિયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાની. નવું તંત્રીમંડળ એ અદા કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓના મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાને જરૂર નથી. છાપાને વ્યક્તિત્વ હોય છે — વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું. એ વ્યક્તિત્વે હયાતી પુરવાર કરવા નોખાં ફાંફાં મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે. એટલે જ, વાચક, ‘ફૂલછાબ’ના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડળની એક અથવા વધુ વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સો સાચા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતિ એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની-મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડાઓ ખુલ્લા પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેક વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. [‘ફૂલછાબ’ અઠવાડિકનો તંત્રીલેખ : ૧૯૩૬]