સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દીકરાનો મારનાર
અંબા મોરિયા જી,
કે કેસું કોરિયા,
ચિત્ત ચકોરિયાં જી,
કે ફાગણ ફોરિયા.
ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા,
ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા,
ગુલ્લાલ .ઝોળી રંગ હોળી .રમત ગોપ રમાવણા,
આખંત રાધા નેહ બાધા વ્રજ્જ માધા આવણા!
દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના હેડીહેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા, પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણાં દીપતાં હતાં. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે : ગાંડાતૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું-અને એમાંય ગામડાની ધૂળેટી : કાળો કોપ!
“એલા ભાઈઓ! કો’ક ઊજળે લૂગડે મે’માન વયો આવે.” એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. ત્યાં તો સહુ ધેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ.
“એલા, મે’માનને કોઈ છાંટશો મા!” બીજાએ મર્મમાં કહ્યું.
“અરે, મે’માનને તે કાંઈ રોળ્યા વગર રહેવાય! મે’માન ક્યાંથી હાથ આવે.?”
“સાચું! સાચું!… મે’માનને રોળો!… ગોઠ્ય માગો!… રોળો!” એવા રીડિયા ઊઠ્યા, અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી.
ધોળું બાસ્તા જેવું પાસાબંધી કેડિયું : પગને કાંઠે ત્રણ-ત્રણ ડોરણાંવાળી પકતી ચોરણી : ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ : અને બગલમાં દબાવેલી એક ફાટેલતૂટેલ મ્યાનવાળી તરવાર : કેડે કોઈક કાળાંતરની જૂની કટારી : એવો દાઢીમૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો, કેસૂડાંનાં ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઊઠ્યો કે, “મને રોળશો મા! ભલા થઈને મને છાંટશો મા! તમારે પગે લાગું!”
પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઊલટાની વધુ ચાનક ચડી. બમણાત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસાં પાડવા લાગ્યાં : “હાં ખબરદાર! મે’માનને ઓળખાય જ નહિ એવા વહરા ચીતરી મેલો! લાવો મશ ને ગારો.”
જોતજોતાંમાં તો ધૂળ ઊડવા મંડી. ઘૈરેયાએ એકસામટી ઝપટ કરી. મહેમાન તો ‘જાળવી જાવ!’ ‘જાળવી જાવ!’ કરતો પાછો હઠવા લાગ્યો. પણ જુવાનો ‘આંબું આંબું!’ થઈ રહ્યા, એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમ ને એમ મ્યાન સોતી આડી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય : પોતે બબ્બે કદમ પાછો હઠતો જાય ને “રે’વા દ્યો!” “રે’વા દ્યો!” કરતો જાય. ધૂળની ડમરી ઊડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયારમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તરવારનાં ઝાવાં અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું.
“અરે, ગઝબ થયો!… કુંવર પડ્યા! કુંવરને વાગ્યું!… કુંવર જોખમાણા!” એવી બૂમ ઊઠી.
“મહેમાને કુંવરને તરવાર મારી!… પકડજો!… ઝાલજો! ઝાલજો!” એવી બીજી ચીસ પડી.
મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તરવાર પકડી છે એની શી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે.
આંહીં ઝાંપામાં તો કૅર થઈ ગયો છે. મંદોદરખાન દરબારના નવ વરસના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તરવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું, અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું.
પણ આ થયું શું.? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે, મહેમાન જે મ્યાન સોતી તરવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દૈવગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું; કોઈને ખબર નહિ, અને તરવારની પીંછી અકસ્માત્ કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો, અને વળી નસીબદારનું બચ્ચું, એટલે તો બગીચાનું ફૂલ : તરત એના પ્રાણ નીકળી ગયા.
પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદરખાન જાતના હતા મોલેસલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી; વાટકીનું શિરામણ કહેવાય; પણ પેટ બહુ મોટું; એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય, તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણાં-બજાવણાં કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઊજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યા રંગમાં ભંગ પડ્યો : રાડ ગઈ કે કુંવરને માર્યો.
“અરે કોણે.?”
“કો’ક મુસાફરે.”
“ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે.?”
“અરે, બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે-ઉઘાડી તરવારે!”
“હાં! લાવો મારી ઘોડી!”
રોઝડી ઘોડી : હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી : ભાગતાં હરણાંની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડાભર મંદોદરખાને રાંગમાં લીધી; સાથળ હેઠે તરવાર દબાવી અને રોઝડીને ડચકારી : જાણે તીર છૂટ્યું.
ઝમ! ઝમ! ઝમ! આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદરખાને ઘોડીને ચાંપી.
મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા; થંભી ગયો. પાછો ફરીને જોતાંની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે.? આમેય મરવું તો છે જ, માટે હવે ચીંથરાં શીદ ફાડવાં.?
ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી.
અસવાર એ સમસ્યાને સમજી ગયો; જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોઝડીને થંભાવી. આઘેથી પૂછ્યું : “કોણ છો.?”
“ચારણ.”
“શા માટે આવ્યો’તો.?”
“કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી… છોકરું છાશરાબ વગર રોવે છે… નો’તો આવતો. પણ ચારણ્યે ધકેલ્યો-મંદોદરખાનની વાસના માથે.” અવાજ તૂટક તૂટક નીકળે છે.
“કુંવરને તેં માર્યો.?”
“ઈશ્વર જાણે!” ચારણે આભ સામો હાથ કર્યા : “મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચીંથરાં પહેર્યાં હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લૂગડાંની એક કોરી જોડ્ય હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોળવા આવ્યા. મેં એમાંથી ઊગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી.”
આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તરવારો, તો કોઈના હાથમાં સાંબેલાં. દ્યો! દ્યો! દ્યો! એવો દેકારો બોલતો આવે છે.
ભાળતાં જ ચારણે ફાળ ખાધી. મંદોદરખાને રોઝડીને માથેથી રાંગ છાંડી, પોતાની તરવાર આધેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો : “ગઢવા, આંહીં આવ. આ લે.”
“શું.?”
“આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ.”
“શું બોલો છો.?”
“ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું.? આ ગામ હલક્યું છે, અને તેં એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે-”
“અરે, પણ ભાઈ-તમે!”
“હું! મારી ઓળખાણ અટાણે નહિ, પછી. અટાણે તો ભાગી નીકળ, નીકર તારાં છોકરાં રઝળી પડશે અને ગામલોકો તામાં ને તામાં રોક્યાં રહેશે નહિ.”
“પણ, બાપ, તારું નામ-”
“અરે નામ ખુદાનું!” કહીને મંદોદરખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોઝડી પર બેસાર્યો, ચોકડું હાથમાં આપીને વાંસેથી રોઝડીને ડચકારી.
પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોતજોતામાં તો અલોપ થઈ.
મંદોદરખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોઝડી નથી, કાખમાં તરવાર નથી. ગામલોકોએ દોડીને પૂછ્યું : “કાં, બાપુ.?”
“માળો લોંઠકો આદમી! મને જીતવા ન દીધો, ને તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો!”
“અરે, રાખો રે રાખો, બાપુ!” વસ્તીએ ખિજાઈને કહ્યું : “ફણિધરને માથેથી મણિ લઈ જાય તો જ મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને.? સાત ખોટનો એક દીકરો-એના મારાને ઊલટો ભગવ્યો.?”
“લ્યો, હવે જાતી કરો.” દરબારે શાંતિથી જવાબ વાળ્યો.
“જાતી શું કરે! એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું.”
“ભાઈ!” મંદોદરખાન બોલ્યા : “તમે તે કાંઈ દીવાના થયા.? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો’તો.? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે, જાણો છો.? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો. અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી! આપણા કિસ્મતમાં નહિ હોય એટલે ખડી ગયો. પણ એટલા સારુ હું આજ ઊજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું.? હાલો, બેટાની મૈયત કાઢીએ.”
હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.
[‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ ૫ પુસ્તક : ૧૯૨૭]