સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/પહેલું ટીખળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          નાગડો ધ્રોળને માર્ગે પડ્યો. ખેચર, જળચર, ભૂચર એવા શબ્દો મનમાં ગોખતો ગોખતો એ ઘોડો હંકારતો હતો. આથમણા ઝાંપા બહાર અજવાળી રાતે એક સ્ત્રી ધણને બહાર બેસારીને દૂઝણી ગાયોને કપાસિયા ખવરાવતી હતી તેને એણે પૂછ્યું: “આંહી ખેચર મોરીનું ઘર ક્યાં? અરે ભૂલ્યો, ભૂચર મોરી રજપૂતનું.” છોકરી પાસે ગઈ. એ જ પુરુષ. એણે ઓઢણું સંકોર્યું ને ઉગામેલ પરોણો નીચો કર્યો. પુરુષે પણ છોકરીને ઓળખી. આ તો રાજુલ. બંનેની રોમરાઈ ભાદરવા મહિનાના ભર્યા મોલની જેમ સળવળાટ કરી ઊઠી. “ગામતરે ગિયા છે.” કન્યાએ બીજી બાજુ જોઈ જઈને જવાબ દીધો. એની ઓઢણી ઝૂલતી હતી. લસરતી ઓઢણી એણે ત્રણ વાર માથા ઉપર સંકોરી. ગાયોનું ધણ ઊચાં મોં કરીને વહેમાતું ઊભું થઈ ગયું. અસવારને યાદ આવ્યું કે હવે વધુ ઊભવાનું પ્રયોજન રહેતું નથી. એણે ઘોડો વાળ્યો. થોડેક ગયો ત્યારે પાછળ રાજુલનો કટાક્ષ પહોંચ્યો: “ઘોડાનું પૂછડું પડી ગિયું.” નાગડે ઘોડો થોભાવ્યો, ઊપડતે પગલે પાછો લીધો અને રાજુલ ઝૂંપડીમાં પેસી જાય તે પહેલાં આડો ફેરવીને કહ્યું, “લાવો, જરી આપજો તો પૂછડું.” “આ લે,” કહી રાજુલે અંગૂઠો દેખાડવા હાથ ઊચો કર્યો એ પળે જ એણે ઘોડે બેઠે દેહ લંબાવી રાજુલનો હાથ બાવડેથી પકડીને ઉઠાવી ખોળામાં નાખીને ઘોડાને દોટાવી મૂક્યો. ગાયોનું ધણ હીંહોરા દેતું પાછળ થયું. આઘે જઈને એણે ઘોડો થોભાવ્યો. રાજુલ એના ખોળામાં પડી પડી ચંદ્રને જોઈ રહી. એણે જુવાનની કમ્મર ફરતો હાથ નાખ્યો. રાજુલના બેઉ ગાલ જુવાનને પોતાની સમક્ષ કોઈકે નજરાણું ધરેલા હેમના ખૂમચા લાગ્યા. એ ગાલો પર બે ચુંબનો ચોડીને પછી એણે રાજુલને ધરતી પર લસરતી મૂકી. રાજુલે થોડી ઘડી પેઘડું પકડી રાખ્યું. “પડી ગયેલું પૂછડું પાછું દેવાનાં મૂલ પહોંચ્યાં ને?” હાંફતી રાજુલ બોલી ન શકી. એનાં લોચન અરધાં બિડાયાં હતાં. “અધૂરાં મૂલ ચૂકવવા કાલ સાંજે આવીશ. મોરીને આંટો ખવરાવશો મા,” કહીને એ ઊપડી ગયો. પોતે ઝૂંપડીએ ક્યારે આવી તેનું સ્મરણ રાજુલને પ્રભાતે નહોતું રહ્યું. મોં ઘસીને લૂછતી હતી, પણ રોમરાઈનો સળવળાટ ભૂંસાતો નહોતો. [‘સમરાંગણ’ નવલકથા: ૧૯૩૮]