સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સ્વત્વ ન ચૂકજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          કાગળ વાંચતાં વાંચતાં મને પેટ ભરીને હસવું આવ્યું છે, પણ એક તો હસવું ને બીજી હાણ. ભલા ભાઈ! આ બધા અનુભવો તમને અકળાવી રહ્યા છે તે શું ગુજરાતને તમે નંદનવન કલ્પી હતી? જો આવું આવું ગોતવા ને દિલ પર લેવા બેસશો તો તમારાં મૂઠી હાડકાં તે પણ વહેલાં લાકડે જશે. નવી ગુજરાત સર્જવી હશે તો બહુ ધીરજ ને સહિષ્ણુતા જોઈશે તેમ જ નહીં, પણ ખૂબ અલિપ્તતા જોઈશે. મને મુંબઈનો અનુભવ છે. તે પરથી એક ગાંઠ વળાવું? આ બધી જ ટોળકીઓની ધમાલમાંથી ખસી જઈ એકચિત્તે અભ્યાસી બનજો, social contact [સામાજિક સંપર્ક] જરૂર પૂરતા જ રાખજો ને એક દસકા સુધી અભ્યાસનિષ્ઠા ટકાવી રાખી એવી તૈયારી કરજો કે ગુજરાત તમારી પાસે માગતી આવે. તમારા યૌવનકાળનો ધ્વંસ મુંબઈના આ ચેનચાળાથી ન કરાવી બેસતા. તમે scholar [અભ્યાસી] છો, અભ્યાસનિષ્ઠ પ્રકૃતિના છો. એ પ્રકૃતિને હણાવા દેશો નહીં. મુંબઈમાં તો પ્રસિદ્ધિ ને મહત્તા પામશો તો ય તમે મરી રહેશો ને ઉપેક્ષા પામશો તો દંશીલા બનશો. માટે મુંબઈની છાતી પર રહીને પણ સ્વત્વ ન ચૂકજો, ભાઈ! મુંબઈ-અમદાવાદ તો અત્યારે સાહિત્યદૃષ્ટિએ ભયંકર બનેલ છે. વધુ શું લખું? [ઉપરના પત્રના જવાબમાં : ૧૯૩૯]