સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/પુત્ર-પ્રપૌત્રોને નહીં કહીશું?
વચ્ચે ચાર વર્ષ અભ્યાસ પડ્યો હોવા છતાં ભાઈ ઉમાશંકર એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થવા સંમત થયા. કોલેજમાં તે વખતે આચાર્ય તરીકે પ્રિન્સિપાલ હેમીલ હતા. તેમની છાપ એક દૃઢાગ્રહી સામ્રાજ્યવાદી તરીકેની હતી. તેમની સામે થોડુંક વિદ્યાર્થી-આંદોલન પણ થયું હતું. એ ઘટના, ઉમાશંકર એ કોલેજમાં દાખલ થયા તે પહેલાં બની હતી. ઉમાશંકરને તેમણે પૂછ્યું: હે.: ઇન્ટર થયા પછી તમે ચાર વર્ષ શું કર્યું? કેમ આગળ અભ્યાસ ન કર્યો? ઉ.: હું સત્યાગ્રહની લડતમાં હતો. હે.: એમ? તો તમે જેલમાં ગયા હતા? ઉ.: હા, જી. હે.: ગુજરાત કોલેજમાં પ્રિન્સિપાલ શિરાઝ સામેની હડતાલમાં તમે હતા? ઉ.: હા, જી. હે.: તો અહીં પણ તેવું ન કરો એની શી ખાતરી? ઉ.: મેં દાખલ થવાના ફોર્મમાં સહી આપી છે એટલે મારે એ અંગે વિશેષ કહેવાનું રહેતું નથી. હે.: સારું. હું તમને પ્રવેશ આપું છું. બી. એ. થયા પછી એમણે કંઈક કામ કરવાનું નક્કી થતાં મારી સાથે શિક્ષક તરીકે કામ કરવા મેં તેમને નિમંત્રણ આપ્યું. તેમણે તે તુરત જ સ્વીકાર્યું. એમના આવવાથી વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકોમાં આનંદની લહર વ્યાપી ગઈ. એમને નિમિત્તે થોડા સમય માટે એક નાનકડી અપ્રિય ઘટના બની. અમારે ત્યાં અનટ્રેઇન્ડ ગ્રેજ્યુએટને માસિક ૬૦ રૂપિયાના પગારથી અને ટ્રેઇન્ડને ૭૦ રૂપિયાના પગારથી નિમણૂક આપવામાં આવતી હતી. ઉમાશંકરની ૭૦ રૂપિયાથી નિમણૂક થઈ. એ સામે એ સમયે થોડોક અસંતોષ થયાની વાત મારી પાસે આવતાં હું કોમન રૂમમાં ગયો અને મેં એ અંગે પૂછ્યું. એક સિનિયર શિક્ષકે એ વાતનો સ્વીકાર કર્યો કે, આ જાતનો ભેદભાવ ઠીક નહોતો. તેમને મેં કહ્યું: “ઉમાશંકરે વિદ્યાક્ષેત્રે તેમ જ સાહિત્યક્ષેત્રે જે સિદ્ધિ મેળવેલી છે એનું પૂરું મૂલ્ય કદી પણ આંકી શકાશે ખરું? એમની એ સિદ્ધિઓ કરતાં બી. ટી.ની પદવી ચઢિયાતી? ભવિષ્યમાં કોઈ વખત એ યુનિવસિર્ટીમાં વાઇસ ચાન્સેલર બનશે ત્યારે આપણે પુત્ર-પ્રપૌત્રોને ગૌરપૂર્વક નહીં કહીશું કે ઉમાશંકર એક વખત અમારા સહકાર્યકર હતા?” મને લાગે છે કે એ પછી એમના મનનું સમાધાન થયું હતું. એ વખતે તો આખા મુંબઈ ઇલાકામાં એક જ યુનિવસિર્ટી હતી, પરંતુ ગુજરાત યુનિવસિર્ટી અસ્તિત્વમાં આવી અને ઉમાશંકર તેના કુલપતિ બન્યા.