સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/સાફલ્યટાણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          [શ્રી ઝીણાભાઈ દેસાઈની આત્મકથાનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા ને ૧૯૩૩ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જ્વળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની, અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવનસાફલ્યના ટાણાની, કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે, તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક ઉજ્જ્વળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. — નગીનદાસ પારેખ]

ઑક્ટોબર ૧૯૨૦ : કોઈ મોટા ગુરુત્વાકર્ષણથી હોય તેમ ભરૂચથી અમે કેટલાક વિદ્યાર્થીઓ સુરતના ‘પાટીદાર આશ્રમ’માં ખેંચાઈને ગયા. તે વખતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે એક પ્રચંડ સભા યોજાઈ હતી. એ સભાને ગાંધીજી સંબોધવાના હતા. માત્ર વિદ્યાર્થી-જગતમાં જ નહીં, પણ આખા જાહેર જીવનમાં ભારે ઉત્સાહનું પૂર આવ્યું હતું. ટ્રેન મારફતે, બળદગાડાં મારફતે કે પગપાળા ઠેરઠેરથી, ગામગામથી વિદ્યાર્થીઓ, જુવાનો અને વૃદ્ધોનો પ્રવાહ અસ્ખલિત રીતે, સભાના સમયથી ઘણો વહેલો, પાટીદાર આશ્રમ તરફ વહેતો થયો હતો. ગાંધીજીને જોવાનું અને એમને સાંભળવાનું ભારે કુતૂહલ લોકોના મનમાં હતું. કંઈક અવનવું બનવાનું છે, અંગ્રેજ સરકારના પાયા ડગમગવા લાગ્યા છે, અને દક્ષિણ આફ્રિકામાં મોટી જીત મેળવી ગાંધીજી આવ્યા હતા તેમ આપણે ત્યાં પણ સરકાર સામે તે એવો જ વિજય મેળવવાના છે, એવી લોકોને જાણે કે ખાતરી થઈ ગઈ હતી; જોકે અસહકારની લડતનો પૂરો ખ્યાલ લોકોને ન હતો. એમને પોતે શું કરવાનું છે એનો પણ એમને ખ્યાલ ન હતો. એમને એક જ ખ્યાલ હતો, ને તે એ કે ગાંધીજી જે કંઈ કહે તેવું અચૂક થાય જ. આવી અખૂટ શ્રદ્ધા, ગાંધીજીને જેમણે જોયા ન હતા, સાંભળ્યા ન હતા, પણ જેમનાં કેટલાંક લખાણો વાંચ્યાં હતાં, તેવા અમારા જેવા વિદ્યાર્થીઓમાં હતી. આજે લગભગ છ દાયકા બાદ પણ એ ભવ્ય દૃશ્યને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. ગાંધીજીનું ઉદ્બોધન ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુલક્ષીને હતું : એક વર્ષને માટે જો આખો દેશ અસહકાર કરે, શાળા-કૉલેજોનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે, વકીલો કોર્ટનો, અધિકારીઓ સરકારી નોકરીનો બહિષ્કાર કરે, તો સ્વરાજ એક વર્ષમાં હસ્તામલકવત્ બને. ગાંધીજીની જાદુભરી વાણી મારા ચિત્તતંત્રાને કોઈ નવા પ્રકાશથી ભરી ગઈ. મૅટ્રિકની પરીક્ષામાં પહેલા દસમાં સ્થાન મેળવી જગન્નાથ સ્કૉલર બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે હું ભરૂચ આવ્યો હતો. સિદ્ધિઓનાં તે રંગીન સ્વપ્નાં, કાશીબા ને નાનાં ભાઈ-બહેનો માટેની ચિંતા — એ બધું જાણે કે મનમાંથી સરી પડ્યું, શેષ રહી માત્ર એક જ ઝંખના — શાળા છોડી દઈ મુક્તિસંગ્રામમાં સ્વયંસેવક બનવાની અને તે માટેની પાત્રાતા પામવાની. એ માટે સૌથી પહેલું કામ તો શાળા છોડવાનું હતું. એ મારે માટે કેટલું બધું મુશ્કેલ હતું એનો વિચાર કરવામાં પણ જાણે બલિદાન માટેની પાત્રાતા ઝંખવાતી હોય એવી મારા મનની સ્થિતિ બની. હું કઈ રીતે કાશીબાની પાસે જાઉં, કઈ રીતે એમની પાસે રજા માગું? એ તો રાહ જોતાં હતાં કે ક્યારે એમનો બોજ હું હળવો કરું. પણ જે પ્રચંડ આહ્વાન હતું એની આગળ આ બધી વસ્તુ ઓગળી જતી લાગી. મેં અસહકારમાં ઝંપલાવ્યું અને જોતજોતામાં ભરૂચમાં એ લડતના એક વિદ્યાર્થીનેતા તરીકેનું મને સ્થાન મળી ગયું. બટુકનાથ વ્યાયામશાળાના મેદાનમાં એક સભામાં મને ભાષણ કરવાની તક મળી. એ વખતે મારી સમજ પ્રમાણે વાણીની છટા સાથે ઉગ્ર તથા ઝનૂનભર્યાં વિધાનો મેં કર્યાં અને ઉપરાઉપરી પડતી તાળીઓથી હું જાણે કે સાતમા આસમાને ચડયો. આ ઘેન ઘણું ભારે હતું, અને હું વ્યાખ્યાન કરવાની તકો શોધવા માંડ્યો. મારી શાળા હજુ અસહકારમાં ભળી નહોતી. એ વખતે શાળાઓને સરકારી અંકુશમાંથી મુક્ત કરાવવા માટે પિકેટિંગ કરવાનો પવન શરૂ થઈ ગયો હતો. એ પવન અમારે ત્યાં પણ જોરથી ઊઠ્યો; અને મારી શાળા ઉપર પિકેટિંગ કરવા માટેનાં ટોળાંમાં હું ફંગોળાયો. છોટુભાઈ મારી પાસે આવ્યા. તેમણે કહ્યું, “આપણે પોતાને જે ઠીક લાગે તે કરવા સ્વતંત્ર છીએ, પરંતુ બીજાના ઉપર આપણા વિચારો બળજબરીથી લાદવા એ શું બરોબર છે? આપણે આપણી શાળાને પણ અસહકારમાં લઈ જવી છે, પણ એને માટે બધાની સંમતિ જોઈએ, એમાં કદાચ થોડો સમય પણ જાય.” એ વખતની એમની બધી વાતો તો મને યાદ નથી, પણ એમના ગૌરવભર્યા વ્યક્તિત્વ આગળ હું અત્યંત શરમિંદો બની ગયો. મને થયું કે હું જે કંઈ કરી રહ્યો હતો, તેમાં અવિનયની પરિસીમા હતી. તેમાંથી પાછા વળવાનું મેં વિચાર્યું, પણ મારા સાથીઓએ મને પડકાર્યો, હું ટોળાની બહાર ન જઈ શક્યો. લડતના કામમાં જોડાયા પછી મારે સુરત જવાનું થયું. એ વખતે સુરતમાં પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ તો જાણે યુદ્ધનાં મોટાં કેન્દ્રો બની ગયાં હતાં. એકમાં સેનાપતિ તરીકે હતા કલ્યાણજીભાઈ, બીજામાં હતા દયાળજીભાઈ. હું અનાવિલ આશ્રમમાં ગયો. આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું હતું. સુરત એ વખતે દલુ-કલુની જોડીથી ગાજતું હતું. દલુ એટલે શ્રી દયાળજીભાઈ દેસાઈ અને કલુ એટલે શ્રી કલ્યાણજીભાઈ મહેતા. જીવનમાં ઘણાં શક્તિશાળી સ્ત્રી— પુરુષોનો પરિચય મેળવવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. સમર્થ અધ્યાપકોને ચરણે બેસી જ્ઞાનામૃતનું પાન કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોમાં પણ ભાગ લેવાનું અને એ નિમિત્તે ઘણી તેજસ્વી વ્યક્તિઓના સમાગમમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. પણ દલુ-કલુની મારા મન પર જે છાપ રહી છે, અને એનું સ્મરણ કરતાં મારું મન જે આનંદથી પુલકિત થઈ ઊઠે છે, જે ઊંડી ઉષ્મા અનુભવે છે, તેવું આચાર્ય કૃપાલાનીજી કે ગિદવાણીજી જેવી વિરલ વ્યક્તિઓ બાદ કરતાં આંગળીને વેઢે ગણી શકાય તેવી પરિમિત વ્યક્તિઓ માટે જ મેં અનુભવ્યું હશે. દક્ષિણ ગુજરાતની ગભરુ, નિખાલસ ને બાળક જેવી સરળ આમજનતામાંથી આવેલા આ બંને ધરતીજાયા એ પ્રદેશના ઉત્તમ પ્રતિનિધિઓ જેવા હતા. ફળદ્રુપ એવા એ પ્રદેશમાં નદી, નાળાં, ઝરણાં અને તળાવોની મનોરમ ફૂલગૂંથણીથી ભરેલી એની હરિયાળી વાડીઓ જે માનવીઓના અખૂટ પરિશ્રમ અને તપથી પલ્લવિત બનતી રહી છે, તે ખેડૂતોના એ વારસ હતા. દયાળજીભાઈ જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ, અને કલ્યાણજીભાઈ પાટીદાર. બેમાંથી એકેયે યુનિવર્સિટીનું પ્રવેશદ્વાર દીઠેલું નહીં. પરંતુ એમની ચોમેરની અનેક યુગોના અનુભવોથી ભરેલી પ્રકૃતિએ એમને નિત પાંગરતા ને નિત તાજા રાખ્યા હતા, અને બેઉ આપણા ઉચ્ચ કોટિના કર્મનિષ્ઠ આજીવન સારસ્વત બન્યા. દયાળજીભાઈએ પોતાની કોમનાં વિદ્યાર્થીઓ માટે સુરતમાં અનાવિલ આશ્રમની સ્થાપના કરી, અને કલ્યાણજીભાઈએ પણ બાજુમાં જ એમની કોમનાં બાળકો માટે પાટીદાર આશ્રમ સ્થાપ્યો. આ બંને આશ્રમો સહોદરની જેમ વિકસ્યા અને બંનેની ક્ષિતિજો પણ વિસ્તીર્ણ બનતી ગઈ. વખત જતાં નાતજાતનાં બંધન વિના એમાં સૌ કોઈને પ્રવેશ મળે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ અને એમણે રાષ્ટ્રીય સંસ્થાનું બિરુદ પ્રાપ્ત કર્યું. આ બે સંસ્થાઓનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે એ વખતના ગુજરાતમાં જે નવી સાંસ્કૃતિક ચેતના ઉદય પામી રહી હતી તેનું પ્રેરક દૃશ્ય નજર સમક્ષ રમી રહે છે. એ જ અરસામાં ચરોતરમાં શ્રી મોતીભાઈ અમીન અને સૌરાષ્ટ્રમાં શ્રી નાનાભાઈ ભટ્ટ જેવા જીવનવીરોએ જ્ઞાનની નવી રોશનીઓ પ્રગટાવી હતી અને ગુજરાત એના વિવિધ ભાગોમાં પ્રગટેલી આ નાની નાની ઘીની દીવડીઓના મઘમઘાટભર્યા પ્રકાશથી દીપી રહ્યું હતું. અસહકારની શરૂઆતના એ દિવસો યાદ કરતાં, જેમ કોઈ ઊંચા ગિરિશિખર પરથી ધરતીના જુદા જુદા ભૂમિખંડો એકબીજામાં ગૂંથાઈ ગયેલા દેખાય, તેમ વિગતો એકબીજામાં ઓતપ્રોત થયેલી મનમાં ઊભરાય છે. ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરતા અનેક ભવ્ય સ્રોતો દેશના જુદા જુદા ભાગમાંથી આપણે ત્યાં વહેતા થયા હતા. અખૂટ ચેતના ને પ્રેરણાના એવા એક ભાવનાસભર સ્રોત હતા આચાર્ય ગિદવાણી. આ જીવનયાત્રામાં મારા પર એમનું કેવું ભારે ઋણ છે, તેનો અંદાજ કાઢવાનું મારી શક્તિ બહાર છે. એમને એ વખતની જાહેર સભાઓમાં કેટલી વાર સાંભળ્યા તેનો હિસાબ આપી શકાય એમ નથી. પણ આજે જ્યારે એ વખતની સ્મૃતિઓ તાજી થાય છે ત્યારે પ્રાચીન રોમની સેનેટનો કોઈ પ્રતિભાવંત સેનેટર આપણે ત્યાં ઊતરી આવ્યો હોય એવી, શ્વેત ખાદીના ઝભ્ભા ઉપર જનોઈઢબે શાલ— વેષ્ટિત એક ભવ્ય આકૃતિ અડધી સદીના કાળના પડદાને હટાવી દૃષ્ટિગોચર થાય છે. એમના મુગ્ધ શ્રોતા અમે સૌ કિશોર ને તરુણો એમની વાક્છટા ને ભાષાવૈભવના રસિયા હતા. ગિદવાણીજીની વાણીનું વશીકરણ કેવું ભારે હતું, એ શબ્દોથી ભાગ્યે જ દાખવી શકાશે. કોઈ પ્રચંડ ધોધ પડતો હોય એવી અસ્ખલિત એમની વાણી સાંભળતાં અમે એમને શબ્દે શબ્દે જાતને ભૂલી એ જેમ દોરે તેમ જાણે કે દોરવાયે જતા : “ભારતમાતા પરાધીનતાની બેડીમાં છે ત્યારે ક્યાં સુધી એ બેડીઓને આલિંગતા તમે આ સંસ્થાઓને વળગી રહેશો? ક્યાં સુધી ઝેરી સર્પોની જેમ તમારાં મન અને આત્માને દૂષિત કરતાં વિદેશી વસ્ત્રો, પેન, ઘડિયાળ આદિને તમારા અંગ પર રાખવાની ક્ષુદ્રતા ને હીણપત તમે વેઠશો?….” એમનાં આ વાક્યો પૂરાં થાય ન થાય ત્યાં તો, ઇન્ટર આર્ટ્સની પરીક્ષા માટે તૈયારી કરતા મારા એક મિત્રો થોડા જ દિવસ પર ખરીદેલી દોઢસો રૂપિયાની, તે જમાનામાં ખૂબ કીમતી લેખાય એવી, કાંડાઘડિયાળ જમીન પર ફગાવી દીધી! ગજબનું હતું એ વશીકરણ. સુન્દરમ્ને સત્યાગ્રહની લડત વખતે ‘સાફલ્યટાણું’ કાવ્યમાં લાધેલું દર્શન રોજ રોજ નજર આગળ ભજવાતું અમે જોતા, અને એના વધતા જતા અદમ્ય નશામાં અમે એકબીજા સાથે ત્યાગની હોડમાં ઊતરતા. એમનું નામ સૂચવે છે તેમ ગિદવાણીજી મૂળે સિન્ધી. દિલ્હીની રામજસ કૉલેજના આચાર્યપદે એ હતા. શાળા-કૉલેજના બહિષ્કારની હાકલના જવાબમાં આચાર્યપદનો ત્યાગ કરી પોતાની જાત તેમણે ગાંધીજીને ચરણે ધરી દીધી હતી, ને ગાંધીજીએ તેમને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકપદની જવાબદારી સોંપી હતી. સ્વરાજ માટે ગાંધીજીની અધીરાઈને સીમા ન હતી. એક વર્ષમાં દેશને સ્વરાજ મેળવી આપવાનો એમણે કોલ આપ્યો હતો. ‘એક વર્ષમાં સ્વરાજ’ શબ્દપ્રયોગે જાણે કે એક પ્રકારની મંત્રાશક્તિ મેળવી લીધી હતી. આ ભવ્ય રાષ્ટ્રયજ્ઞમાં આપણે રખે રહી જઈએ, એ ઝંખના આબાલવૃદ્ધ લાખો ને કરોડો લોકોના હૈયામાં થનગની ઊઠી હતી. એક કરોડનો ટિળક ફાળો, કાઁગ્રેસના કરોડ સભ્યો ને વીસ લાખ રેંટિયાના ગુંજારવથી દેશને ભરી દેવાના કાર્યક્રમને પાર પાડવા અસંખ્ય જણે પોતપોતાની શક્તિ ને રુચિ અનુસાર ઝંપલાવ્યું હતું. શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની સગવડ વિદ્યાપીઠોની સ્થાપના કરી ગાંધીજીએ ઊભી કરી આપી. પણ તેમના લોભને થોભ ન હતો. એટલે ગાંધીજીએ યુદ્ધસમયના વિદ્યાર્થીધર્મની વાત શરૂ કરી. યુદ્ધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પુસ્તકોને અભરાઈએ ચડાવી, શસ્ત્ર સજી રણભૂમિ પર ધસી જતા હોય છે. ગિદવાણીજીએ ગાંધીજીની વાતનો આ તંતુ પકડી લઈ, શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓ આખો વખતના રચનાત્મક કાર્યક્રમમાં જોડાઈ જઈ સ્વાધીનતાના સૈનિક થવા માગતા હોય તેમને માટે સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. સ્વરાજ આશ્રમમાં એક જ કાર્યક્રમ હતો — કાંતવાનો ને કાંતણ શીખવવાનો, ને એ રીતે તૈયાર થયેલા વિદ્યાર્થીઓને ગામડાંમાં મોકલવાનો. એ વખતે કાંતવાની પ્રવૃત્તિએ આશ્ચર્યજનક આકર્ષણ જમાવ્યું હતું. એમાં જ જાણે મુક્તિની અમોઘ શક્તિ હોય એવી પ્રાણવાન હવા એણે ઊભી કરી હતી. સ્વરાજ આશ્રમમાં અલ્પ સમય મારે રહેવાનું થયું. ત્યાંના વિચાર, વર્તન ને વાણીમાં અદમ્ય ઉત્સાહ, ભાવનાશીલતા અને ત્યાગની ભાવના હતી. રાત્રે ગીતો, લોકનૃત્યો, જુદા જુદા દેશોની સ્વાધીનતાની લડતની વાતો, આપણે ત્યાંના ક્રાંતિકારીઓના જીવનની રોમાંચક કહાણીઓ વગેરેથી મન ભર્યું ભર્યું બની જતું. અહિંસક યુદ્ધના સૈનિકો માટેનો એ એક પ્રકારનો તાલીમશિબિર હતો, ને ત્યાંથી તૈયાર થઈ વિદ્યાર્થીઓ ગામડે પ્રચાર અર્થે જતા અથવા નવી સ્થપાતી રાષ્ટ્રીય શાળાઓમાં અધ્યાપન માટે જતા. એ વખતે સાપ્તાહિક ‘નવજીવન’નો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નદ જેવો હતો. દર અઠવાડિયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતા, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દૃષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં ‘નવજીવન’માં આવેલા સહી વિનાના એક લેખનું શીર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં, સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછા વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈ નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્રય માટેની સાત્ત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યું તે, નાખી નજર ન પહોંચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં અમે લહેરાતી જોતા. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક-યુવતીઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દીપ્તિ નજરે પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી જે કોઈ વ્યક્તિને — કિશોરોથી માંડી વૃદ્ધો સુધી — મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓના બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો એક અણમોલ લહાવો હતો. અસહકારની લડત જેમ જેમ વેગ પકડતી ગઈ તેમ તેમ એના વિરોધીઓ પ્રત્યેનો અસહિષ્ણુતાનો પારો પણ ઊંચે ચડતો ગયો. નેતાઓનાં ભાષણોમાં પણ ઘણું ઝનૂન પ્રવેશતું. લાલા લજપતરાયે તો ‘જે અમારી સાથે નથી તે અમારી સામે છે’ એવું સૂત્રા આપ્યું, ને અમે અમારાં વ્યાખ્યાનોમાં એને વેદવાક્યની જેમ ટાંકી એના પરના ભાષ્યમાં વાણીને અંકુશવિહોણી બનાવી દેતા. આપણા દેશમાં અનેક વાર સામાજિક અત્યાચારોમાં પરિણમેલું ન્યાતબહાર મૂકવાનું શસ્ત્ર પણ અવારનવાર વપરાવા લાગ્યું ને કેટલીક વાર તે ઘોર હિંસામાં પણ સરી પડતું. ચૌરીચૌરામાં એણે એનું અતિ વરવું સ્વરૂપ દાખવ્યું. આમ, અસહકારનો અખતરો ઘણો મુશ્કેલ હતો. માણસના સ્વભાવગત રાગદ્વેષ પર વિજય મેળવી માનવતાનો, પ્રેમનો ને અહિંસાનો મહિમા માનવહૃદયમાં વધારવાનો હતો — અને એ કાર્ય ગાંધીજીએ અમારા જેવાં અસંખ્ય અપૂર્ણ કે પાંગળાં સાધનો દ્વારા સાધવાનું હતું! લોકોના મોહ ને પ્રેમને રચનાત્મક માર્ગે વાળવાનું ગાંધીજી જેવા માટે મુશ્કેલ ન હતું. પણ એમની મોટી મુશ્કેલી તો આ દેશના અનેક સારાનરસા વારસાવાળી વિરાટ જનતામાં નૈતિક મૂલ્યો માટેની ભૂમિકા સર્જવાની હતી. ગાંધીજી કરતાં સહેજ પણ ઓછી શક્તિવાળી વ્યક્તિ આવા વિષમ સંજોગોમાં ભાંગી પડ્યા વિના ભાગ્યે જ રહી શકી હોત. પોતાને એક અમોઘ શસ્ત્ર લાધ્યું હતું; પણ જેમના હાથમાં એ મૂક્યા વિના પોતે આગળ ડગ ભરી શકે તેમ ન હતું, ને જે હાથમાં એ મુકાય તે હાથમાં એ માટેની પાત્રાતા ઓછી હતી એ, જગતના અન્ય મહાન પયગંબરોની જેમ, ગાંધીજીના જીવનની મોટી કરુણતા હતી. [‘સાફલ્યટાણું’ પુસ્તક : ૧૯૮૩]