સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડી. ડી. કર્વે/ગામ અને જ્ઞાતિ જ?
‘ભારત’ના નામે જેને આપણે રાજકીય ઘટક તરીકે ઓળખીએ છીએ, તેવી કલ્પના અંગ્રેજી હકૂમત પહેલાંના કાળમાં અસ્તિત્વમાં હતી જ નહીં. અનેક ભાષાઓ બોલતા, ભિન્નભિન્ન રીતરિવાજોને અનુસરતા અને જુદાજુદા શાસકોનાં તંત્રા નીચે વસતા લોકો જ્યાં રહેતા હતા એવા વિશાળ વિસ્તાર ઉપર પરદેશી હકૂમત લાદવામાં આવી, અને તેને લીધે આવા એક રાજકીય ઘટકનું આપણને પહેલી વાર ભાન થયું. ‘અખિલ ભારત’ને લગતી ભાવના અંગ્રેજોના કાળ દરમિયાન કેળવાયેલા ગણ્યાગાંઠયા હિન્દીઓએ ઊભી કરી હતી. પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરીને અને બીજા દેશોનો ઇતિહાસ વાંચીને પોતાના દેશ તરીકે હિન્દનો વિચાર તેમણે કરવા માંડયો હતો. પણ સામાન્ય પ્રજાનો સર્વસાધારણ સાંસ્કૃતિક વારસો ‘અખિલ હિંદ’ની ભાવનાની ભૂમિકા પૂરી પાડવા માટે બહુ નબળો હતો, અને હજી પણ છે. અખિલ ભારતીયપણાની ભાવના ઇરાદાપૂર્વકના પ્રયત્ન વડે આપણે કેળવવાની રહે છે. મોટા ભાગના લોકો આવો કોઈ પ્રયત્ન કરતા જ નથી. તેમનું ધ્યાન મુખ્યત્વે પોતાની નાતજાત અને પોતાના પ્રદેશ ઉપર જ કેંદ્રિત હોય છે. લોકોની નિષ્ઠા ને લાગણીઓ ભારત સાથે નહીં પણ પોતાના ગામ સાથે, પોતાની જ્ઞાતિ સાથે જ હંમેશાં જોડાયેલી રહી છે. એટલે પ્રાદેશિક અને અન્ય સંકુચિત વફાદારીઓ અંગે ભડકી ઊઠવાની જરૂર નથી. એ વફાદારીઓ કાંઈ એક રાતમાં વિસર્જિત કરી શકાય તેમ નથી. આપણી સામે જે કાર્ય છે તે અખિલ ભારત-લક્ષી ભાવનાને ધીરજપૂર્વકના શિક્ષણ અને પ્રચાર વડે ઉછેરવાનું અને ખીલવવાનું છે.