zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/તોજાબુરો સાતો/વાંચવાની વેળા ક્યાં છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

આજ સવારનો હું ઘાસનાં દોરડાં વણ્યા કરું છું. હું ઝટ ઝટ વણતો હતો

— જેથી એ કામ પૂરું કર્યા પછી મને કાંઈક વાંચવાનો વખત રહે. ઘાસનાં છેલ્લાં તણખલાંને વળ દેતાં દેતાં નિસાસો નાખીને હું ગણગણ્યો : “હાશ, હવે મારે વંચાશે.” પણ જ્યાં ચોપડી ઉઘાડું છું ત્યાં પાછળથી એક અવાજ આવ્યો : “એટલાં દોરડાં શું પૂરાં થઈ રહેવાનાં છે?”

બસ, તે પછી મારાથી કેમ વંચાય? ચોપડી બંધ કરીને દોરડાં માટે વધુ ઘાસ લાવવા હું ઊઠ્યો. ખેતરની દિશામાં ધીમાં પગલાં ભર્યાં. ત્યાં પણ ખાંડેલું ઘાસ તૈયાર નહોતું, એટલે થોડું ઘાસ ખાંડીને દોરડાં વણવા જેવું બનાવવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જેટલું જોર હતું તેટલું કાઢીને હું લાકડાનો ઘણ પછાડતો હતો, ને ઝટ ઝટ ખાંડતો હતો, એટલે બહુ વાર તો ન લાગી. પણ તેમાંથી પછી દોરડાં વણવા માંડ્યાં ત્યાં બપોરનું ભૂંગળું વાગ્યું. મને થયું કે, હવે તો વાંચવાનો વખત મળવાનો જ નહિ; એટલે પછી પૂરેપૂરું ચિત્ત કામમાં ચોડીને હું ધમધમાવવા માંડ્યો. મને રોંઢો કરવા બોલાવ્યો ત્યાં સુધીમાં ત્રીજા ભાગનું ઘાસ જ બાકી રહ્યું હતું.

મેં નક્કી કર્યું કે બપોર પછી ખેતરે જવું નહિ, પણ એટલો વખત ચોપડી વાંચવામાં ગાળવો. મન સાથે એટલી ગાંઠ વાળીને હું અંદરની ઓસરીમાં ગયો, આડો પડ્યો અને ઊંઘવાનો ઢોંગ કરવા માંડ્યો.

પાંચેક મિનિટમાં બાપાનો સાદ સંભળાયો : “એલા ક્યાં ગયો? ચાલ ઝટ!”

તમાકુનાં પાન સૂકવવાની સાદડી એમણે ખભે નાખી તેનો ખખડાટ મેં સાંભળ્યો. મને શોધી કાઢવાનું એ બાને કહેતા પણ સંભળાયા. હવે વાંચવાનું જરાય બનશે નહિ, તે મને સમજાઈ ગયું. ચોપડી પડતી મૂકવી મને બહુ વસમી લાગતી હતી; પણ બીજો રસ્તો નહોતો.

બાપા બહુ મહેનત કરે છે. ખેતીમાં એ ભારે પાવરધા ગણાય છે. મારા વર્ગમાં તેતાલીસ છોકરા છે તેમાંથી અમારું કુટુંબ સારી સ્થિતિનું ગણાય છે. બાપાની આવડતને લીધે જ અમે ઊંચાં આવ્યાં છીએ. મોટીબાના ઘરમાં બા એકની એક દીકરી — દીકરો એકેય નહિ; એટલે લગ્ન પછી એમણે બાપાને જ દત્તક લઈ લીધેલા. પછી તો બાપાના નામને મોટા બાપુજીની અટક લાગી. તે વખતે અમારા ખેતરની માઠી દશા હતી. એ ખેતરમાંથી અમારા ઘરનો રોટલો પેદા કરવા બાપાએ રાત— દી જોયા વિના શરીર ઘસી નાખેલું.

હવે અમારું સારું ચાલે છે, કારણ કે બાપા દિવસ-રાત મજૂરી કરે છે. આજે જે લોકો ૩૦-૪૦ વરસનાં છે તે નાનાં હતાં ત્યારના કરતાં અત્યારે ગામની એકંદર હાલત પણ સુધરી છે. પણ હજી ઘણો સુધારો થવો જોઈએ — ને એટલે મારે ખૂબ મહેનત કરીને ભણવું જોઈએ. પણ આટલું બધું કામ કરતાં કરતાં હું કેવી રીતે ભણી શકું? એક ચોપડીયે પૂરી વંચાતી નથી. જો બધું આમ ને આમ ચાલશે તો જે લોકો પાસે ભણવાના પૈસા છે, ફુરસદ છે, એમના હાથમાં જ સરકાર રહેવાની. અમે કેમ જિંદગી ગુજારીએ છીએ તેની એ લોકને કાંઈ ખરખબર નથી. અમારે જ સરકારમાં ભાગ લેવો જોઈએ — નહિતર આ સમાજને અમે કઈ રીતે સુધારી શકવાનાં હતાં? જેમના હાથમાં સત્તા છે તે અમારા પહાડી લોકોના જીવન વિશે કાંઈ નહિ જાણતા હોય તો એ એકલા પૈસાદારોનો જ વિચાર કરશે; બહુ બહુ તો શહેરનાં કારખાનાંના મજૂરોનો જ વિચાર કરશે. તો પછી અમારી દશા ક્યાંથી સુધરવાની હતી?

બાલસાહિત્યની ચોપડીઓ ને તેનાં માસિકો હું જોઉ છું ત્યારે અમને ડુંગરાનાં બાળકોને રસ પડે એવા લેખ હું એમાં ગોત્યા કરું છું. કેમ જાણે જાપાનમાં ખેડૂતો જ ન હોય! ભણતર, રમતગમત ને બીજું બધું જાણે કે ફક્ત શહેરનાં છોકરાં માટે જ ગોઠવેલાં હોય તેવું લાગે છે. અહીં ડુંગરામાં આવીને અમને કોણ ભણાવશે? આગળ વધવાનો રસ્તો અમને કોણ બતાવશે? દિવસ ઊગે ત્યાંથી આથમે ત્યાં સુધી અમારે કામ, કામ ને કામ કર્યા કરવું પડે છે. અમારી ને અમારી આસપાસનાં લોકોની હાલત સુધારવી હોય તો કામ ઉપરાંત બીજું કાંઈક પણ અમને મળવું જોઈએ, તે કોઈ સમજતું નથી. અમે આળસુ નથી, કામની અમને ફડક નથી, પણ અમારું કામ ઊગી નીકળે તેવું થવું જોઈએ. અમે મોટાં થઈએ ને પછી અમારાં છોકરાં મોટાં થાય ત્યારે એમની દશા અમારા કરતાં વધુ સારી હોય, અમારા કરતાં વધુ કેળવણી એમને મળેલી હોય, એવું અમે માગીએ છીએ.

આ બધા વિચાર હું કરતો હતો ત્યાં મને સાંભર્યું કે બાપા ખેતરમાં મારી વાટ જોતા ઊભા હશે. મને તો ધોળે દિવસે સ્વપ્નાં આવે છે એમ કહીને બાપા ઘણી વાર મને ઠપકો આપે. પણ જો સ્વપ્નાં ન આવે તો તો આપણે કાંઈ નવું કરી જ કેવી રીતે શકીએ?

(તોજાબુરો સાતો, છોકરો : ૧૫ વર્ષ)