સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ઉષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ધોળી ધોળી ફૂલ સરખી,
નવી નવી ઉર—આશા જેવી,
જગાડતી સૂતી દુનિયાને
પ્રભાતની એ ઊજળી દેવી;
પ્રકાશને પૂરે છલકાતી
દેખ, ઉષા આવે મલકાતી....
કુહૂ કુહૂ કરતી કોયલ જાગી,
જાગ્યા ભમરાઓ ગણગણતા;
બાળ ઢબૂરતી માતા જાગી,
વિપ્રો જાગ્યા મંત્રો ભણતા;
મંદિરમાં મંગલમય થાતી,
દેખ, ઉષા આવે મલકાતી.
ઉજાળ્યું આકાશ અનુપમ,
ઉજાળી આ દુનિયા આખી,
ઉજાળ્યાં સર-સાગરનાં જળ
તેજસ્વી ચંચળ દૃગ નાખી;
તિમિર તણી ભીંતો ભેદાતી
દેખ, ઉષા આવે મલકાતી.
પંખી તણો કિલ્લોલ ઝીલી
સ્ફૂર્તિદાયક પવન તરે,
તેતર મીઠું ‘તિતિલક તિલ્લિ’
ખેતરને ખૂણે ઉચ્ચરે;
ચકવી ચકવા પાસે ધાતી,
દેખ, ઉષા આવે મલકાતી.
દૂર સીમાડે સિંધુ ગાજે,
ગાજે ગોરસ ઘેર ઘમમ્ ઘમ્,
રાજાની નોબત ગગડે ને
દેવનગારાં થાય ધમમ્ ધમ્;
એમાં રમઝમતી મદમાતી,
દેખ, ઉષા આવે મલકાતી.
આથમતો પ્રિય ચંદ્ર નિહાળી
પોયણ અંતરમાં તલસે,
ભૃં ભૃં કરતાં ભૃંગે વીંટ્યાં
કમલવૃંદ મન મંદ હસે;
એના મકરંદે છંટાતી,
દેખ, ઉષા આવે મલકાતી....
પ્રભાતના પૂજનને કાજે
અંગે ઊજળો સ્વાંગ ધર્યો,
ઝગમગતા તારાનાં મોતી
વીણી વીણી થાળ ભર્યો;
રવિ વધાવા તત્પર થાતી,
દેખ, ઉષા આવે મલકાતી.