સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/આબુનું વર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ભલો દૂરથી દેખતાં દિલ આવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો;
દીસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
તિથી પૂનમે શોભિયા સાંજ ટાણે,
બન્યા ઘંટ બે સૂર્ય ને સોમ જાણે;
દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
કદી ઉપરે જૈ જુઓ આંખ ફાડી,
ઝૂકી ઝાડનાં ઝુંડની ઝાઝી ઝાડી;
મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો.
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
દિસે વાઘ ને વાંદરા સિંહ હર્ણાં,
ઝરે નિર્મળા નિરનાં નિત્ય ઝર્ણાં;
શીળો ને સુગંધી વહે વાયુ તેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો…
તહાં તેર ગાઉતણે તો તળાવે,
પિવા ગામ અગીયારના લોક આવે;
જહાં જેઠ માસે ન દીસે પ્રસેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો…