સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/આંદોલનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          દરેક આંદોલનમાં અમુક ભ્રમની આવશ્યકતા હોય છે. આપણે જાણીએ છીએ કે ૧૯૪૭ સુધી ગાંધીજીને પણ એવો ભ્રમ રાખવો પડેલો કે, મારું આંદોલન એક અહિંસક આંદોલન છે. અસલમાં એ એવું અહિંસક હતું નહીં. મને યાદ છે, અસહકારના વખતમાં એવાં એવાં ભાષણો થતાં કે સ્વરાજ્ય આવશે ત્યારે આપણે ડાયરને ખોળી કાઢીશું, એને ગરદન સુધી જમીનમાં દાટીશું અને ચારેકોરની જમીન ટીપીને પાકી કરીશું! આવાં આવાં ભાષણો મારી અધ્યક્ષતામાં થયાં છે! છતાં ગાંધીજીને એમ માનવું પડ્યું કે ભારતમાં લોકો અહિંસક આંદોલન કરી રહ્યા છે. આ સ્થિતિ હતી. તેમ છતાંયે કેટલું બધું પરિણામ આવ્યું! ગાંધીજીની પોતાની અહિંસા પાકી હતી. પ્રતિપક્ષી પણ આપણા વિશે શંકા ન કરે, એ અહિંસાની કસોટી છે. એક વાર તિલકની પુણ્યતિથિએ ‘કેસરી’માં એક લેખ લખાયેલો. તેમાં એમ લખ્યું હતું કે તિલક ગાંધી કરતાં શ્રેષ્ઠ હતા, કારણ કે અંગ્રેજો તિલકનો વિશ્વાસ નહોતા કરી શકતા, જ્યારે અંગ્રેજ વાઇસરોય પણ ગાંધીની ગોદમાં સુખે સૂઈ શકતો. લેખકે માન્યું હશે કે પોતે તિલકની તારીફ કરી રહ્યો છે. પણ હકીકતમાં એ ગાંધીની મહત્તા હતી કે વાઇસરોયને પણ એટલો વિશ્વાસ હતો કે, આ ગાંધી મારા રાજ્યને સમાપ્ત કરવા માગે છે, તેમ છતાં એની હાજરીમાં હું એકલો પણ નિશ્ચિંત રહી શકું છું. કેમ કે વખત આવ્યે પોતાનો જાન આપીને ય એ મારું રક્ષણ કરશે. તો આપણા લોકોના અહિંસાના ઢોંગમાંથીયે આટલું નીકળ્યું! ૧૯૨૦થી આજ સુધીનાં બધાં આંદોલનોમાં જોવા એમ મળે છે કે હજી છેલ્લો માણસ તો ચિત્રમાં જ નથી આવી શક્યો. સમાજમાં જે પ્રતિષ્ઠિત છે, તેની સહાયતા સુલભ હોવાથી તે લઈને આપણે લોકો બધાં આંદોલન ચલાવતાં રહીએ છીએ. પણ આ નહીં ચાલે. નવો રસ્તો ખોલવો પડશે. એક વાર હું અલ્લાહાબાદ સ્ટેશને રાતે બાર વાગે ઊતર્યો. મારે પાંચ માઈલ દૂર જવાનું હતું. રિક્ષામાં બેઠો. રસ્તે કોઈ ચકલુંય ફરકતું નહોતું. માણસના મનમાં જ્યારે બીક હોય છે ત્યારે તે કાં તો ગીત ગણગણવા માંડે છે, કાં વાત કરવા લાગી જાય છે. મેં પણ રિક્ષાવાળા સાથે વાતચીત શરૂ કરી, પરંતુ એ મારો વા’લો ઝાઝું બોલે નહીં. એક એક શબ્દમાં જ ઉત્તર આપીને પતાવે. આખરે મેં એને પૂછ્યું કે, ભાઈ, હું આટલા વખતથી તને સવાલો પૂછી રહ્યો છું, પણ તું કાંઈ જ જવાબ નથી આપતો, તે શી વાત છે? કંઈ વિચારમાં છે કે શું? ત્યારે બોલ્યો કે, બાબુજી, જવા દો ને! કહીશ તો તમે નારાજ થશો. મેં કહ્યું, ના, ના, કહે! ત્યારે એ બોલ્યો, બાબુજી, હું એમ વિચારી રહ્યો છું કે એવો વખત ક્યારે આવશે જ્યારે હું રિક્ષામાં બેઠો હોઈશ અને તમે એ રિક્ષા ચલાવતા હશો?