સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/ઈમાનદારીનો અભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જીવનભર હું વિચાર જ કરતો રહ્યો છું; બીજું કાંઈ કરી શક્યો નથી. છેલ્લાં સાઠ વરસથી મારા મનમાં આ દેશ અંગે એક પ્રશ્ન ઘોળાતો રહ્યો છે. તેનો ઉત્તર હું શોધતો રહ્યો છું. સાઠ વરસ થયાં એ જ વિષયનું હું એટલું તો રટણ કરતો રહ્યો છું કે સાંભળવાવાળા પણ કંટાળી જાય. એ પ્રશ્નને હું મૂળભૂત સવાલ માનું છું. દેશના બીજા સવાલો તેમાંથી પેદા થાય છે. મારો સવાલ એ છે કે જે દેશને આટલી ભવ્ય સંસ્કૃતિનો વારસો મળ્યો, આટલી ઊંચી આધ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો, ત્યાંનો મનુષ્ય આટલા લાંબા કાળ લગી ગુલામ કેમ રહ્યો? એની સાથે જ બીજો સવાલ પણ મારા મનમાં જાગ્યો હતો તે આ છે : આપણાં પુરાણોમાં એવું કેમ જોવા મળે છે કે શક્તિ હંમેશાં રાક્ષસો પાસે હતી, અને દેવોમાં નહોતી? ‘વેદ’માં ઇન્દ્ર અને વૃત્રા રાક્ષસ વચ્ચેના યુદ્ધનું વર્ણન આવે છે. હવે ઇન્દ્ર તો છે દેવોનો રાજા, છતાં એ યુદ્ધમાં કાવાદાવા કરે છે. પણ સામે વૃત્રા રાક્ષસ છે, છતાં સીધી રીતે જ યુદ્ધ કરે છે. અને દાવપેચ છતાંયે હારે છે તો ઇન્દ્ર જ. છેવટે એ દધીચિ ઋષિ પાસે જાય છે અને કહે છે કે, મને તમારાં હાડકાં આપો, એનાથી હું લડી શકીશ; મારાં બધાં હથિયાર તો નકામાં થઈ પડ્યાં છે. તો દેવતાઓની હાલત એવી કેમ? દેવો આટલા બધા શક્તિહીન અને રાક્ષસો આટલા શક્તિશાળી — એમ કેમ? એનો જવાબ ખોળતાં ખોળતાં મારા ધ્યાનમાં આવ્યું કે જે બધા રાક્ષસો હતા, એ તપસ્વી હતા. રાવણનું તો એટલી હદ સુધીનું વર્ણન આવે છે કે તપ કરતાં કરતાં નવ નવ મસ્તક તો એણે ઉતારીને ધરી દીધાં અને દસમું ઉતારવા પણ તૈયાર થઈ ગયો હતો. આમ આ બધા રાક્ષસો ભારે મોટા તપસ્વી હતા. પણ તો પછી એ રાક્ષસ બન્યા શી રીતે? રાક્ષસ બન્યા એ કારણે કે તપથી મળેલી શક્તિનો ઉપયોગ એમણે ભોગ માટે કર્યો. તપસ્વી ઊઠીને જ્યારે ભોગી બને, ત્યારે એ સીધો રાક્ષસ જ બને છે; પછી વચમાં ક્યાંય એ રોકાતો નથી. તો, આ દેશની હાલત આવી કેમ થઈ? — એ સવાલનો જવાબ મને એ લાગે છે કે જે તપસ્વી હતા તે ભોગી થઈ ગયા. તપસ્વીનું પતન થાય છે ત્યારે એ વચ્ચે ક્યાંય અટકતો નથી — જઈને સીધો દાનવ બને છે. અને દાનવોની કોઈ જુદી જાતિ હોતી નથી. પ્રહ્લાદનો બાપ દાનવ હતો, કૃષ્ણનો મામો દાનવ હતો, દાનવ રાવણ પણ એક ઋષિનો પુત્ર હતો. આમ આ જે દાનવો હતા તે બધા આપણા જ સગાસંબંધી હતા. મારા પહેલા સવાલની પાછી વાત કરીએ તો, જ્યાં આટલું ઊંચું આધ્યાત્મિક દર્શન વિકસ્યું હતું તે દેશ પોતાના ઇતિહાસમાં સ્વાધીન ઓછો અને ગુલામ વધારે રહ્યો, એમ કેમ બન્યું? કારણ કે આ દેશના નાગરિકની ભાષા તો આધ્યાત્મિક રહી છે, પણ એની પ્રેરણા સદાય ભૌતિક જ રહેલી છે. પશ્ચિમનો નાગરિક ભલે ભૌતિક છે, પણ ઈમાનદાર પૂરો છે. જ્યારે આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્રા ભૌતિક આકાંક્ષા જ છે. મારી દીકરીઓ ક્યારેક પશ્ચિમના દેશોમાં જાય છે. ત્યાં તો અનેક જાતના ગુનાઓ — અપરાધો સમાજમાં થતા રહે છે, છતાં એના ત્યાં જવાથી મને કશો ડર લાગતો નથી. પણ અહીં ક્યારેક છોકરી એકલી બહાર જવા નીકળે છે, તો મનમાં અત્યંત ચિંતા થાય છે. કારણ કે આ આધ્યાત્મિકતાનો દેશ છે!