zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/મારું સામાન્યત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

શરીરની વરણાગીઓ પૂરી કરવામાં હું લગીરે કસર કરતો નથી. પરંતુ, સમજી-વિચારીને જીવનનો જે માર્ગ મેં અપનાવ્યો છે તેને જોતાં શરીરને બહુ આરામપ્રિય બનવા દેવાય તેમ નથી. પોતાની પથારી ઉપાડી વ્યવસ્થિત ગોઠવી મૂકી દેવી, ધોતિયું, ઝભ્ભો, ટુવાલ, રૂમાલ અને ઠંડીના દિવસોમાં મોજાં ધોવાં, જોડાને પોલિશ કરવું, વાસણ માંજવાં વગેરે નાનાંમોટાં કામોનો મને મહાવરો થઈ ગયો છે. અઠવાડિયામાં એક-બે વાર ઓઢવા-પાથરવાનાં કપડાં પણ ધોઈ લઉં છું. ધોબીને કપડાં આપવાં મને ગમતું નથી, વળી એટલું મારું ગજું પણ નથી. તેથી પગે ચાલવાનાં મારાં આનંદ અને શાન પણ હું છોડવા તૈયાર નથી. જીવનની જે મર્યાદાઓનો વિચારપૂર્વક સ્વીકાર કર્યો, તેની અંદર શરીર રહે એ માટે મારો પ્રયત્ન રહે છે. ખાવું-પીવું વગેરે પર એ જ ગણતરીથી કાબૂ રાખું છું. હા, દેહ-પીડન ક્યારેય નહીં કરું. પરંતુ એટલું ધ્યાન જરૂર રાખું છું કે એને જે સુખ આપવાનું મારું ગજું નથી તે સુખની એને આદત ન પડવી જોઈએ.

મારું જે સામાન્યત્વ છે તે સ્વેચ્છાથી સ્વીકારાયેલું અને નભાવાયેલું છે, એ કોઈ લાચારીનું પરિણામ નથી. તેથી મારી દરિદ્રતામાં દીનતાનો છાંટો પણ નથી. વળી કોઈ સંસ્થા, સંપ્રદાય, હકૂમત વગેરેની પદવી મારા વ્યક્તિત્વને ચોટેલી નથી; માટે મારી ગણતરી સામાન્ય માણસોમાં જ થવી જોઈએ. સામાન્ય માણસ તેજસ્વી તથા સામર્થ્યવાન બનશે તો જ લોકસત્તાનો પાયો મજબૂત નાખી શકાશે, બીજી કોઈ રીતે નહીં.

મારે મન મનુષ્યનો સ્નેહ અમૃતથીયે અદકો જીવનદાયી અને અણમોલ છે. એને પામવાનો મારો પ્રયત્ત્ન હોય છે. અધમ અને અપરાધી વ્યક્તિનો સ્નેહ પણ અધમ અથવા તરછોડવા યોગ્ય નથી. કેટલાક લોકોનો સ્નેહ વિકાર અથવા બીજા કોઈ હેતુથી ખરડાયેલો હોય છે, પરંતુ એમના વિકાર અને સ્વાર્થીપણાનો દૃઢતાથી પ્રતિકાર કરતાં કરતાં હું એમના સ્નેહનો સંગ્રહ કરવા પ્રયત્ન કરું છું. કોઈની પણ અશુભ મનોવૃત્તિ, દુષ્ટ પ્રવૃત્તિ અથવા દુષ્કર્મને ઉત્તેજન ન મળે એટલી સાવધાની હું મારા નિરપેક્ષ સ્નેહમાં રાખી શકું તો મારું કામ પૂરું થાય.

[‘ભૂમિપુત્ર’ દશવારિક : ૧૯૭૮]