સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/“એવાં ભાગ્ય ક્યાંથી?”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આદિવાસીઓના ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો. તેને બારી નહોતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતો. કેટલાંક મરઘાં હતાં, તેનાં બચ્ચાં આમતેમ રમતાં હતાં. એ લોકોએ વિચાર્યું કે મારા જેવાને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી, ત્યાં ખાટલી ઢાળી દીધી. ઘરધણી મારું અપમાન નહોતો કરવા માગતો, પણ એણે ભોળેભાવે કહી નાખ્યું : “આમ તો અહીં અમે ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી જગ્યા નહોતી. આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે.” મેં કહ્યું, “ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું.” થોડી વારે મને વિચાર આવ્યો કે, આ માણસ અહીં ભૂંડ રાખતો હતો; પણ અહીં બારણું તો છે નહીં — રાતે કોઈ અંદર ઘૂસી જાય તો? મેં પૂછ્યું, “આમાં બારણું નથી?” એ બોલ્યો, “એમાં બારણાની જરૂર નથી.” “કેમ? આસપાસમાં કોઈ ચોર નથી?” “ચોર તો ઘણાય છે.” “તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો?” એ બોલ્યો, “અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે!” સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે, અમારું એવું ભાગ્ય નથી! કેમ? એમાં ભાગ્ય શા સારુ જોઈએ? તો કહે છે : “અમારી પાસે એક જ ચીજ છે : ગરીબી — અને એને ચોરનારું કોઈ છે નહીં.” મેં કહ્યું, “તો તો તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય.” “પોલીસની અમારે તે શી જરૂર?” “તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી?” કહે : “આવે છે ને!” “ક્યારે આવે છે?” “તમારા જેવાની ઘડિયાળ ગુમ થઈ જાય, ત્યારે તે શોધવા સારુ અમારા ઘરમાં આવે છે! તમારી અમીરી ને અમારી ગરીબી, બેયનું રક્ષણ એ કરે છે.”