સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક મહેતા/પ્રજ્ઞામૂર્તિનો વિચારવૈભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ચમત્કારમાં જે માનતા ન હોય તેમને પણ ચમત્કાર લાગે, એવું પંડિત સુખલાલજીનું જીવન અને કાર્ય. શીતળાને કારણે સોળ વર્ષની ઉંમરે આંખો ગુમાવી. પણ તે પછીનાં વર્ષોમાં અકલ્પ્ય પુરુષાર્થ દ્વારા પ્રાચીન ભાષાઓ, ધર્મ, સંસ્કૃતિ, ફિલસૂફી વગેરેનો ઊડો અભ્યાસ કર્યો અને આ ક્ષેત્રોના વિદ્વાન તરીકે દેશની બહાર પણ ખ્યાતિ મેળવી. ભારતના જુદા જુદા ધર્મોમાં રહેલા સમન્વયના બીજને શોધવાનો તેમણે પ્રયત્ન કર્યો અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કરવા મથ્યા. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે, એ વાત તેમણે પોતાનાં અનેક લખાણોમાં સમજાવી છે. તેમના ઘણાખરા ગુજરાતી લેખો ‘દર્શન અને ચિંતન’ના બે ભાગમાં ૧૯૫૩માં પ્રગટ થયા હતા. તે વખતે દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ આ પુસ્તકને મળ્યો હતો. પણ ઘણાં વર્ષોથી તે અપ્રાપ્ય બન્યું હતું. સમાજ, ધર્મ અને સંસ્કૃતિ અંગેની પંડિતજીની કેટલીક વિચારણા તો એવી છે કે જે આ લેખો લખાયા ત્યારે હતી તેના કરતાંયે આજે વધુ પ્રસ્તુત બની છે. એટલે ‘દર્શન અને ચિંતન ગ્રંથમાળા’નાં છ પુસ્તકોરૂપે પંડિતજીના લેખો ફરી સુલભ બન્યા છે એ આવકાર્ય છે. આ શ્રેણીના સંપાદક જિતેન્દ્ર શાહે મૂળ ગ્રંથમાંની સામગ્રી અહીં નવેસરથી ગોઠવીને રજૂ કરી છે. ગ્રંથમાળાના પહેલા પુસ્તકમાં સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિષેના પંડિતજીના ૩૧ લેખો આપણને મળે છે. પુસ્તકના પહેલા જ લેખમાં તેઓ કહે છે: “ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જૂના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે, ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્ત મને વિચાર કરું છું. અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશકિત પ્રયત્ન કરું છું.” પંડિતજીના આવા પ્રયત્નની પ્રતીતિ આ પુસ્તકના લેખોમાં થાય છે. બીજાં પુસ્તકમાં જૈન ધર્મ અને દર્શન વિષેના ૪૦ લેખો સંકલિત થયા છે. લેખક પોતે જૈન ધર્મના અનુયાયી હતા પણ એમની વિવેકી સત્યશોધક દૃષ્ટિ જૈન ધર્મનાં દૂષણો જોઈ શકતી. એક લેખમાં તેઓ કહે છે: “જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતોમાં પણ એ પછાત છે. કારણ શું? એવો પ્રશ્ન જો કરીએ અને તેના ઉત્તર માટે ઊડા ઊતરીએ તો જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનનો અભાવ છે. જ્યાં ધાર્મિક દ્વેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહીં.” અલબત્ત, જૈન ધર્મની વિશિષ્ટતાઓને પણ તેમણે સુપેરે પ્રમાણી છે. ત્રીજાં પુસ્તક ‘પરિશીલન’માં કુલ ૩૦ લેખો છે. પંડિતજીનાં લખાણોમાં જોવા મળતાં અભ્યાસ, સૂક્ષ્મ અવલોકન, ચિંતન, વિશાળ વ્યાપ અને તટસ્થતાના ગુણો અહીં સવિશેષપણે પ્રગટ થતા જોવા મળે છે. લેખકના દાર્શનિક ચિંતનને રજૂ કરતા ૨૦ લેખો શ્રેણીના ચોથા પુસ્તકમાં સંઘરાયા છે. આ લેખોમાં ભારતીય તત્ત્વજ્ઞાનનાં મૂળભૂત તત્ત્વો—જીવ, જગત, ઈશ્વર ઉપરનું ગંભીર ચિંતન લેખકે સરળ ભાષામાં રજૂ કર્યું છે. પાંચમાં પુસ્તક ‘અર્ઘ્ય’ના ૨૭ લેખોમાંના મોટા ભાગના લખાયા છે શ્રદ્ધાંજલિ રૂપે; તેમાં લેખકે જે-તે વ્યકિતનાં જીવન અને કાર્યનું મહત્ત્વ પણ પ્રગટ કર્યું છે. ગાંધીજીની હત્યા પછી થોડા દિવસે આપેલ પ્રવચન ‘કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન’માં તેઓ કહે છે: “બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક બે જ તત્ત્વો હતાં: કરુણા અને પ્રજ્ઞા.” તો ઝવેરચંદ મેઘાણીને અંજલિ આપતાં લખે છે: “મેઘાણી બીજું ગમે તે હોય કે નહીં, પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણશકિત છતાં નિષ્પક્ષતા સાચવવાની શકિત છે તે ભાગ્યે જ બીજા કોઈ એવા સમર્થ કવિ, ગાયક કે લેખકમાં હશે.” છઠ્ઠાં પુસ્તક ‘અનેકાંત ચિંતન’ના ૧૪ લેખમાં સૂક્ષ્મ અવલોકન અને ગહન ચિંતનની છાંટ જોવા મળે છે. ૧૯૪૬ના અરસામાં પંડિત સુખલાલજીએ આત્મકથા લખવાનું શરૂ કરેલું. પણ ૧૯૨૦-૨૧ સુધીના સમયને આવરી લીધા પછી તે લખવાનું તેમણે પડતું મૂક્યું. જેટલો ભાગ લખાયો હતો તેટલો પણ પ્રગટ કરવાની સંમતિ તેમણે છેક સુધી ન આપી. મંજૂરી આપ્યા પછી થોડા જ દિવસોમાં, ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે, પંડિતજીનું અવસાન થયું. ૧૯૮૦માં પરિચય ટ્રસ્ટ તરફથી ‘મારું જીવનવૃત્ત’ પુસ્તક રૂપે એ આત્મકથા પ્રગટ થયેલી. ‘દર્શન અને ચિંતન ગ્રંથમાળા’નાં છ પુસ્તકોની સાથોસાથ એ પુસ્તકનું પણ પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક વિચારક હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્યપ્રેમનો સંગમ સાધ્યો હતો. એક પ્રજ્ઞાચક્ષુ, અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા અને તેના પરિપાકરૂપ એમનાં લખાણો કાયમ માટે સાચવી રાખવા જેવો વારસો છે. [‘મુંબઈ સમાચાર’ દૈનિક: ૨૦૦૪]