સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક મહેતા/સાહિત્ય અકાદમીનાં ૫૦ વરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૧૯૫૨ના ડિસેમ્બરમાં ભારત સરકારે સાહિત્ય અકાદમીની સ્થાપના કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. એક સ્વાયત્ત સંસ્થા તરીકે સાહિત્ય અકાદમીની વિધિવત્ સ્થાપના ૧૯૫૪ના માર્ચની ૧૨મી તારીખે થઈ હતી. દેશની બાવીસ ભાષાઓ અને તેના સાહિત્ય અંગે કાર્યરત રહેતી આ અકાદમીનું મુખ્ય કાર્યાલય દિલ્હીમાં ૧૯૬૧માં બંધાયેલ રવીન્દ્રભવનમાં આવેલું છે. આ ઉપરાંત કોલકાતા, બેંગલોર, ચેન્નાઈ અને મુંબઈ ખાતે અકાદમીનાં પ્રાદેશિક કાર્યાલયો છે. ૧૯૭૨થી મુંબઈમાં કામ કરતું પ્રાદેશિક કાર્યાલય ગુજરાતી, કોંકણી, મરાઠી અને સિંધી ભાષાનાં કાર્યક્રમો, પ્રકાશનો વગેરેનું સંકલન કરે છે. (૧૭૨ મુંબઈ મરાઠી ગ્રંથસંગ્રહાલય માર્ગ, મુંબઈ ૪૦૦૦૧૪.) આજ સુધીમાં અકાદમીએ ૪,૨૦૦ પુસ્તકો પ્રગટ કર્યાં છે. આ ઉપરાંત સેમિનાર, વર્કશોપ, વ્યાખ્યાનો વગેરે કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. અકાદમી તરફથી અપાતું સર્વોચ્ચ સન્માન છે તેની ‘ફેલોશિપ’. કોઈ પણ વખતે ૨૧ કરતાં વધુ વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવતું નથી. ૧૯૬૮માં સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અકાદમીના સર્વપ્રથમ ફેલો બન્યા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં કુલ ૬૩ લેખકોને સાહિત્ય અકાદમીની ફેલોશિપથી સન્માનવામાં આવ્યા છે, તેમાં ચાર ગુજરાતી લેખકો છે : કાકા કાલેલકર (૧૯૭૧), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૧૯૭૩), ઉમાશંકર જોશી (૧૯૮૫) અને રાજેન્દ્ર શાહ (૧૯૯૯). અકાદમી દર વર્ષે ૨૨ માન્ય ભાષાઓની કૃતિઓને પુરસ્કાર આપે છે. પણ આ ૨૨ ભાષાની યાદીમાં જેમનો સમાવેશ ન થતો હોય તેવી ભાષાના અગ્રણી લેખકોને ‘ભાષા સમ્માન’થી નવાજે છે. ૨૦૦૨ સુધીમાં ૨૭ લેખકોને ‘ભાષા સમ્માન’ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જેમાં ભીલ લોકસાહિત્યના અભ્યાસી ભગવાનદાસ પટેલનો અને પ્રશિષ્ટ તથા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી ચિમનલાલ ત્રિવેદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૯૮૯થી ૨૨ માન્ય ભાષાઓમાં અનુવાદિત પુસ્તકો માટેના પુરસ્કારની પણ શરૂઆત કરવામાં આવી છે. અકાદમી-માન્ય ૨૨ ભાષાઓમાંથી કોઈ પણ ભાષાની અનુવાદિત કૃતિને આ ઇનામ અપાય છે. ૧૯૮૯માં પહેલો અનુવાદ પુરસ્કાર નગીનદાસ પારેખને બંગાળી સ્મરણકથા ‘ન હન્યતે’ (મૈત્રોયી દેવી)ના અનુવાદ માટે અપાયો હતો. આ ઉપરાંત રમણીક મેઘાણી, રમણલાલ સોની, જયા મહેતા, અનિલા દલાલ, સુરેશ દલાલ, પ્રતિભા દવે, ચંદ્રકાંત મહેતા, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ભોળાભાઈ પટેલ, સુકન્યા ઝવેરી, ઉષા શેઠ, વર્ષા દાસ, શકુંતલા મહેતા વગેરેને તેમણે કરેલા અનુવાદો માટે આ પુરસ્કાર મળ્યો છે. સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનારનું આયોજન એ અકાદમીની એક મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ રહી છે. ૧૯૬૧માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી પ્રસંગે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સેમિનારથી આ પ્રવૃત્તિનો આરંભ થયો હતો. ૨૦૦૩ના અંત સુધીમાં કુલ ૨૭૨ સેમિનારનું આયોજન અકાદમીએ કર્યું છે. ૧૯૮૮માં કનૈયાલાલ મુનશી વિષેનો નેશનલ સેમિનાર હતો. ત્યાર બાદ ૧૯૯૨માં સુરેશ જોશી, ૧૯૯૬માં મહાત્મા ગાંધી, ૧૯૯૬માં ઝવેરચંદ મેઘાણી, ૧૯૯૭માં ગુજરાતી વિવેચન સાહિત્યના પ્રવાહો, ૧૯૯૭માં ગુજરાતી સાહિત્યમાં ‘દેશીવાદ’, ૨૦૦૦માં વીસમી સદીના ગુજરાતી સાહિત્ય અને ૨૦૦૨માં હરિવલ્લભ ભાયાણીના પ્રદાન વિષેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અકાદમી ૧૯૫૭થી ‘ઇન્ડિયન લિટરેચર’ નામના અંગ્રેજી દ્વૈમાસિકનું, ૧૯૮૦થી ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ નામના હિંદી દ્વૈમાસિકનું, ૧૯૫૯થી ‘સંસ્કૃત પ્રતિભા’ નામના અર્ધવાર્ષિક સંસ્કૃત સામયિકનું પ્રકાશન કરે છે. અકાદમી-પુરસ્કૃત ગુજરાતી પુસ્તકો ૧૯૫૫ મહાદેવભાઈની ડાયરી ૧૯૫૬ બૃહત્પિંગલ (રામનારાયણ વિ. પાઠક) ૧૯૫૮ દર્શન અને ચિંતન (પંડિત સુખલાલજી) ૧૯૬૦ શર્વિલક (રસિકલાલ પરીખ) ૧૯૬૧ કચ્છનું સાંસ્કૃતિક દર્શન (રામસિંહજી રાઠોડ) ૧૯૬૨ ઉપાયન (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી) ૧૯૬૩ શાંત કોલાહલ (રાજેન્દ્ર શાહ) ૧૯૬૪ નૈવેદ્ય (ડોલરરાય માંકડ) ૧૯૬૫ જીવનવ્યવસ્થા (કાકા કાલેલકર) ૧૯૬૭ ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન (પ્રબોધ પંડિત) ૧૯૬૮ અવલોકના (સુન્દરમ્) ૧૯૬૯ કુળકથાઓ (સ્વામી આનંદ) ૧૯૭૦ અભિનવનો રસવિચાર (નગીનદાસ પારેખ) ૧૯૭૧ નાટય ગઠરિયાં (ચન્દ્રવદન મહેતા) ૧૯૭૩ કવિની શ્રદ્ધા (ઉમાશંકર જોશી) ૧૯૭૪ તારતમ્ય (અનંતરાય રાવળ) ૧૯૭૫ સૉક્રેટિસ (મનુભાઈ પંચોળી, ‘દર્શક’) ૧૯૭૬ અશ્વત્થ (‘ઉશનસ્’) ૧૯૭૭ ઉપરવાસ કથાત્રાયી (રઘુવીર ચૌધરી) ૧૯૭૮ હયાતી (હરીન્દ્ર દવે) ૧૯૭૯ વમળનાં વન (જગદીશ જોશી) ૧૯૮૦ અનુનય (જયંત પાઠક) ૧૯૮૧ રચના અને સંરચના (હરિવલ્લભ ભાયાણી) ૧૯૮૨ લીલેરો ઢાળ (પ્રિયકાંત મણિયાર) ૧૯૮૩ ચિંતયામિ મનસા (સુરેશ જોશી) ૧૯૮૪ વિવેચનની પ્રક્રિયા (રમણલાલ જોશી) ૧૯૮૫ સાત પગલાં આકાશમાં (કુંદનિકા કાપડિયા) ૧૯૮૬ ધૂળમાંની પગલીઓ (ચન્દ્રકાંત શેઠ) ૧૯૮૭ જટાયુ (સિતાંશુ યશશ્ચંદ્ર) ૧૯૯૮ અસૂર્યલોક (ભગવતીકુમાર શર્મા) ૧૯૮૯ આંગળિયાત (જોસેફ મેકવાન) ૧૯૯૦ સ્ટેચ્યૂ (અનિલ જોશી) ૧૯૯૧ ટોળાં અવાજ ઘોંઘાટ (લાભશંકર ઠાકર) ૧૯૯૨ દેવોની ધાટી (ભોળાભાઈ પટેલ) ૧૯૯૩ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (નારાયણ દેસાઈ) ૧૯૯૪ વિતાન સુદ બીજ (રમેશ પારેખ) ૧૯૯૫ અણસાર (વર્ષા અડાલજા) ૧૯૯૬ અંધારી ગલીમાં સફેદ ટપકાં (હિમાંશી શેલત) ૧૯૯૭ કૂવો (અશોકપુરી ગોસ્વામી) ૧૯૯૮ વાંકદેખાં વિવેચનો (જયંત કોઠારી) ૧૯૯૯ ગુજરાતી સાહિત્ય (નિરંજન ભગત) ૨૦૦૦ ધૂન્ધભરી ખીણ (વીનેશ અંતાણી) ૨૦૦૧ આગંતુક (ધીરુબહેન પટેલ) ૨૦૦૨ તત્ત્વમસિ (ધ્રુવ ભટ્ટ) ૨૦૦૩ અખેપાતર (બિંદુ ભટ્ટ) નોંધ : ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં કોઈ કૃતિને પુરસ્કાર અપાયો નહોતો. આજ સુધીમાં ત્રણ લેખકોએ અકાદમીના પુરસ્કારનો અસ્વીકાર કરી તે પરત કર્યો છે. ૧૯૬૯માં સ્વામી આનંદે, ૧૯૮૩માં સુરેશ જોશીએ અને ૧૯૯૮માં જયંત કોઠારીએ. પિતા અને પુત્ર બન્નેને સાહિત્ય અકાદમીનો ગુજરાતી પુસ્તક માટેનો પુરસ્કાર મળ્યો હોય તેવો એક જ દાખલો નોંધાયો છે : મહાદેવ દેસાઈને ‘મહાદેવભાઈની ડાયરી’ માટે ૧૯૫૫માં અને તેમના પુત્ર નારાયણ દેસાઈને મહાદેવભાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ માટે ૧૯૯૩માં આ પુરસ્કાર મળ્યો હતો. [‘મુંબઈ સમાચાર’ દૈનિક : ૨૦૦૪]