સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુલેરાય માટલિયા/કયું વ્રત વધે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એ જમાનામાં ગાંધીજી પરિણીતોને બ્રહ્મચર્યવ્રત લેવાનો આદેશ આપતા હતા. સેવાવ્રતનું તે આવશ્યક અંગ ગણાતું હતું. મારા કુટુંબીએ મારે અંગે નાનાભાઈ ભટ્ટનું ધ્યાન દોર્યું. નાનાભાઈ મને કહે, “સત્ય અને બ્રહ્મચર્ય, એ બે વ્રતમાં કયું વધે?” મેં કહ્યું, “બ્રહ્મચર્ય વધે.” એટલે નાનાભાઈ કહે, “કોઈ બ્રહ્મચારી છળકપટ કરે કે કોઈને છેતરે, તો બ્રહ્મચારી હોવાને કારણે જ તેને તમે નિર્દોષ ગણોને?” હું નિરુત્તર રહ્યો. નાનાભાઈ બોલ્યા, “તમારાં પત્નીએ આ વ્રતનો સ્વીકાર કરવામાં સંમતિ આપી છે?” મેં કહ્યું, “અમે વ્રતબદ્ધ નથી બન્યાં, પણ તે મારી પાછળ ચાલે છે.” “તેની મુક્ત ઇચ્છા સમજવા તમે પ્રયત્ન કર્યો છે?” મેં કહ્યું, “સ્ત્રી માત્રાની સંતાનની ઇચ્છા તો હોય.” “તો તે ઇચ્છાને રોકવાનો તમારો શો અધિકાર છે?” મેં કહ્યું, “શ્રેયને માર્ગે જવામાં કામેષણાને ગૌણ ગણવી જોઈએ.” નાનાભાઈએ પૂછ્યું, “તમારાં લગ્ન વખતે આ વાત સ્પષ્ટ કરી હતી? તમારા પિતા કે સસરાને તમારા વિચારો જણાવ્યા હતા?” મેં ના કહી, એટલે નાનાભાઈ કહે : “લગ્ન એ અગ્નિ, બ્રાહ્મણ અને સમાજની સાક્ષીએ આપેલો કોલ છે. કામેશણા તૃપ્ત કરવાના અને સંતાન આપવાના વચનમાંથી છટકી શકાય નહીં. તેમાંય જે કોમમાં પુનર્લગ્ન થતું નથી, અથવા તેવા લગ્નમાં હીણપત મનાય છે તે કોમમાં તો એ વચનભંગ જ નહીં — હિંસક વહેવાર પણ બને છે, અને સ્ત્રી લાચારીથી પુરુષને અનુસરે છે. આમ સત્ય અને અહિંસાને ભોગે બ્રહ્મચર્યનો વિકાસ થઈ શકે નહીં. એટલે તમારે તમારી પત્નીની અવ્યક્ત ઇચ્છાને અનુસરવું જોઈએ. સંયમ અને સંતાનમર્યાદાનો વિવેક રાખીને જીવાતું ગૃહસ્થી જીવન પણ બ્રહ્મચર્ય જ છે, તેમ માનવામાં ગૃહસ્થાશ્રમીનો વિવેક છે. પણ આમ છતાં બંનેની આધ્યાત્મિક ઝંખના અને સર્જક પ્રવૃત્તિ બ્રહ્મચર્યને સહજ બનાવે, તો સહજતા તો હંમેશાં આવકાર્ય જ છે.”