સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દોલતભાઈ દેસાઈ/પ્રાણવંતા પૂર્વજનું તર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          આમાંનાં [‘પરિભ્રમણ’ ભાગ ૧-૩નાં] મોટા ભાગનાં લખાણો વર્તમાનપત્રની કટારો માટે થયેલાં છે. વર્તમાનપત્રમાં સાહિત્યની વાત કરનાર સાહિત્યની આસપાસની પરિસ્થિતિનો પણ વિચાર કરે. જે માણસ સાહિત્યને પ્રજાજીવનમાં વિચરતું, પ્રતિષ્ઠિત થતું અને પ્રજાજીવનને પોષતું જોવા માગે છે, તે આવા સવાલોને વિચાર્યા વિના ન રહી શકે. મેઘાણી આવા સવાલોને કોઈ જાતના વળગણ વિના વિચારે છે. સાહિત્યપ્રીતિ અને જીવનનિષ્ઠાનો આવો મેળ બહુ ઓછા માણસોમાં જોવા મળે છે. પણ આ લખાણોમાંથી હું મેઘાણીને જ કેમ ન ઝીલું? કૌતુકપ્રેમી, મુગ્ધભાવી, સરલહૃદયી…ક્યારેક મેઘાણીની આંખની ચમક, ક્યારેક એમની ટટ્ટાર છાતી, ક્યારેક એમનું નમતું મસ્તક, ક્યારેક ગદ્ગદ અવાજ અને ક્યારેક હુંકાર, ક્યારેક મૌન પણ-મેઘાણી જાણે જીવંતરૂપે અનુભવાય છે. વિવેચનમાં વ્યક્તિત્વનું પ્રતિબિંબ આટલી સહજતાથી અને આટલા સ્વચ્છ સ્વરૂપે આપણે ત્યાં બહુ ઓછે ઠેકાણે પડેલું લાગે. મેઘાણીભાઈ સાચા અર્થમાં લોકાભિમુખ કવિ-લેખક બન્યા. છેલ્લાં ૪૦ વર્ષમાં ગુજરાતી પ્રજાના હૃદયધબકાર એમના જેટલા સામર્થ્યથી કોઈએ ઝીલ્યા જાણ્યા નથી. ગઈકાલનું એમણે સંશોધન કર્યું, આજનું અવલોકન કર્યું, આવતી કાલનું આર્ષદર્શન આપ્યું.


ધનવંત ઓઝા


લોકચેતના પર રાખ ફરી વળી હતી. મડદાંઓમાં પ્રાણ ફૂંકવાનો હતો. રાણપુર જેવા નાનકડા ગામમાં ‘સૌરાષ્ટ્ર’ અખબારનાં પીળચટાં પાનાં પર મેઘાણીએ કર્મચેતનાની આગ પ્રગટાવી. હા, આજે જેનો દુષ્કાળ પ્રવર્તે છે તેવી કર્મચેતનાના મેઘાણી પ્રતિનિધિ હતા. અબોલ આદમીને વાચા આપવાનું કામ તેમણે કર્યું. તેમણે શબ્દને સક્રિયતા સાથે જોડી આપ્યો. ગુજરાતી વાચકને માટે મેઘાણીનો શબ્દ ‘અગ્નિદિવ્ય’ બની ગયો. રાષ્ટ્રચેતનાના તમામ મર્મને આ પત્રકારે પ્રજા લગી પહોંચાડ્યો. ધોલેરાના સત્યાગ્રહથી માંડીને આયરલેંડની ઉથલપાથલ સુધીનો કોઈ વિષય તેમણે બાકાત નહોતો રાખ્યો. પત્રકાર તરીકે બીજા કોઈએ નથી કર્યું એવું એક કામ મેઘાણીએ કર્યું : એમણે પત્રકારત્વમાં કવિતાની મદદ લીધી. કેટલાયે લાગણીપ્રેરક પ્રસંગોએ ગદ્યને સ્થાને એમણે કવિતાથી કામ લીધું. એને આપણે કાવ્યબદ્ધ અગ્રલેખો કહી શકીએ. કવિ-પત્રકાર તરીકેનું મેઘાણીભાઈનું કામ મહાનિબંધનો વિષય બને એવું છે.


યશવંત દોશી


પત્રકારત્વ ગુજરાતમાં વિકસ્યું ત્યારથી આજ સુધીના ગાળામાં સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રમાં મેઘાણીથી ચડિયાતું વ્યક્તિત્વ મળ્યું નથી. એમણે લખ્યું છે : “દરેક લખાણ-છાપાનું કે ચોપડીનું-સાહિત્યરંગી બનશે તેટલી તેની ચોટ વધશે. અનંતરાય રાવળના મત મુજબ, “તેમણે પત્રકારત્વને સાહિત્યરંગે રંગ્યું અને રસિક બનાવ્યું.” પત્રકાર પાસે નિરાંતે ભાષાને મઠારવાનો, ફરીફરી લખવાનો સમય હોતો નથી. અલંકારોના ઠઠેરા કર્યા વગર, સંકલના ચૂક્યા વગર, પહાડી નદીના વહેણ સરખી વાણી કલમમાંથી જેવી નિર્ઝરતી જાય, તેવી કમ્પોઝિટરનાં બીબાંમાં ગોઠવાતી જાય. રાષ્ટ્રવ્યાપી સંવેદનાને જગાડી મૂકવાની શક્તિ ધરાવતી આ કલમે નાનકડા અજાણ ગામડાના ક્ષણજીવી બનાવને આલેખતી વખતે અવનવી સિદ્ધિઓ હાંસલ કરી બતાવી હતી.


જયેન્દ્ર ત્રિવેદી


મેઘાણીનાં કેટલાંય રૂપ અને દરેક રૂપનાં કેટલાં પાસાં? લોકસાહિત્યના સંશોધક, ઢગલાબંધ ગ્રંથોનો ફાલ ઉતારનાર ગદ્યસ્વામી, મેદનીને ડોલાવીને જકડી રાખે તેવા ગાયક ને વક્તા, અન્ય ભાષાઓના સર્વોત્તમ અનુવાદક અને રૂપાંતરકાર, પીઢ પત્રકાર-અરસપરસ ગૂંથાઈ ગયેલા આ બધા મેઘાણીઓમાંથી કોની વાત કરીએ? ગુજરાતે મેઘાણીને જે ઉમળકાથી વધાવ્યા, તેમના પર ભક્તિયુક્ત આદરનો અભિષેક કર્યો, તેવું બીજા કોઈ લેખક, કવિ, પત્રકાર કે લોકસેવકની બાબતમાં બન્યું નથી.


નગીનદાસ સંઘવી


એમની બધી પ્રવૃત્તિઓમાં ‘કલમ અને કિતાબ’ [‘જન્મભૂમિ’ દૈનિકની અઠવાડિક સાહિત્ય-કટાર] સૌથી વધુ તેજસ્વી અને વિશેષ સ્થાયી મૂલ્યવાળી લાગી છે. વિવેચનને એમણે લોકપ્રિય કર્યું. એ જાણે લોકપ્રિયતાના જ સર્જક હતા. પણ એમાં એમણે ઘણી વાર તરલ સૂક્ષ્મ દૃષ્ટિ-પાટવ બતાવ્યું છે.


સુન્દરમ્


‘કલમ અને કિતાબ’ના પાનાને કારણે મેઘાણીએ પોતાના રાગદ્વેશ પાતળા કરી દીધા હતા. ન્યાય કરવા તે તલપાપડ રહેતા. પોતાના હાથમાં શસ્ત્ર છે તો વિઘાતક થવું, સામાવાળાનું દૃષ્ટિબિંદુ સમજવું, એવી વૃત્તિ રાખતા.


ઉમાશંકર જોશી


એમનું ‘કલમ અને કિતાબ’ એટલે ‘ગુજરાતી સાહિત્યનું વિવેચનનું અઠવાડિક’ એમ કહીએ તોપણ ચાલે. ‘કલમ-કિતાબ’કાર તરીકે એમણે આપણા વિવેચનક્ષેત્રમાં લાડીલું, લોકપ્રિય અને ઇર્ષા ઉપજાવે એવું પદ વર્ષો સુધી ભોગવ્યું. કોઈના પણ વિવેચનને બહોળામાં બહોળો વાચકવર્ગ મળ્યો હોય તો તે મેઘાણીના જ. એમનાં વિવેચનો નિષ્પક્ષપાતી અને કોઈ પણ વાદથી પર હતાં. ‘કલમ-કિતાબ’નું પાનું જાણે સાહિત્યિક ચર્ચામંડળ હોય, એવું રસિત બન્યું હતું. ગુજરાતી સાહિત્યના વિવેચનમાં જનતાને રસ લેતી કરવામાં મેઘાણીનો ફાળો અવિસ્મરણીય છે.


ચંદ્રકાંત મહેતા


[જયંત કોઠારી-સંપાદિત ‘મેઘાણી વિવેચનસંદોહ’ પુસ્તક : ૨૦૦]