સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દોલતભાઈ દેસાઈ/માવજતનો મંતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સૂરતમાં ‘હકીમચાચા’ની દોઢસો વર્ષ જાણીતી દવાઓની દુકાન. કોકવાર એ દુકાને જઈ ચાચા સાથે વાતો કરવાની મારી ટેવ. એક વાર એક નવયુવક ગોટી લેવા આવ્યો. પ્રથમ બાળકનો એ પિતા બન્યો હતો. હકીમને કહ્યું : “બાબાને પાવાની ગોટી આપો.” હકીમે પૂછ્યું : “કેવી ગોટી આપું? એક વાર ઘસારાવાળી, બે વાર ઘસારાવાળી કે ત્રણ વાર ઘસારાવાળી?” યુવક : “મને સમજ નથી પડતી. એક વાર ઘસારાવાળી ને ત્રણ વાર ઘસારાવાળી ગોટીમાં શો ફેર?” હકીમ કહે : “એક વાર ઘસારાવાળી ગોટી, ઓરસિયા પર એક જ ઘસરકો કરો ને પાણી સાથે બાળકને પાવ, તો પેટ ચોખ્ખું રહે. જ્યારે ત્રણ વાર ઘસરકાવાળી ગોટી ત્રણ વાર ઘસવી પડે.” યુવક : “પણ એમાં દવા તો એક જ પ્રકારની ને?” હકીમ કહે : “બિલકુલ એક જ પ્રકારની દવા, પણ પૂટ પૂટમાં ફેર. એક ઘસરકાવાળી ગોટીમાં દવા ખૂબ ઘૂંટીને તૈયાર કરેલી, જ્યારે ત્રણ ઘસરકાવાળી ગોટીમાં દવા ઓછી ઘૂંટેલી.” યુવક કહે : “ઓહ! એટલે ફેર શો?” હકીમ કહે : “માવજતનો!!” દવા એક જ, પણ માવજત જુદી! જેટલી માવજત વધારે તેટલો દવા પર પૂટ ચડે ને દવાની માત્ર વધે. પણ દવા એક જ. આ માવજતનો મંતર મને હકીમચાચાએ સમજાવ્યો. આપણા જીવનમાંયે કેટકેટલી બાબતો માવજત માગે. રસોઈ માવજત માગે, આપણી કાયા માવજત માગે, બાળકોનો ઉછેર માવજત માગે, આપણો વ્યવસાય માવજત માગે, માંદગી માવજત માગે. ઉદવાડા જાઓ તો પટેલ બાપાની વાડી જોજો. વાડીમાં બે ફૂટ જ ઊંચા આંબા. વીસ વીસ કેરી લટકે. ફ્લાવર-વાઝમાં મુકાય એવાં આંબા-જમરૂખી. નાળિયેરીની એવી જાત જે માત્ર છ ફૂટ ઊંચી થાય અને ખૂબ નાળિયેર આપે. બાપાની સાઠ એકરની વાડી જોઈ, “આ બધું કેવી રીતે બને?” એમ પૂછ્યું. બાપા કહે, “માવજત.” માવજતના મંતરને સમજવો હોય તો એક જ રોજિંદી ક્રિયા લઈએ — રોટલો બનાવવાની ક્રિયા. લોટ-પાણી જુદાં હોય તેને અમુક પ્રમાણમાં એકઠાં કરવાં પડે. માવજત કરનારમાં પ્રમાણભાન હોય. પ્રમાણ ચૂક્યા તો પદાર્થ બગડે. પછી મેળવીને લોટ ગૂંદવો પડે. મસળવો પડે. મસળવાની ક્રિયા ધીરજ માગે. માવજત કરનારમાં ધીરજની ખૂબ જરૂર. મસળીને આખડિયે રોટલો થબેડતાં થાપવો પડે. હળવેક હાથે એ કરવું પડે. એટલે માવજત કરનારમાં હળવેક હાથે કામ કરવાની આવડત જોઈએ. એ રોટલાને તાવડીમાં ધીમે તાપે શેકવો પડે. માવજત કરનારમાં શેકવાની આવડત ને શેકાવાની ધીરજ અને ક્ષમતા જોઈએ. છેવટે કદાચ હાથ દાઝે, પણ રોટલાને દેવતા પર ફુલાવવો પડે. માવજત કરનારને તાપ સહન કરતાં આવડવો જોઈએ. એ સહનશક્તિ. અને છેવટે એ રોટલા પર ઘી કે તેલ (જેને સંસ્કૃતમાં સ્નેહ કહેવાય) લગાડે. માવજત કરનાર પાસે પૂરતા પ્રમાણમાં સ્નેહ હોવો જોઈએ. એક વાર માવજત કરી જુઓ : તમારો રોટલો રૂડો લાગશે. [‘જનસત્તા’ દૈનિક : ૧૯૭૬]