zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધનસુખલાલ મહેતા/રંગભૂમિના મધ્યાહ્ને

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

૧૯૦૮-૦૯ની સાલ હતી. હમણાંના સમયમાં યુવક-યુવતીઓ જેમ આજકાલની ફિલ્મો, તેનાં નટનટીઓ, થિયેટરો વિશે ઝીણવટથી જ્ઞાન ધરાવે છે, તેમ તે જમાનામાં અમારા જેવા જુવાનિયાઓ જુદી જુદી નાટક કંપનીઓ, તેમનાં નાટકો, નાટ્યકારો અને નટો વિશે સારી માહિતી ધરાવતા હતા. મોરબી — વાંકાનેરની નાટક મંડળીઓ અને ડાહ્યાભાઈ ધોળશાજીની કંપનીનાં બધાં નાટકો મેં એકથી વધુ વખત જોઈ નાખ્યાં હતાં. ‘નરસિંહ મહેતા’ જેવાં કેટલાંક નાટકો મેં અગિયાર-બાર વાર જોયાં હતાં અને તેમાંનું દરેક ગાયન હું હારમોનિયમ તથા દિલરૂબા પર વગાડી શકતો હતો.

૧૮૫૩માં પારસી બિરાદરોએ ગુજરાતી રંગભૂમિનો આરંભ કર્યો. તેમનું જોઈને ૧૮૭૮માં નરભેરામ શુક્લે પહેલવહેલી હિંદુ ગુજરાતી નાટક કંપની કાઢી; ત્યાર કેડે બાર વરસ પછી મોરબી કંપની વાઘજીભાઈએ, દેશી નાટક કંપની ડાહ્યાભાઈએ. તેમ વાંકાનેર ને મુંબઈ ગુજરાતી નાટક મંડળી વગેરે અનેક નાનીમોટી કંપનીઓ નીકળી. ૧૯૦૦થી ૧૯૨૦ સુધી ગુજરાતી રંગભૂમિના જુવાળનો સમય હતો. ૧૯૨૦ પછી અચાનક નાટકોની ભાષામાં ફેર પડયો; ઉર્દૂની ઉર્દૂમાં જ સારી લાગે તેવી શૈલી પ્રચારમાં આવી, અને તેણે ગુજરાતી નાટકોને કથળાવ્યાં. થિયેટરો પ્રમાણ બહાર લાંબાં થતાં ગયાં, તેમ તેમ ભાવવાહી શબ્દોચ્ચારને બદલે બૂમબરાડા દાખલ થયા. પ્રેક્ષકોના હૈયામાં રમી જાય તેવી તરજોને બદલે સંગીતમાં કોઈ વિચિત્ર તરજો ઘૂસી ગઈ. અને બોલતી ફિલ્મો આવતાં તો નાટકોનો જુવાળ ઓટમાં પલટાઈ ગયો.

રંગભૂમિના આ ટૂંકા ઇતિહાસમાં એના મધ્યાહ્ન સમયે જે પ્રખર નાટ્યકારો આપણે ત્યાં હતા તેમાં કવિશ્રી મૂળશંકર મૂલાણીનું સ્થાન અનોખું છે. તેમની સાથે ઊભા રહી શકે એમ કહીને બેચાર નામ ગણાવવાં જ હોય તો ડાહ્યાભાઈ અને વાઘજીભાઈ, નથુરામ, ફૂલચંદ વગેરે ગણાવાય. એ અસલના અડીખમ નાટ્યકારો સંસ્કૃત સાહિત્ય ઉપરાંત શૅક્સપિયરમાંથી પણ પ્રેરણા લેતા.

મૂળશંકર મૂલાણીનો જન્મ ૧૮૬૮માં અમરેલીમાં થયો હતો. પાંચ વરસની વયથી તેમણે ગુજરાતી સાથે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો હતો. ધીમે ધીમે કરતાં શૅક્સપિયરનાં નાટકો વાંચી શકાય તેટલું અંગ્રેજી તેમ જ હિંદી, બંગાળી અને મરાઠી પણ શીખી લીધું. નાટક કંપનીમાં માત્રા લહિયા તરીકે જીવનની શરૂઆત કરી આગળ વધતાં વધતાં ગીત રચનાર અને નાટ્યકાર તરીકેની કલા તેમણે હસ્તગત કરી.

પ્રેક્ષકોની નાડ એમને એટલી જાણીતી હતી કે અનેક વેળા તેમણે ડૂબતી કંપનીઓને એક એક નાટકથી તારી દીધી હતી : ૧૯૦૧માં ‘વિક્રમચરિત્ર’થી મુંબઈ ગુજરાતી નાટક મંડળીને, ૧૯૦૩માં લખેલ ‘સૂર્યકુમારી’થી આર્યનૈતિક નાટક સમાજને. પણ કિસ્મત કેવું કે એમનાં બે અતિ સુંદર નાટકો ‘કૃષ્ણચરિત્ર’ અને ‘દેવકન્યા’ વડે પોતાની જ નાટક મંડળીને મરી પરવારતી તે બચાવી શક્યા નહીં!


[‘સૌભાગ્યસુંદરી’ પુસ્તક]