સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધર્મિષ્ઠા મોદી/સેવકોની ટંકશાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ સક્રિય રીતે રાજકીય તેમજ સામાજિક કાર્યોનો પ્રારંભ કરતાં પહેલાં ભારતીય ગ્રામજીવનને અનુભવવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પંચમહાલ જિલ્લાના અગ્રણી નેતાઓના આગ્રહને કારણે ગુજરાતની પ્રથમ રાજકીય પરિષદ યોજવા માટે ગોધરાની પસંદગી કરવામાં આવી હતી. નવેમ્બર ૧૯૧૭ની પ્રથમ રાજકીય પરિષદથી ગુજરાતના રાજકીય જીવનનો પ્રારંભ થયો. પરંતુ એ પરિષદમાં સામાજિક પ્રશ્નોને બાકાત રાખવામાં આવેલ. પરિષદમાં આવેલ ઉચ્ચવર્ણના લોકોના સૂચનથી અંત્યજ લોકોની એક સભા (જે પાછળથી અંત્યજ પરિષદ તરીકે ઓળખાઈ) તા. ૫-૧૧-૧૯૧૭ના રોજ ગોધરાના હરિજનવાસમાં ગોઠવવામાં આવી હતી અને એ સભાનું પ્રમુખસ્થાન ગાંધીજીએ સંભાળ્યું હતું. આ પરિષદમાં અસ્પૃશ્યતા-નિવારણ અંગેનો ઠરાવ પસાર કર્યા બાદ ગાંધીજીએ કરેલ પ્રવચનમાં કહ્યું હતું, “આજે આપણે કહેવાતા પછાત વર્ગના લોકો સાથે મળ્યા છીએ, આ ઢેડ જાતિ સાથે હળીમળી રહ્યા છીએ. આ જાતિ નીચી છે એમ ન માનશો. તેમની અને તમારી વચ્ચે અનુરાગ-એકતા થાય એટલે તમે સ્વરાજ્યને લાયક થશો.” અંત્યજ લોકોને સ્વપ્રયત્નોથી જ ઊંચે આવવાની સલાહ ગાંધીજીએ આપી હતી. સભાને અંતે ગાંધીજીએ અંત્યજોના બાળકો માટે શાળા શરૂ કરવા અને નિભાવણી માટે ફાળો આપવા અપીલ કરી હતી. અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈએ આપેલ રૂ. ૫૦૦ના ફાળા સહિત કુલ રૂ. ૧૬૫૬ની રકમ સ્થળ પર જ એકઠી થઈ ગઈ હતી. આ ફાળામાંથી ગોધરામાં પ્રથમ અંત્યજ શાળા શરૂ થઈ. ૧૯૧૭માં સ્થાપિત ગોધરાની અંત્યજ શાળા ૧૯૨૨માં ગાંધી આશ્રમ તરીકે ઓળખાઈ. તેના પ્રથમ સંચાલક તરીકે સેવા આપનાર અંત્યજ-સેવક વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે ઉર્ફે મામાસાહેબ ફડકે લખે છે કે : “હરિજન કાર્ય માટે શ્રી કાકાસાહેબ કાલેલકરે મારી ભલામણ ગાંધીજી આગળ કરી કારણ કે ૧૯૧૧-૧૨ વખતની મારી હરિજનસેવા શ્રી કાકાસાહેબ જાણતા હતા.” હરિજનવાસમાં અંત્યજ સભા શરૂ થઈ એ પહેલાં વ્યવસ્થા જોવા માટે આવેલ શ્રી ઠક્કરબાપાને સર્વે અંત્યજોને છાપરે ચડેલાં જોઈ ખૂબ જ આશ્ચર્ય થયું હતું. તેમણે એ લોકોને સમજાવીને નીચે ઉતાર્યા હતા તેમજ સભામાં બેસવા જણાવ્યું હતું. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક નોંધે છે : “પ્રજાની સૌથી વધુ કચડાયેલ અછૂત જાતિના ઉદ્ધાર વિષે રાજકીય પરિષદે ખાસ ઠરાવ ન કર્યો, પણ તેનો સાક્ષાત્ સંપર્ક સાધવા શ્રી મામાસાહેબ ફડકે અને શ્રી ઠક્કરબાપાના પ્રયાસોથી એક ઐતિહાસિક સભા ગોધરાના હરિજનવાસમાં ભરવામાં આવી. આવું દૃશ્ય ગુજરાતમાં પહેલી વાર જોવામાં આવ્યું કે જ્યાં શેઠિયાઓ, વકીલો, વ્યાપારીઓ અને આવા બીજા ગૃહસ્થો ઢેડ અને ભંગી લોકોની સાથે હળીમળીને ભેગા થયા હોય.” શ્રી મામાસાહેબ ફડકેએ આ સભાને “દેવોને દુર્લભ એવા મેળાવડા” તરીકે બિરદાવી હતી. ગોધરાના તે વખતના રૂઢિચુસ્ત સામાજિક વાતાવરણમાં અંત્યજોના ઉદ્ધાર માટે થયેલ આ પ્રયત્નને રગદોળી નાખવા પ્રયાસો થયા હતા. આ વલણને કારણે તે વખતે ગોધરાના સ્થાનિકમાંથી કોઈએ પણ નાણાકીય સહાય કરી ન હતી. પાછળથી આશ્રમની સ્થાપના માટે પારસી સદ્ગૃહસ્થ શ્રી રૂસ્તમજીની રૂ. ૧૬,૦૦૦ની નાણાંકીય સહાયથી જ આશ્રમની સ્થાપના શક્ય બની હતી. તે વખતનાં ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકો પણ અંત્યજ પ્રવૃત્તિને સમર્થન આપતાં ન હતાં. અંત્યજ સભા અંગે અને અંત્યજ શાળાની સ્થાપનાના સફળ પ્રયત્નો વિષે અછડતો ઉલ્લેખ પણ તે વખતનાં વર્તમાનપત્રોમાં નોંધાયો નથી. જે અંત્યજો માટે શાળાની સ્થાપના કરવામાં આવેલ, તેઓ જ શરૂઆતમાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તૈયાર થતા નહોતા. અંત્યજ બાળકો શાળાથી દૂર ભાગતા. મામાસાહેબ ફડકે જાતે હરિજનવાસમાં છોકરાંઓને શાળામાં લઈ જવા આવે, તો કેટલાંક મા-બાપ તેઓને દૂરથી આવતાં જોતાં જ બાળકોને ભગાડી મૂકતાં હતાં. મામાસાહેબ બાળકોને વિનવી-કરગરીને લાવે, તો શાળાના મેડા પરથી દોરડું લટકાવી ભાગી જતાં હતાં. અંત્યજ બાળકોને શિક્ષિત કરવાની સાથે સાથે મામાસાહેબે વ્યસનમુક્તિ, ખાદી અને સુઘડતાના પાઠ શીખવવા પ્રયત્ન કર્યા. ગોધરામાં હરિજનો અને સવર્ણો વચ્ચે જેટલી અસ્પૃશ્યતા હતી તેટલી જ હરિજનો અને ભંગીઓ વચ્ચે પણ હતી. આ આંતરિક અસ્પૃશ્યતાને કારણે અસ્પૃશ્યતાનિવારણના પ્રયત્નો પર વિપરિત અસર પડતી હતી. આવી પરિસ્થિતિ હોવા છતાંયે ગોધરામાં શરૂ થયેલ પ્રથમ અંત્યજ શાળા ગુજરાતના ઇતિહાસમાં ખાસ મહત્ત્વ ધરાવે છે. ૧૯૧૭ પછી ગુજરાતમાં શરૂ થયેલી ઘણીખરી અંત્યજ પ્રવૃત્તિઓ અને પરિવર્તનોના મૂળિયાં તેમાં પડેલાં હતાં. શ્રી કાકાસાહેબ કાલેલકરની દૃષ્ટિએ ગોધરાની અંત્યજ શાળા, અંત્યજ સેવકો તૈયાર કરવાની ટંકશાળ પુરવાર થઈ હતી. મામાસાહેબ ફડકે, ઠક્કરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિક, પરીક્ષિતલાલ મજમુદાર, કિશોરલાલ મશરૂવાળા જેવા ઉચ્ચ વર્ણોમાંથી આવતા હોવા છતાં તેઓ ઉત્તમ અંત્યજ સેવકો પુરવાર થયા હતા.


[‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]