zoom in zoom out toggle zoom 

< સમગ્ર અરધી સદીની વાચનયાત્રા

સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’/અસ્મિતાના જ્યોતિર્ધર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         

ઈ. સ. ૧૦૮૮માં ગુજરાતના ધંધુકા ગામે જન્મી ૮૪ વર્ષનું સાર્થક આયુષ્ય ભોગવી ૧૧૭૩માં પાટણ મુકામે કાળધર્મ પામનાર ગુજરાતની અસ્મિતાના પહેલા જ્યોતિર્ધર હેમચંદ્રાચાર્યે છંદ, શબ્દકોશ, મહાકાવ્ય, ચરિત્ર, વ્યાકરણશાસ્ત્ર આદિ ક્ષેત્રોમાં વિહાર કરી તેત્રીસ ગ્રંથો અને તેમાં લાખ ઉપરાંતના સંસ્કૃત શ્લોકો આપણને આપ્યા છે. તેમનું ચિંતન વ્યાપક અને પ્રેરક છે. તેમાંથી કેટલીક સૂકિતઓનું આસ્વાદન કરીએ:

મેઘ વિના વૃષ્ટિ, બીજ વિના અંકુર અને સૂર્ય વિના દિવસ હોઈ શકે જ નહિ, તેમ દયા વિના ધર્મ હોતો નથી. તે દયા ઉપકાર વડે સિદ્ધ થાય છે. સજ્જનોએ કરેલો ઉપકાર વિપત્તિને દૂર કરે છે, વેરનો ઉચ્છેદ કરે છે.

કદાચિત સમુદ્ર મરુસ્થલતાને પામે, ચંદ્ર ઉષ્ણતાને ધારણ કરે, સૂર્ય અંધકારની પુષ્ટિ કરે, તોપણ હિંસા કરવાથી સુકૃત થાય નહિ.

સુમેરુથી અન્ય કોઈ સ્થિર નથી, આકાશથી બીજું કોેઈ વિશાળ નથી અને સમુદ્રથી અન્ય કોઈ શુદ્ધ નથી, તેમ અભયદાનથી બીજું કોઈ હિત નથી.

[‘પ્રબુદ્ધ જીવન’ માસિક: ૨૦૦૫]