સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’/રંગભૂમિનાં ગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          જૂની ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ પ્રથમ મુંબઈને આંગણે થયો અને તેના જન્મદાતા હતા મુંબઈના પારસીઓ. તે જમાનામાં અંગ્રેજો ‘બોમ્બે થિયેટર’માં શેક્સપિયર, મોલિયેર ને શેરિડનનાં જે નાટકો ભજવતાં હતાં તે જોઈને એવાં નાટકો ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં ભજવવાની તેમણે શરૂઆત કરી, અને પહેલું ગુજરાતી નાટક ‘રૂસ્તમ-સોહરાબ’ ભજવાયું. એમાં ગીતો કવિ દલપતરામે લખ્યાં હતાં. આમ, ૧૮૪૩માં પારસીઓએ ‘પારસી નાટકમંડળી’ના નામથી ગુજરાતી જૂની રંગભૂમિનો પ્રારંભ કર્યો. આ શરૂઆત કરનાર હતા તે નાટક કંપનીના માલિક ફરામજી ગુ. દલાલ. પછી તો એ દશકામાં ગુજરાતી નાટકો મુંબઈ, અમદાવાદ ને સુરતમાં ભજવાયાં હતાં. ૧૮૪૨ની આસપાસ શંકર શેઠે નાટકોની ભજવણી માટે મુંબઈમાં થિયેટર બાંધ્યું હોવાનું નોંધાયું છે. જૂની ગુજરાતી રંગભૂમિ જુદા જુદા તબક્કાઓમાં પસાર થઈ; જાહોજલાલી ભોગવીને સમાજને મનોરંજન આપી લોકઘડતરનું ઉત્તમ કામ કરી ગઈ. પણ વિવિધ કારણોસર એની પડતીની શરૂઆત ૧૯૦૨થી થવા માંડી ને છેવટે ૧૯૬૩માં નાટ્યકાર તેરસી ઉદેશીએ સ્થાપેલ ‘મધર ઇંડિયા થિયેટર્સ’ નામની સંસ્થાએ ‘સો ટચનું સોનું’ નાટક મુંબઈમાં ભજવ્યા બાદ જૂની રંગભૂમિનો અંત આવ્યો. જો કે એ પછી ‘દેશી નાટક સમાજ’ ને બીજી કેટલીક નાટ્યકંપનીઓ તરફથી એકલદોકલ રીતે છૂટાંછવાયાં નાટકો તો ભજવાતાં રહ્યાં હતાં. જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસ વિશે રમણીકલાલ જ. દલાલ નોંધે છે : “ભારતમાં બંગાળ, મહારાષ્ટ્ર ને ગુજરાતના ત્રણ પ્રદેશોમાં રંગભૂમિનો વિકાસ રોમાંચક રીતે થયો છે, એમાં ભારે સાહસો થયાં છે. કરાંચીથી રંગુન સુધીના પ્રદેશો ખૂંદીને ગુજરાતી રંગભૂમિએ નાટકનો જાદુ ફેલાવ્યો અને હિંદી, ઉર્દૂ તથા ગુજરાતી ભાષામાં નાટકો ભજવી બતાવ્યાં. અનેક નામાંકિત ને બાહોશ નટો તેણે સર્જ્યા છે. અનેક પ્રકારની યાંત્રિક કરામતોથી માંડીને વિવિધ પ્રકારની તખ્તા-સજાવટ તેણે દેખાડી છે. તેણે રંગમંચ પર ભડભડ બળતી આગો દેખાડી, વિમાનો ચઢતાં-ઊતરતાં દેખાડ્યાં, મહેલો એકાએક ખડા થતા ને ગાયબ થતા બતાવ્યા, વરસાદની ઝડીઓ વરસતી બતાવી, વહેતી નદીઓ, ઘૂઘવતા સાગરો અને ફાટતા જ્વાળામુખીઓ દેખાડ્યા, વૃદ્ધો બાળકોમાં ફેરવાઈ જતા બતાવ્યા અને પાત્રો ધરતીમાં સમાઈ જતાં પણ દેખાડ્યાં વળી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કહે છે તેમ ગુજરાતી રંગભૂમિએ સાહિત્ય, સંગીત અને કલાની દોઢ સૈકા સુધી અવિચ્છિન્ન રીતે સેવા કરીને ઉત્તમ કલાકારો, કવિઓ ને દિગ્દર્શકો બીજા કોઈ પણ પ્રાંત કરતાં મોટી સંખ્યામાં આપ્યા છે. એનું સ્વરૂપ ઘડનારા મુંબઈના પારસીઓ, સૌરાષ્ટ્રના ગુગળી ને શ્રીમાળી બ્રાહ્મણો ને ઉત્તર ગુજરાતના નાયક-તરગાળા-મીર અને થોડાક મારવાડી કલાકારો, થોડાક મહારાષ્ટ્રીય પણ ખરા. મરાઠી નાટ્યકાર મામા વરેરકર તો કહેતા કે “ગુજરાતી રંગભૂમિ મરાઠી રંગભૂમિચી આઈ આહે.” ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો ગુજરાતીઓ દ્વારા, પણ એ ફૂલીફાલી તો મુંબઈમાં જ. જૂની ગુજરાતી રંગભૂમિનું સૌથી મોટું પ્રદાન તે તેણે આપેલી અસંખ્ય નાટકોની સમૃદ્ધિ. પ્રખ્યાત નાટ્યકાર ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ એમના ‘સતી પાર્વતી’ નાટકમાં કહ્યા મુજબ “નાટક તો ગુણદોષ જોવાનું, દિલડાનું દુઃખ ખોવાનું, ઘડીક હસાવતું, રડાવતું અને બોધ બતાવતું દુનિયાનું રૂડું દર્પણ.” આવાં અસંખ્ય ઐતિહાસિક, ધાર્મિક, પૌરાણિક, સામાજિક અને રાજનૈતિક નાટકો જૂની ગુજરાતી રંગભૂમિ તરફથી આપણને મળ્યાં છે. એ પૈકી મોટા ભાગનાં અપ્રગટ રહ્યાં હોવાથી એના પ્રદાનનો ખ્યાલ આપણને મળતો નથી. જૂની ગુજરાતી રંગભૂમિનું બીજું મોટું પ્રદાન તે તેનાં મનોરંજક ને બોધક ગીતોની સમૃદ્ધિ છે. તેમાં ફાળો આપનાર મુખ્ય સર્જકોમાં નર્મદ, દલપતરામ, રણછોડભાઈ દવે, ‘કાન્ત’, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી, મણિલાલ ત્રિવેદી ‘પાગલ’, ર. વ. દેસાઈ, વૈરાટી, મૂળશંકર મુલાણી, ‘જામન’, નૃસિંહદાસ ભ. વિભાકર, નંદલાલ શાહ, નારાયણ વિ. ઠક્કર, પ્રાગજી ડોસા છે. મારી નજર તળે આવાં દસ-બાર હજાર નાટ્યગીતો આવ્યાં છે, પણ ખરેખર તો આ ગીતોની સંખ્યા વીસ-પચીસ હજારથી વધુ હોવાનો અંદાજ છે. પ્રભુલાલ દ્વિવેદી અને રઘુનાથ બ્રહ્મભટ્ટ-એ દરેકનાં ગીતોની સંખ્યા આશરે પાંચ પાંચ હજારથી વધુ માનવામાં આવે છે. વળી ગુજરાતી જૂની ધંધાદારી રંગભૂમિની ૨૦૦ જેટલી નાની-મોટી નાટકમંડળીઓએ આશરે ૨,૦૦૦ જેટલાં નાટકો ભજવ્યાં હોવાનો અંદાજ છે, અને દરેક નાટકમાં ગીતો સરેરાશ પંદર જેટલાં હોવાનું માનીએ તો પણ કુલ ગીતોની સંખ્યા ૩૦,૦૦૦ જેટલી સહેેજે હોય. એમાં પ્રકૃતિ, પ્રણય, પ્રભુભક્તિ અને દેશભક્તિના વિવિધ ભાવો ગૂંથાયેલા નજરે પડે છે. એમાં ગઝલ, રાસગરબા, કવાલી, હાલરડાં, લગ્નગીતો, મરશિયાં, લોકગીતો, બાળગીતો અને કટાક્ષ-વિડંબન ગીતો પણ છે. એમાં પિતૃપ્રેમ, વતનપ્રેમ, માતૃપ્રેમ, બાળપ્રેમ, નારીપ્રેમ, વિશ્વપ્રેમ, ધરતીપ્રેમ, ગુરુભક્તિ, દેશભક્તિ અને વિદ્યાભક્તિના ભાવો પણ ગવાયા છે. એની વિશિષ્ટતા તો છે સાદી, સરળ ને તળપદી સ્વાભાવિક ભાષામાં થયેલી એની ભાવાભિવ્યક્તિ. એમાં ભાષાનો આડંબર નથી. ભાષાની સરળતા તથા ગીતોની મધુર ગેયતાને લીધે એની વિશિષ્ટતા જે નજરે પડે છે તે એની વ્યાપક લોકપ્રિયતા. આજે જે રીતે સિનેમાનાં લોકપ્રિય ગીતો ગલીએ ગલીએ ને ચૌટેચકલે લોકજીભે ગવાય છે, તેમ રંગભૂમિની જાહોજલાલીના સમયમાં એનાં ય સંખ્યાબંધ ગીતો લોકોની જીભને ટેરવે રમી રહ્યાં હતાં. ‘માલવપતિ મુંજ’ નાટકમાંના પ્રભુલાલ દ્વિવેદીનું ‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી’, ‘વડીલોને વાંકે’ નાટકનું ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,’ ‘એક અબળા’ નાટકનું ‘આ દુનિયા છે દંભભરેલી, ઉપરથી પાલિસ કરેલી’ અને રઘુનાથ બ્રહ્મભટ્ટકૃત ‘સૂર્યકુમારી’ નાટકનાં ‘સોહામણી સ્વર્ગની વાટ એક દિન સોહાવજો હો રાજ’, ‘કોઈ કહેજો જોગીડાને હો રાજ, મધુવનમાં ઝૂરે તારી બાલાજોગણ’, ‘માલવપતિ મુંજ’માંનું ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે’ વગેરે ગીતો અનેક વન્સમોર પામ્યાં હતાં અને નાટ્યપ્રેમીઓના જીભને ટેરવે આજ પર્યંત રમી રહ્યાં છે. વળી, રઘુનાથ બ્રહ્મભટ્ટનાં ‘જો મરણ એ જિંદગીની છે ખરે છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહ શા’, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ, હું તો વેલી લવિંગની’, ‘પ્રેમતત્ત્વ કોઈ અજબ સનાતન વિરલ પ્રેમીજન જાણે’ અને ‘મોગલે આઝમ’ ફિલ્મમાં ચોરાયેલું ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો’ એ ‘છત્રવિજય’ નાટકનું હિંદી ગીત વગેરે અનેક ગીતો આજ પર્યંત લોકપ્રિય છે. આ ઉપરાંત આપણા રાસગરબાને ચોકમાં આણવાનું સૌથી મોટું કામ ગુજરાતી રંગભૂમિનાં નાટકોએ કર્યું છે. તત્કાલીન નાટકોમાં આવતા ગરબા-રાસ પ્રેક્ષકો પર મોટી પકડ જમાવી રાખતા. મિલમાલિકથી માંડીને ફેરિયા સુધીના સૌ કોઈ તન્મય થઈને ત્યારે એ રાસ-ગરબા લલકારતા હતા. આ રાસગરબાએ મનોરંજન આપી સામાજિક પ્રશ્નોની છણાવટ કરી હતી અને લોકમાનસ પર અસર કરી હતી. છોટાલાલ ન. ભટ્ટે ‘રાધાવિલાસ’ની રચના આખી ‘રાસમય’ જ બનાવીને તેમાં ૧૦૫ જેટલા નવાજૂના રાસ ગૂંથ્યા હતા. પછી તો એવું બન્યું કે જૂની રંગભૂમિનું કોઈ પણ નાટક ‘ગરબા’ વગરનું હોઈ શકે એમ કલ્પવું જ અઘરું થઈ પડ્યું. આ બધા રાસો એમના જમાનામાં લોકપ્રિય હતા ખરા, પણ એ બધી રચનાઓમાં નરસિંહ, દયારામ કે ન્હાનાલાલના રાસગરબાના જેવી મોહકતા ને મધુરતા નથી. એટલે એ લોકહૃદય પર ચિરંજીવ કામણ ન કરી શક્યા. ‘વડીલોના વાંકે’ની ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’, ‘સંગતનાં ફળ’ની ‘આવ્યું રૂડું ફાગણનું રાજ’ અને ‘હીરાના હાર’ની ‘મલકાતી મદમાતી શરમાતી મોહભરી, અનુરાગી વરણાગી સોહાગી સુંદરી સોનાના ચોકમાં, રમતી રસસુંદરી’ આદિ રાસરચનાઓમાં ઊંડાણથી જોઈએ તો શબ્દોની ભભક સિવાય કંઈ વિશેષ જણાતું નથી અને એ બોટાદકરકૃત ‘ગુર્જરનારી’ વિષયક રાસ તથા બાલમુકુંદ દવેકૃત ‘ફાગણ ફૂલ્યો’ રાસની સરખામણીમાં ફિક્કા ને ફિસ્સા લાગતા હોવાની કમળા સુતરિયાની માન્યતા ધ્યાનપાત્ર છે. કોઈક કવિ ન્હાનાલાલકૃત ‘ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ જેવી રચનાને બાદ કરીએ તો મોટે ભાગે નાટકોના રાસોમાં ઝમક વગરના શબ્દો, અલંકાર વગરની શબ્દાવલી, શુષ્ક શબ્દોનો સમૂહ અને ચિંતનની બાદબાકી જ જોવા મળે છે. ‘વ્હાલા મારા વંૃદાવનને ચોક્ય કે વહેલા પધારજો રે લોલ’, ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં, મધદરિયે ડૂબ્યાં વા’ણ’, અને ‘આવો રૂડો જમુનાનો આરો, કદંબ કેરી છાયા રે’ જેવી હૃદયંગમ મધુર કૃતિઓ નાટકોના રાસોમાં ગણીગાંઠી જ મળી આવે છે. આમ છતાં, સુંદર વસ્ત્રપરિધાન, ગાયકના કંઠની હલક-મીઠાશ અને તખ્તાની સરસ સજાવટને લીધે એ રાસો ત્યારે લોકપ્રિય બનવા પામ્યા હતા. [‘ગુજરાતી રંગભૂમિનાં ગીતો’ પુસ્તક : ૨૦૦૬]