સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ સંઘવી/પરખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          માનવીનું મન એટલું અતાગ છે અને તેની આજુબાજુની પરિસ્થિતિ એવી સંકુલ હોય છે કે બેમાંથી એકેની તત્કાળ અને સચોટ પરખ કરવાનું કાર્ય અત્યંત મુશ્કેલ હોય છે. પોતાની નિરીક્ષણ-શક્તિ, અનુભવ કે બુદ્ધિપ્રતિભાને કારણે આવી પરખ કરવાની શક્તિ જેનામાં આવે છે તે માણસને માટે આ દુનિયાના બધા દરવાજા ખૂલી જાય છે. નંદ વંશના છેલ્લા રાજવી ધનનંદના સૈન્યમાં અધિકારીનો હોદ્દો ધરાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય પોતાને સહન કરવા પડતાં અપમાન અને અવહેલનાથી અત્યંત દુઃખી થતો હતો, પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તેને સૂઝતો ન હતો. એક વખત નદીકિનારે જતાં તેણે એક વિચિત્ર દૃશ્ય જોયું કે લગભગ પોતાના જેટલી જ ઉંમરનો એક યુવાન બ્રાહ્મણ કાંઠા પર ઊગેલા ધારવાળા ઘાસને ખેંચી કાઢીને તેનાં મૂળમાં થોડું થોડું મધ રેડી રહ્યો હતો. આ અજબ વર્તનનું કારણ પૂછતાં પેલા બ્રાહ્મણે ખુલાસો કર્યો કે સવારે સ્નાન માટે જતી વખતે આ ધારદાર ઘાસથી કેટલીક વખત તેના પગમાં લોહી નીકળે છે, માટે આ ઘાસ જડમૂળથી નાબૂદ કરી દેવા તે મૂળમાં મધ રેડી રહ્યો છે કે જેથી કીડીઓ અંદર ઘૂસીને મૂળને ખાઈ જાય. આટલી તીવ્ર બુદ્ધિમત્તા અને આટલી ચુસ્ત કાર્યનિષ્ઠા ધરાવનાર બ્રાહ્મણ પોતાને ચોક્કસ ઉપયોગી થઈ પડવાનો, તેવું પારખીને ચંદ્રગુપ્તે તેની જોડે મૈત્રી બાંધી અને નભાવી. કુટલક વંશના આ બ્રાહ્મણનું નામ વિષ્ણુગુપ્ત ચાણક્ય. મૌર્ય વંશની સ્થાપના કરવામાં તેણે બજાવેલી કામગીરી ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે.

મોગલ સામ્રાજ્ય આથમી ગયું હતું ત્યારે ભારત પર ચડી આવેલા નાદિરશાહે દિલ્હીમાં ધામધૂમથી પ્રવેશ કર્યા બાદ મહમ્મદ શાહ પાસે તેની બેગમોના નાચમુજરા જોવાની ઇચ્છા દર્શાવી, અને આ નાચગાનની મહેફિલમાં કેવળ નાદિરશાહ એકલો જ હાજર રહે તેવી શરતે આ બાયલા બાદશાહે આવી અપમાનાસ્પદ માગણી પણ કબૂલ રાખી. બેગમો મહેફિલના ઓરડામાં દાખલ થઈ ત્યારે નાદિરશાહ તકિયા પર ઊંઘતો પડયો હતો અને તેનાં હથિયાર તેની આસપાસ વીખરાયેલાં હતાં. તેના જાગવાની રાહ જોતી બેગમો ખૂણામાં ઊભી રહીને ઘુસપુસ કરતી રાહ જોવા લાગી. થોડી વાર પછી નાદિરશાહે પોતાની આંખ ઉઘાડી અને અત્યંત તિરસ્કારભર્યા અવાજે આ બેગમોને કહ્યું કે, “તમારો નાચ મારે જોવો નથી. હું તો હિંદુસ્તાનની ફોજ આટલી બુજદિલ શા માટે છે તેનું કારણ શોધી રહ્યો હતો, અને તે મને મળી ચૂક્યું છે. તમારું આટલું અપમાન કરનાર હું એકલો, ઊંઘતો હોવાનો ડોળ કરીને પડયો છું — છતાં અહીં પડેલું કોઈ હથિયાર ઉઠાવીને મારું ખૂન કરવાની કોશિશ કરવા જેટલી ગરમી પણ તમારા દિમાગમાં નથી! પછી તમારી ઓલાદ આવી નપુંસક થાય તેમાં શી નવાઈ છે?”

ગાંધીજી હરિજન-ફાળા માટે ભારતભરમાં ઘૂમી રહ્યા હતા. દેહરાદૂનમાં આજુબાજુનાં ગામડેથી દર્શને આવેલી સ્ત્રીઓની સભામાં તેમણે નવો ખેલ ચલાવ્યો. ફાળો ભેગો કરવા માટે પોતે સભામાં ઊતર્યા અને ખોબો ધરીને ચાલવા લાગ્યા. ગાંડીતૂર થયેલ ગરીબ સ્ત્રીઓએ તેમના ખોબામાં પાઈ, પૈસો, આનો, અડધો, રૂપિયો, નોટો અને ઘરેણાં નાખવા માંડયાં. ખોબો ભરાઈ જાય એટલે મહાત્માજી હાથ છોડીને એ બધું નીચે પડી જવા દે અને “મારો ખોબો ખાલી છે, ભરી આપો” તેમ કહેતા જાય. પૂરો અડધો કલાક આ ખેલ ચાલ્યો. સભા વિખેરાઈ ગઈ. નીચે પથરાયેલાં નાણાં ઉપાડીને એકઠાં કરી લેવાનું કામ મહાવીર ત્યાગીને સોંપીને મહાત્માજી ચાલ્યા ગયા. પરચૂરણ, નોટો અને દાગીના એકઠા કરીને, તેની યાદી બનાવીને મહાવીરજી ખુશ થતા ઘેર પહોંચ્યા. ત્યાં તો રાત્રો સાડાનવ વાગે તાબડતોબ હાજર થવાનો સંદેશો મળ્યો. ત્યાગી આવી પહોંચ્યા ત્યારે ગાંધીજી અત્યંત ગુસ્સામાં હતા. “કામ માથે લેવા નીકળો ત્યારે કશી જવાબદારી સમજો છો ખરા કે નહિ?” મહાવીર તો બિચારા મોં ફાડીને જોઈ જ રહ્યા. “સભામાં નીચે વેરાયેલું બધું કેમ એકઠું કર્યાં નથી?” મહાવીરે ડરતાં ડરતાં કહ્યું : “જી, બધી જ ચીજો લઈ લેવામાં આવી છે.” “નથી લેવામાં આવી,” ગાંધીજીએ કહ્યું. “કોણે કહ્યું?” એવા ત્યાગીના સવાલના જવાબમાં ગાંધીજીએ એક નાનકડું બૂટિયું ઊંચું કર્યું. “આ બૂટિયું કહે છે. તેની જોડ નથી. બૂટિયું આપવાવાળી બાઈ કંઈ એક જ બૂટિયું આપે નહિ. આની બીજી જોડ ત્યાં ચોક્કસ હોવી જોઈએ; તમને મળી નથી એનો અર્થ એ કે તમે પૂરી તપાસ કરી નથી.” મહાવીર ત્યાગી પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, “રાત્રે કિટ્સન લાઇટો પેટાવીને અમે ઊપડ્યાં, બધી તાડપત્રીઓ ઊલટાવી પૂલટાવીને શોધખોળ કરી. ભગવાનની દયા તે બૂટિયું તો મળ્યું; પણ સાથે પરચૂરણ અને ચોળાયેલી ચૂંથાયેલી નોટો મળીને બસોએક રૂપિયાની રકમ પણ એકઠી થઈ. આ બધું બાપુને મોકલાવ્યું, પણ થોડા દિવસ તો તેમને મોં દેખાડતાં પણ શરમ આવતી.”

ચીનના અત્યંત વિચક્ષણ શહેનશાહ ત્સાઈ-ત્સુંગ એક જેલની મુલાકાતે ગયા હતા. ગંભીર ગુનાઓ માટે લાંબી સજા ભોગવતા કેદીઓને ભેગા કરીને તેમણે એક સવાલ પૂછયો કે, “તમે બધા વરસોથી અહીં છો અને હજુ વરસો સુધી રહેવાના છો. તમને કદી તમારાં બૈરીછોકરાં, સગાંવહાલાંને મળવાનું, તેમની જોડે રહેવાનું મન થાય છે ખરું?” કેદીઓનાં મોં પરની ઉત્કટ આતુરતા જોઈને તેમણે કહ્યું : “હું તમને એક મહિનાની છુટ્ટી આપું તો તમે બધાં પોતપોતાની મેળે પાછા આવશો?” બધાએ હા કહી અને ત્સાઈ-ત્સુંગે આ બધાને મહિના માટે ઘેર રહેવા જવાની છૂટ આપી. મહિના પછી જ્યારે એકેએક કેદી પાછો ફર્યો ત્યારે ત્સાઈ— ત્સુંગે પોતાના ઉચ્ચ અધિકારીઓની સભા બોલાવી. “આવું કઠોર એમનું જીવન હોવા છતાં આપેલું વચન પાળનાર આ કેદીઓને હું મારા રાજ્યના સૌથી પ્રામાણિક માણસો માનું છું. આવા માણસો જેલમાં હોય તેમાં કાં તો સમાજની હલકાઈ છે અથવા મારા વહીવટની ખામી છે.” તેવું કહીને તેમણે વહીવટી અને ન્યાયતંત્રામાં અસંખ્ય સુધારા કરાવેલા. કોઈ પણ માણસને ફાંસી આપવાના હુકમ પર શહેનશાહની સહી હોવી જોઈએ અને આ સહી કરતાં પહેલાં શહેનશાહે આખો દિવસ અપવાસ કરવો પડે, તેવો નિયમ તેમણે ઘડેલો. અમેરિકાની સૌથી નામીચા અને ઘાતકી કેદીઓ સાચવનારી સીંગ સીંગ જેલના અધિકારી જેમ્સ માર્શલ અને તેમનાં પત્નીએ ૨૦-૨૫ વરસ તેમના કેદીઓને ઘણા સમભાવથી સાચવેલા. શ્રીમતી માર્શલ ગુજરી ગયાં ત્યારે ખ્રિસ્તી રિવાજ મુજબ તેમનું શબ ત્રાણ દિવસ દેવળમાં રખાયું હતું. બીજે દિવસે કેદીઓની માગણી આવી : “અમારે શ્રીમતી માર્શલને છેલ્લી અંજલિ આપવા માટે દેવળમાં જવું છે.” લાંબી ગડમથલ પછી માર્શલે આ ભયંકર જોખમ ઉઠાવ્યું. અંધારી રાતે દરવાજા ખૂલ્યા અને ચોવીસ નામચીન ગુનેગારો ત્રાણ માઈલ દૂર આવેલા દેવળમાં ચોકીપહેરા વગર પહોંચ્યા; થોડી વાર માથું નમાવીને ઊભા રહ્યા અને ફરી પાછા તાળાબંધ થવા આવી પહોંચ્યા. આવી પરખ અત્યંત જોખમી હોય છે અને ખોટી પડે તો તેનાં પરિણામો પણ ભયંકર આવે છે. પણ આવા ભયને ગાંઠે અને જોખમથી ગભરાય, તે જિંદગી જાણે અને માણે કેવી રીતે?


[‘નવનીત’ માસિક : ૧૯૭૩]