સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરસિંહ મહેતા/નાનું સરખું ગોકુળિયું
Jump to navigation
Jump to search
નાનું સરખું ગોકળિયું મારે વહાલે વૈકુંઠ કીધું રે;
ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે.
ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાને ના’વે રે;
છાશ વલોવે નંદઘેર, વહાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.
વણકીધે વહાલો વતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રે;
માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકાસી રે.
બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુકિત સરીખી દાસી રે.
[‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’ પુસ્તક]