સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરહરિ પરીખ/વાચન-વિચાર-લેખનના તપસ્વી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          સારા ગુજરાતી ગદ્ય અને પદ્યના નમૂના હું કાકા કાલેલકરને ૧૯૧૮માં વાંચી સંભળાવતો, ત્યારે ‘નવલગ્રંથાવલિ’ના લેખોમાંના વિવિધ વિષય ઉપરના દીર્ઘદૃષ્ટિયુક્ત વિચારો સાંભળી કાકાસાહેબે, મને કહ્યું કે, આ ચારે ચોપડીમાં પડેલા લેખો કોઈ વાંચશે નહીં, અને નવલરામભાઈના વિચારો તો આજે પણ પ્રજા સમક્ષ રહે તે આવશ્યક છે; એટલે તમે એમાંથી તારણ કાઢી સારા સારા લેખો એક પુસ્તકમાં આપો, તો ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓની એક મોટી સેવા થશે. ‘નવલગ્રંથાવલિ’ સૌથી પહેલી હું કૉલેજમાં ભણતો ત્યારે વાંચેલી. તે ઉપરથી ગુજરાતી ભાષાના સામર્થ્યનો ખ્યાલ આવ્યો. નવલરામભાઈએ ગંભીર વિચારો બહુ સાદી ભાષામાં દર્શાવેલા હોઈ, સાહિત્યના અભ્યાસનો આરંભ કરનાર વિદ્યાર્થીને એ બહુ ઉપકારક થઈ પડે એવું એમનું વિવેચન છે. ઉત્તમ વિવેચકનો એક મુખ્ય ગુણ ગોવર્ધનરામભાઈ ગણાવે છે કે “પુષ્પોમાં સામાન્ય દૃષ્ટિને દેખાતું નથી તે મધ શોધવાની શક્તિ ભ્રમરમાં હોય છે, તેમ ગ્રંથોના ગુપ્ત ગુણો શોધનારી સૂક્ષ્મ દૃષ્ટિ પરીક્ષકમાં હોવી જોઈએ.” એ શક્તિ નવલરામભાઈમાં સારા પ્રમાણમાં હતી, અને તેથી તેઓ તેમના જમાનાના ગ્રંથકારોના આદર તથા પ્રીતિને પાત્ર થયા હતા. ‘સુબોધચિંતામણિ’ ગ્રંથ પરનું નવલરામભાઈનું વિવેચન ગુજરાતી સાહિત્યમાં અમર રહી જશે. ‘સુબોધચિંતામણિ’ના લેખક “માત્રા ૨૩-૨૪ વર્ષની જ ઉંમરના અને મધ્યમ કેળવણી પામેલા વલ્લભદાસ શેઠને જાહેર રીતે કવિપદ” આપવાનો અધિકાર નવલરામભાઈ સિવાય બીજા કોઈ વિવેચકે ગુજરાતમાં ભોગવ્યો નથી. જે સાત્ત્વિક અને સાહિત્યનિષ્ઠ પ્રવૃત્તિથી તેઓ વિવેચન કરતા, તે જોતાં એ વચનો વાપરવાનો તેમનો અધિકાર તે વખતે સ્વીકારાતો. જે એવા અધિકારને યોગ્ય હોય છે તેમની એ યોગ્યતા વણમાગી સર્વમાન્ય થાય છે. નવલરામે લગભગ પચીસ વર્ષ જે અખંડ સાહિત્યપ્રવૃત્તિ ચલાવી તેમાં એક પ્રવૃત્તિ ખાસ ધ્યાન ખેંચે છે કે સંસ્કૃતમાંથી કે અંગ્રેજીમાંથી જે કાંઈ જ્ઞાન તેમને મળ્યું, અથવા પોતાના અનુભવમાંથી જે નવા વિચારો તેમને સૂઝ્યા, તેનો લાભ પોતાના દેશબંધુઓને આપવા તેમણે ચીવટપૂર્વક પ્રયત્ન કર્યો છે. પોતાથી ઓછી જ્ઞાનસંપત્તિવાળા પોતાના બંધુઓને મદદરૂપ થવાની ધગશ જોઈ એ વિદ્વાન પ્રત્યે માથું નમ્યા વિના રહેતું નથી. પોતાની બધી સાહિત્યપ્રવૃત્તિ પંડિતમાં ખપવા માટે નહીં પણ આખા જનસમાજને કેળવણી આપવાને અર્થે તેમણે કરી છે. જ્યારે નવલરામના મનમાં લાગ્યું કે હવે અંતકાળ આવ્યો છે, ત્યારે પોતાના પિતાને પાસે બોલાવ્યા, અને પોતાના મરણ પછી પુત્રા તથા સ્ત્રી સાથે કદાચ અણબનાવ થતાં વૃદ્ધ પિતાને પરતંત્રાપણું ભોગવવું ન પડે એ હેતુથી પાંચ હજાર રૂપિયાની નોટો રાખી મૂકી હતી તે દુઃખી ડોસાના હાથમાં મૂકતાં ગદ્ગદ કંઠે કહ્યું : “પિતાજી, જે વખતે આપણા લોકમાં કેળવણીની બૂજ હતી નહીં તેવે સમયે તમારી ટૂંકી રોજીમાંથી કરકસર કરી મને પૂરો વિદ્યાભ્યાસ કરાવવા ખર્ચ કર્યો, તો હું બે અક્ષર ભણ્યો અને કંઈક વિદ્વાનમાં ખપ્યો તેનો બદલો મારાથી વાળી શકાય એમ નથી. તેમ છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ હું તમને આપું છું તે સ્વીકારી મને આશીર્વાદ દ્યો કે મારા આત્માનું કલ્યાણ થાય.” વાંચવું, વિચારવું અને લખવું : એ ત્રણ ક્રિયાઓ, સમુદ્રમાં નિરંતર પાણી ઊછળે એમ, નવલરામના જીવનમાં ઊછળતી હતી. એમના નિષ્કલંક જીવનમાં પ્રથમથી છેલ્લે સુધી અહોનિશ ઉદ્યોગ-તપ તપાયું છે. એ તપનું ફળ પરમાર્થ સિવાય બીજું એમણે ઇચ્છયું નથી. [‘નવલગ્રંથાવલિ’ પુસ્તક]