સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/આજીવન સત્યાગ્રહી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પચાસ વર્ષના જાહેર જીવનમાં વજુભાઈનો ઉત્સાહ કદી ઓસર્યો નથી. ગમે તેવી નિરાશાના વાતાવરણમાં પણ વજુભાઈને મળો એટલે કોઈ નવી પ્રેરણા લઈને જ પાછા ફરો. વજુભાઈનો પ્રેમ એવો કે તે જે કહે તે કર્યા વગર રહી જ ન શકાય. તેમની ખરી વિશેષતા તો કોઈ પણ વિચારને સમજાવવાની કળા. કલાકો સુધી ધીરજથી વાતો કરે. સામા માણસને સમજવા પૂરો પ્રયત્ન કરે. પોતાની વાત તેની હોય એમ લાગે એ રીતે એના હૃદયમાં પ્રવેશે. ગુજરાતમાં અનેક વક્તાઓને સાંભળવાની તક મળી છે, પણ વજુભાઈ તો વજુભાઈ જ. તે ગામડાંના સામાન્ય માણસ સાથેની વાતોમાં તો ખીલે જ, પણ ભણેલાગણેલા વર્ગનેયે તેમની વાતોથી મંત્રમુગ્ધ કરી દે. ગમે તે વિષય ઉપર તેઓ બોલી શકે. જે વિચાર પર તે બોલતા હોય તે વિચાર તેમના હૃદયમાંથી ઊઠતો હોય એવી પ્રતીતિ સાંભળનારને થયા વગર ન રહે. એટલે જ વજુભાઈની વાણી ઝીલતાં કોઈ થાકે નહિ. અને વાતો કરતાં, સામાના હૃદયમાં પ્રવેશતાં થાકે તો તે વજુભાઈ નહિ. દેહથી ભિન્ન આત્મા છે, આત્માની શકિત છે, તેનો સતત અનુભવ કરાવે એવું હતું વજુભાઈનું જીવન. પચાસ વર્ષ સુધી એકધારી દેશસેવા કરતાં કરતાં શરીર ઘસાઈ ગયું ત્યારે પ્રેમપૂર્વક આત્માએ ઓઢેલી “જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા.”