સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલરામ જ. ત્રિવેદી/-યાદ આવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          શ્રી બોટાદકરનાં કાવ્યોમાં સૌથી મોટી સંખ્યા કુદરતનાં ચિત્રો વિશેનાં કાવ્યોની છે. નિર્જીવ પદાર્થોને આત્મસંભાષણ કરતા કલ્પવા, તે પણ એમનાં કાવ્યોમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આવા એક કાવ્ય ‘પતંગ’માં કવિ પતંગ પાસે નીચેના શબ્દો બોલાવે છે : કંઈક કરતાં તૂટે તૂટો હવે દૃઢ દોર આ! હૃદય સહસા છૂટો છૂટો કુસંગતિથી અહા! પરશરણ આ છૂટયે છોને જગત્ સુખ ના મળે! તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઊંડા ભલે પળમાં પડે, જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને. પણ અધમ આ વૃત્તિકેરો વિનાશ અહા! થશે, પર કર વશી નાચી રે’વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે. હિંદને સ્વરાજ્ય મળે તો પછી તેમાં અંદર અંદરની લડાઈઓ જાગે, પરદેશીઓ તેના પર આક્રમણ કરે વગેરે પ્રકારના દેખાડવામાં આવતા ડરની સામે મહાત્મા ગાંધીજીએ કહેલ વચન — હિન્દનો ગુલામી દશામાં ધીમે ધીમે નાશ થાય તે કરતાં તો સ્વતંત્રા થઈને ત્વરાથી તેનો નાશ થાય, તે હું વધારે સારું ગણું — આ લીટીઓ વાંચતાં યાદ આવે છે.