સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાલાલ મહેતા/એ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          એને ઘસઘસાટ ઊંઘ આવે છે. એ સૂવા લાગ્યો કે ઊંઘતાં એને વાર નથી લાગતી; ઊંઘી રહ્યો કે ઊઠતાં વાર નહીં. ભોજનમાં એને સ્વાદ આવે છે. એ પાણી પીએ ત્યારે જાણે ગંગા પીએ છે. ખાધું-પીધું એને બરાબર હજમ થાય છે. એને કામ કરવાનો ઉમંગ રહે છે. પોતાનું કામ કરતાં કરતાં એ બીજાનું યે કામ કહેતાંવેંત કરી દે છે, તેમાંથી હરખ પણ મેળવે છે. એ ચાલે છે ત્યારે જાણે અધ્ધર ઊડતો ચાલે છે; દાદરનાં બબ્બે પગથિયાં સામટાં ચઢે-ઊતરે છે. વગડામાં ફરવા નીકળે ત્યારે વાટમાં પડેલા પાણા ઊંચકી ઊંચકીને દૂર ફેંકે છે. એ ટેકરી જુએ છે — ને દોટ મૂકીને ચઢી જાય છે, ઝાડ દીઠું કે કોઈ ઊંચી ડાળે જઈને બેસે છે, નદી દેખીને ઝંપલાવે છે. એનું લોહી એવા ઉછાળા મારે છે. ક્યારેક ઉજાગરો થયો, તો તેની ખોટ એક જ ઊંઘે પૂરી થઈ જાય છે. ક્યારેક લાંબી મજલ કાપવાની થઈ, તો થોડી વિશ્રાંતિએ એ પાછી તાજગી મેળવે છે. એની આંખો પ્રકાશ ઝીલે છે — ને આપે પણ છે. એના મજબૂત દાંત કશુંક ચાવવા— કચડવા તત્પર હોય છે. મુશ્કેલ કામ પહેલું હાથ ધરવાનો ઉમંગ એને રહે છે; પછી એ અશક્ય લાગે તેને પહોંચી વળવા એ મથે છે. મુશ્કેલીઓનો સામનો કરતાં એ થાકતો નથી. એને નિષ્ફળતાનો ભય નથી, હાંસીનો ડર નથી. એ ક્રોધ નથી કરતો, ફરિયાદો નથી કરતો, વગોણાં નથી કરતો. બીજાંની કદર કરવી એને ગમે છે. એને તમે મળ્યા છો કોઈ વાર?