સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/અનુપમ સખા એન્ડ્રૂઝ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પાંચમી એપ્રિલ ૧૯૪૦ને દિન કલકત્તાની એક હોસ્પિટલમાં દીનબંધુ ચાર્લ્સ ફ્રીઅર એન્ડ્રૂઝે દેહ છોડ્યો. ૨૬ વર્ષની એક મિત્રાચારી પૂરી થઈ. ગાંધીજી સત્યના શોધક હતા. એન્ડ્રૂઝ કરુણાભર્યા સેવક હતા. બંનેને પીડિતોનાં દુ:ખ નિવારવામાં જ ઈશ્વરભકિત દેખાતી હતી. એન્ડ્રૂઝ ભાવુક, કાંઈક ભોળા અને ખૂબ ઉદાર હતા. ગાંધીજી સ્થિરમતિ, ધૈર્યવાળા અને દૃઢનિશ્ચયી હતા. બંનેની પહેલી મુલાકાત દક્ષિણ આફ્રિકામાં થયેલી. ગાંધીજી એમના સત્યાગ્રહમાં ગળાડૂબ હતા અને ગોખલેજીની સલાહથી એન્ડ્રૂઝ અને પિઅર્સન ત્યાં ગયા હતા. પોતાના કામમાં મદદરૂપ થવા આવનાર આ બે અંગ્રેજોનું સ્વાગત કરવા ગાંધીજી ડરબન ગયા હતા. બંદર પર એન્ડ્રૂઝે ગાંધીજીને ઓળખ્યા નહીં. કારણ ત્યાર સુધી તેમણે એમને ફોટાઓમાં પશ્ચિમી વેશમાં જ જોયેલા. પણ ગિરમીટિયાઓ સાથેની કૂચ દરમિયાન એમણે સફેદ લુંગી, કુરતું અને ચંપલ ધારણ કરીને ગિરમીટિયાઓ જોડે સમરસતા સાધવા પ્રયાસ કરેલો. એન્ડ્રૂઝે કોઈકને પૂછીને ગાંધીજીને ઓળખ્યા ત્યારે એ વાંકા વળીને એમને પગે લાગ્યા. ગાંધીજી ત્યારે કાંઈ મહાત્મા નહોતા બન્યા કે એમની અનિચ્છાએ પણ ભક્તજનોનો એમનાં ચરણો પર ધસારો રહે. એમને ખૂબ સંકોચ થયો. ધીરે અવાજે એમણે એન્ડ્રૂઝને કહ્યું: “મહેરબાની કરીને આમ ન કરશો. હું એનાથી બહુ હીણપત અનુભવું છું.” પણ હીણપત અનુભવનારા એકલા ગાંધી જ નહોતા. આ વાત જ્યારે છાપામાં આવી ત્યારે ઘણાય ગોરા લોકો એ વાંચી લાજ્યા હતા. એક અંગ્રેજ કોઈ એશિયાવાસીને પગે લાગે એ વિચારે જ એ લોકો ઊકળી ઊઠ્યા. દક્ષિણ આફ્રિકાના હિંદીઓનો પ્રશ્ન સમજવામાં એન્ડ્રૂઝને વાર ન લાગી. ગાંધીજી તે વખતે ગિરમીટિયાઓના ત્રણ પાઉન્ડના કર અને હિંદીઓના લગ્નને ગેરકાયદેસર ગણવાના કાયદા વિરુદ્ધ લડી રહ્યા હતા. એન્ડ્રૂઝે બેચાર મિનિટની વાતચીત પછી જ ગાંધીજી તરફ વળીને કહ્યું: “તમે એ કાયદા સામે ઊભા થયા છો એ સાવ સાચું કરો છો.” અને તે ક્ષણથી એન્ડ્રૂઝ અને ગાંધીજી રેવરંડ એન્ડ્રૂઝ અને મિસ્ટર ગાંધી મટીને ચાર્લી અને મોહન બની ગયા. તેથી જ એમની પ્રથમ મુલાકાતને ગાંધીજીએ ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’ તરીકે વર્ણવી હતી. અને દક્ષિણ આફ્રિકાની આ મુલાકાતની પોતાની છાપ વર્ણવતાં એન્ડ્રૂઝે થોડા સમય બાદ લખ્યું હતું: “જેમને હું દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર મળ્યો હતો તે મહાત્મા ગાંધીમાં, પોતે કષ્ટ વેઠીને વિજય મેળવવાની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ મને દેખાઈ આવતી હતી. એમની સાથે રહેવાથી મારામાં જે કાંઈ ઉત્તમ હતું તે બધું જાગી ઊઠ્યું. એમણે પોતાના પરમ સાહસમય જીવન દ્વારા મારામાં એવું જ સાહસ જગાવ્યું. “એક વાર ધોમ ધખતી બપોરે હું એમની પાસે એક ઝરણાકાંઠે બેઠો હતો. હું એમની જોડે એવી દલીલ કરતો હતો કે કુદરતે જ જ્યારે ‘જીવો જીવસ્ય જીવનમ્’ વ્યવસ્થા ગોઠવી છે, ત્યારે માણસ પોતાના ખોરાક સારુ બીજા પ્રાણીઓનું ભક્ષણ કરે તો તે કુદરતના નૈતિક નિયમથી વિસંગત નથી. ત્યારે એમણે તરત મારા તરફ ફરીને કહ્યું: ‘તમે એક ખ્રિસ્તી થઈને આવી દલીલ કરો છો? ઈશુ ખ્રિસ્તે બીજાઓની ખાતર પોતાનું બલિદાન આપીને પોતાના જીવનનું સત્ય મેળવ્યું હતું. શું કોઈનો જીવ લેવા કરતાં પોતાનું જીવન સમર્પણ કરવામાં વધુ દૈવી તત્ત્વ નથી?’ એમના એ શબ્દોએ એક ઝબકારા સાથે મને એવી આત્માની ઝાંખી કરાવી કે આ પૃથ્વી વિશે એક ઉત્તમ કક્ષાની ધાર્મિક વિભૂતિ અવતરી છે. એ સ્ત્રીઓ અને પુરુષોનાં દિલ જીતી એમની પાસે કલ્પનાતીત એવાં બલિદાનો અપાવી શકે એમ છે. “દક્ષિણ આફ્રિકાની આખી લડતમાં મેં આના પુરાવા ભાળ્યા. દૂરના આ દેશમાં જુલમથી પીડાતી નાનકડી હિંદી કોમે મને ઈશુના શિષ્યો સહિયારું જીવન જીવતા હતા તેની યાદ અપાવી. ફિનિક્સ આશ્રમ, જ્યાં મહાત્મા ગાંધી અને એમના અનુયાયીઓએ પોતાનું આગવું ધાર્મિક સમૂહજીવન ઊભું કર્યું હતું, ત્યાંની પ્રથમ સંધ્યાએ જ આ વાત મેં જોઈ. ત્યાં તેઓ નાનકડાં બાળકોથી વીંટળાયેલા હતા.” આમ પ્રથમ દર્શને જ ચાર્લી એન્ડ્રૂઝને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે ગાંધીજી પ્રેમ અને કષ્ટસહનનો સંદેશ લઈને અવતરેલા દૂત હતા. એન્ડ્રૂઝની સરળતા, ઊડી ધાર્મિકતા અને દુખિયારા પ્રત્યેની એમની કરુણા ગાંધીજીને સ્પર્શી ગઈ હતી. એન્ડ્રૂઝને ગાંધીજી અન્યાય, શોષણ અને સામ્રાજ્યવાદની સામે જાતે કષ્ટ સહન કરીને સામાનું પરિવર્તન થશે એવી શ્રદ્ધા રાખનારા દૈવી શકિતના અંશ લાગતા હતા. ગાંધીજીને એન્ડ્રૂઝમાં ઉત્તમ અંગ્રેજ અને ઉત્તમોત્તમ ખ્રિસ્તી જન દેખાતા હતા. ગિરમીટિયાઓની સેવા સારુ ગાંધીજીએ એન્ડ્રૂઝને પ્રોત્સાહિત કર્યા હતા. પીડાતા ગિરમીટિયાની આંખોમાં એન્ડ્રૂઝને ઈશુ ખ્રિસ્તની મુખમુદ્રા દેખાતી હતી. પોતે જેની સામે લગભગ આખું આયુષ્ય યુદ્ધ ખેલવાના હતા તે ઇંગ્લૅન્ડમાં ઈશ્વરે શુભ અંશ તો મૂકેલો હોય એવી ગાંધીજીની શ્રદ્ધા હતી. એ શુભ અંશને ગાંધીજી એન્ડ્રૂઝરૂપે મૂર્તિમંત થતો જોતા હતા. જ્યારે જ્યારે પણ એન્ડ્રૂઝ ગાંધીજીની સાથે રહ્યા ત્યારે ત્યારે તેમણે ગાંધીજીના કામને પોતાનાથી બનતો ટેકો આપવો એ જ મુખ્ય કામ કરી દીધું. તેઓ આખો જન્મારો દીનદુખિયારા, પીડિત, ત્રાસિત, દલિત લોકોના દોસ્ત રહ્યા હતા. એટલેસ્તો ગાંધીજીએ તેમને ‘દીનબંધુ’ તરીકે ઓળખાવ્યા હતા. અમદાવાદની એક સભામાં એન્ડ્રૂઝ ફીજીમાં વસતા હિંદના ગિરમીટિયા મજૂરોની સ્થિતિ વિશે બોલવાના હતા. એ સભાના પ્રમુખ તરીકે ગાંધીજીએ એન્ડ્રૂઝસાહેબની ઓળખાણ આપતાં કહ્યું હતું: “તેમનામાં એક પવિત્ર ઋષિના સંપૂર્ણ ગુણો રહેલા છે. ફીજીમાં તેઓ હોટેલોમાં ઊતરતા નહીં તેમજ કોઈ મોટા શ્રીમંતોને ત્યાં રહેતા નહીં, પરંતુ મજૂરોનાં ઘરોમાં તેમની સાથે જ રહેતા અને તેમની રહેણીકરણીનો અભ્યાસ કરતા.” એન્ડ્રૂઝ કૅમ્બ્રિજમાં ભણ્યા અને પાછળથી ત્યાંની યુનિવર્સિટીમાં ભણાવતા હતા. તે વખતે તેઓ સામાન્ય રીતે ભણેલાગણેલા અંગ્રેજો હોય તેવા જ સામ્રાજ્યને વફાદાર હતા. ૧૮૯૭માં તેમને પાદરી નીમવામાં આવ્યા ત્યાં સુધી તેઓ એક સંકુચિત અર્થમાં જ ખ્રિસ્તી ધર્મને સમજતા હતા. એમના એક પ્રાધ્યાપક વેસ્ટકોટે તેમને ખ્રિસ્તી ધર્મ અંગેની વિશાળ દૃષ્ટિ કેળવવા પૂર્વ તરફ નજર માંડતાં શીખવ્યું. વેસ્ટકોટના ચાર ચાર દીકરાઓ ભારતમાં પાદરી થઈને ગયા હતા. એમાંનો સૌથી નાનો બેસિલ ચાર્લીનો ખાસ દોસ્ત હતો, તે ભારતમાં કોલેરાથી મરણ પામ્યો ત્યારે ચાર્લીએ વિચાર કર્યો કે એણે પોતે ભારત જઈને બેસિલનું સ્થાન લેવું જોઈએ. તેથી તેણે ૧૯૦૪માં દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ સ્વીકાર્યું. પશ્ચિમના બીજા મિશનરીઓ કરતાં એન્ડ્રૂઝ નોખા તરી આવ્યા. હડતાળો વખતે તેમણે હિંદી મજૂરોને ટેકોે આપ્યો હતો; અને ગાંધીજી કરતાં પણ પહેલાં તેમણે હિંદ માટે સંપૂર્ણ સ્વતંત્રતાની હિમાયત કરી હતી. એન્ડ્રૂઝના નિધન પછી ગાંધીજીએ લખેલી નોંધનો કેટલોક ભાગ નીચે આપ્યો છે: “ઇંગ્લૅન્ડ પ્રત્યેનો એમનો પ્રેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ્રેજના કરતાં કોઈ રીતે ઊતરે નહીં એવો હતો એમાં શક નથી. અને તે પણ એટલું જ નિ:સંદેહ છે કે હિંદ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હિંદીના પ્રેમની બરોબરી કરે એમ હતો. અંગ્રેજોનાં દુષ્કૃત્યો ભુલાઈ જશે, પણ દીનબંધુનાં વીર સુકૃત્યો ઇંગ્લૅન્ડ અને હિંદની હસ્તી હશે ત્યાં સુધી એકે નહીં ભુલાય. જો દીનબંધુની સ્મૃતિ પ્રત્યે આપણું સાચું વહાલ હોય તો, અંગ્રેજો પ્રત્યે—જેમાં દીનબંધુ શ્રેષ્ઠ હતા—આપણા દિલમાં ડંખ ન રહેવો જોઈએ.”


[‘મારું જીવન એ જ મારી વાણી’ પુસ્તક: ૨૦૦૩]