સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/ખુલ્લું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મૂળ જર્મનીથી આવેલા પાદરી ફાધર કુન્ત્સે બ્રાઝિલના સાઓ પાઓલા શહેરની એક ઝૂંપડપટ્ટીમાં સ્વેચ્છાએ નિવાસ સ્વીકાર્યો હતો. એક વાર દેશના ઉત્તર- પશ્ચિમ ભાગમાં ભયંકર દુકાળ પડ્યો ને લોકો ગામડાંમાંથી ઉચાળા ભરીને શહેર તરફ આવવા માંડ્યા, ત્યારે શહેરના લોકોએ છાપાંને પત્રો લખીને કહ્યું કે શહેરની અનાજની દુકાનો લૂંટાવાનો ભય ઊભો થયો છે, એટલે દુકાનદારોને બંદૂકના પરવાના આપવા જોઈએ. ભૂખે મરતા લોકોના આ પ્રકારના સ્વાગતની વાત વાંચી ફાધર કુન્ત્સના હૃદયમાં જે પીડા થઈ તે તેમને ઉત્તર-પશ્ચિમમાં લઈ ગઈ. ત્યાંના કસ્બાના મુખ્ય દેવળમાં જઈને તેમણે જાહેર કર્યું કે પોતે ૨૧ દિવસના ઉપવાસ પર ઊતરે છે. શરૂઆતમાં તો લોકોએ એમની હાંસી કરી: “ઉપવાસ કરવાથી ભૂખમરો ઓછો જ મટવાનો છે?” પણ ફાધર કુન્ત્સને તો ખૂંચતી હતી નગરજનોની હૃદયશૂન્યતા. તેમણે ચૂપચાપ ઉપવાસ ચાલુ રાખ્યા. બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ. લોકો વિચારવા લાગ્યા: ‘આ તો દક્ષિણનો માણસ. એ આપણી ખાતર કષ્ટ વેઠે છે?’ કોઈ કોઈએ આવીને પૂછ્યું, “અમે શું કરી શકીએ? અમે તમારી જોડે ઉપવાસ પર બેસીએ?” ફાધરે કહ્યું: “ભૂખે મરતા લોકોની પીડ જેમણે ખરેખર પિછાણી હોય તેઓ એક કામ કરે. પોતપોતાના ઘર બહાર એક પાટિયું મૂકી તેની ઉપર આટલું લખી દે: ‘આ ઘર સૌને સારુ ખુલ્લું છે. અમારી પાસે જે કંઈ ખાવાનું હશે તે અમે તમારી સાથે વહેંચીને ખાશું. રોટલામાંથી બટકું બટકું. ને એય નહીં હોય તો સાથે બેસીને ભગવાનની પ્રાર્થના કરીશું’. હવે એક પછી એક ઘરની આગળ ‘ખુલ્લા ઘર’નાં પાટિયાં મુકાવા લાગ્યાં. ૨૧ દિવસને અંતે તો એ શહેરનાં હજારો ઘરો સામે એવાં પાટિયાં મુકાઈ ગયાં ને બંદૂકના પરવાના માગતું શહેર ભૂખ્યા લોકો સારુ ઘર ખુલ્લાં મૂકતું થઈ ગયું. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૪]