સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરંજન ભગત/હેતે ઝાલ્યો હાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના પછી ફોર્બ્સે આયુષ્યના અંત લગી ગુજરાતની પ્રજાને અન્ય અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. ૧૮૪૯માં અમદાવાદમાં ‘નેટિવ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. ૧૮૪૯માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક ‘અમદાવાદ વર્તમાનપત્ર’નું પ્રકાશન કર્યું હતું. (દર બુધવારે પ્રગટ થતું હોવાથી એનું લોકપ્રિય નામ હતું ‘બુધવારિયું’. એનું ૬ રૂપિયા વાષિર્ક લવાજમ હતું, એના ૧૨૫ ગ્રાહકો હતા, એ સ્વનિર્ભર હતું. ૧૮૬૪ લગી એ અસ્તિત્વમાં હતું.) ૧૮૫૦માં હરકુંવરબાઈના સહકારમાં એક કન્યાશાળાનું સંચાલન કર્યું હતું. ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ’નું પ્રકાશન કર્યું હતું. ૧૮૫૦માં ફોર્બ્સ સુરતમાં શહેર સુધરાઈના અમલદાર તરીકે નિયુક્ત થયા હતા. અહીં એમણે ‘એન્ડ્રુસ લાઇબ્રેરી’ની સ્થાપના કરી હતી. એમાં દર બુધવારે સભાનું આયોજન થતું હતું અને વ્યાખ્યાન થતું હતું. વળી દર બુધવારે ‘સુરત સમાચાર’ વર્તમાનપત્રનું પ્રકાશન કર્યું હતું. ૧૮૫૧માં ફોર્બ્સ અમદાવાદમાં આસિસ્ટંટ કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. એમણે ગુજરાતના ઇતિહાસમાં માટે સામગ્રી એકત્ર કરવા માટે ગુજરાત-સૌરાષ્ટ્રનાં અનેક સ્થળે પ્રવાસ કર્યો હતો. ૧૮૫૨માં ફોર્બ્સ મહીકાંઠા એજન્સીમાં પોલિટિકલ એજન્ટ તરીકે નિયુક્ત થયા હતા. આ વર્ષમાં દીપોત્સવી પ્રસંગે ઈડરમાં અનેક કવિઓને પોતાના નિવાસસ્થાને નિમંત્રણ આપીને ‘કવિ મેળો’ યોજ્યો હતો. ૧૮૫૪માં ફોર્બ્સ ત્રણ વર્ષની રજા પર હતા અને ‘રાસમાળા’ લખવા અને એનું ઇંગ્લૅન્ડમાં જ પ્રકાશન કરવા ઇંગ્લૅન્ડમાં રહ્યા હતા અને ૧૮૫૬માં ‘રાસમાળા : ભાગ ૧,૨’નું ઇંગ્લૅન્ડમાં પ્રકાશન કર્યું હતું. ૧૮૬૨માં ફોર્બ્સ મુંબઈમાં હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. મુંબઈમાં એ અતિ લોકપ્રિય હતા. એમને એશિયાટિક સોસાયટીનું પ્રમુખપદ અર્પણ કરવામાં આવ્યું હતું. એનો એમણે વિનયપૂર્વક સ્વીકાર કર્યો ન હતો, પણ એ એના ઉપ-પ્રમુખપદે રહ્યા હતા. મુંબઈ સરકારે એમને મુંબઈ યુનિવસિર્ટીના વાઇસચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. ૧૮૬૫માં મુંબઈમાં મુંબઈના નગરજનો અને સૌરાષ્ટ્રના મહારાજાઓનાં મોટી રકમોનાં દાનની સહાયથી ‘શ્રી ગુજરાતી સભા’ સ્થાપી હતી. ફોર્બ્સના અવસાન પછી એમની સ્મૃતિમાં, એમના સ્મરણાર્થે ‘શ્રી ગુજરાતી સભા’નું ‘શ્રી ફોર્બ્સ ગુજરાતી સભા’ એવું નવીન નામકરણ કરવામાં આવ્યું હતું. ૧૮૬૫માં ૪૪ વર્ષની અતિકાચી વયે ‘બહુ વિચાર કરવાથી, અને ઘણાં કામ સાથે લેવાથી મગજમાં રોગ થયો’ એથી એમનું અવસાન થયું હતું. ફોર્બ્સની જન્મભૂમિ ભલો ઇંગ્લૅન્ડ હોય, પણ એમની કર્મભૂમિ તો ગુજરાત જ. ૨૧ વર્ષની વયે આ સાહિત્ય પ્રિય ઇતિહાસવિદ્ એવા એક અંગ્રેજ અમલદાર તરીકે ભારત આવ્યા હતા. ૪૪ વર્ષની વયે એમનું અવસાન પૂનામાં ભારતમાં જ થયું હતું. ૨૩ વર્ષ લગી એમણે ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતની પ્રજા જ્ઞાનસમૃદ્ધ થાય એ માટે ભારે પરિશ્રમ અને પુરુષાર્થ કર્યો હતો. ૧૮૫૬માં ‘રાસમાળા’નું પ્રકાશન થયું ત્યારે નર્મદે એની પ્રશંસા રૂપે લખ્યું હતું, “ઓ દેશીઓ! આ શાં તમારાં નૂર! તમે કેવા ઊંઘતા અને આળસુ છો કે તમારી પાસે પડેલી તમારી જ ચીજનું તમે બરાબર ભાન નથી રાખી શકતા! પરદેશીઓ એ વસ્તુઓનું ચોખ્ખું ભાન ધરાવે છે, તોપણ એ ઉપર તમે નિઘા નથી કરતા.” તેઓ અંગ્રેજ અમલદાર હતા. છતાં અંગ્રેજી અમલ દરમિયાન જ ૧૮૫૭ના બળવા અંગે એમણે નિર્ભીક અને નિષ્પક્ષ નિવેદન કર્યું હતું : ‘લોકોના ઉપર અનેક પ્રકારના અન્યાય થાય તેથી જ બળવો થયો.’ નર્મદે ફોર્બ્સની મૃત્યુનોંધમાં ‘દાંડિયા’માં લખ્યું હતું, “‘મુંબઈ ક્વાર્ટરલી રીવ્યુ’માં આટિર્કલો લખીને પોતાના વિચાર તે વખતના તપેલા અંગ્રેજોનાથી જુદા હતા તે બતાવ્યા હતા. ભાંગના ક્યારામાં કોઈ વખત તુલસીનો છોડ ઊગી નીકળે છે. તેમ હાલ બેત્રણ વર્ષ થયા ઘણી ચવાયલી અને સઉની દાઢે ચડેલી ‘સિવિલ સવિર્સ’માં પણ જૂના ટોપીવાલાઓમાંના કોઈ બડા અચ્છા સાહેબો નીવડેલા છે. તેવા મરનાર એલેકઝાંડર કી. ફોર્બ્સ સાહેબ થયા. ફક્ત એમણે સાહેબી ભોગવી જાણી નથી. એમણે તો ગુજરાતને જ પોતાનું વતન જાણ્યું છે.” આમ, આ ગુજરાતપ્રેમી અંગ્રેજે ગુજરાતને, ગુજરાતના ભાષાસાહિત્યને, ગુજરાતની પ્રજાને અનેક અર્વાચીન સંસ્થાઓ અને પ્રવૃત્તિઓની ભેટ ધરી હતી. પણ એમની સર્વશ્રેષ્ઠ ભેટ તો હતી દલપતરામ, દલપતરામની અર્વાચીનતા. દલપતરામે નાનપણમાં ગામઠી પ્રાથમિક શાળામાં નહિવત્ ઔપચારિક અભ્યાસ કર્યો હતો. એ અનેક કવિઓની જેમ સ્વશિક્ષિત હતા. એમણે કિશોરવયે જ ઉખાણાં, હડૂલા આદિ કાવ્યસ્વરૂપોમાં કવિતા રચવાનો આરંભ કર્યો હતો. શામળ એમનો પ્રિય કવિ હતો. પછીથી એમણે ફોર્બ્સના સાન્નિધ્યમાં ઉચ્ચ કક્ષાનું અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. દલપતરામના જીવનમાં અને કવનમાં જે નૈતિક મૂલ્યોનો, નૈતિકતાનો આગ્રહ છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણા હતી. પછી એને બૌદ્ધિકતાનું, અર્વાચીનતાનું એક નવું પરિમાણ પ્રાપ્ત થયું એમાં ફોર્બ્સની પ્રેરણા હતી. દલપતરામે ‘રાસમાળા’ માટે ગુજરાતના ઇતિહાસની સામગ્રી-હસ્તપ્રતો, કંઠસ્થ લોકગીતો અને લોકકથાઓ આદિ-એકત્ર કરવા ફોર્બ્સની સાથે ગુજરાતમાં સ્થળે સ્થળે પગપાળા પ્રવાસો કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન દલપતરામને લોકમાનસનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. એમનાં પદ્ય અને ગદ્ય લખાણોમાં-સવિશેષ હાસ્યનાં કાવ્યો અને નાટકોમાં-એ પ્રગટ થયો છે. ફોર્બ્સ દ્વારા એમને પશ્ચિમનો અને પશ્ચિમનાં અર્વાચીન જીવનમૂલ્યોનો ગાઢ પરિચય થયો હતો અને એમની ઇતિહાસ-દૃષ્ટિ ખૂલી-ખીલી હતી. ફોર્બ્સે દલપતરામને નિબંધો લખવાનો આગ્રહ કર્યો હતો. ૧૮૫૦માં એમણે ઇનામી સ્પર્ધા માટે ભૂત-પ્રેત આદિનો ભ્રમ ભાંગવા માટેનો ‘ભૂતનિબંધ’ લખ્યો હતો અને એ ઇનામ જીતી ગયા હતા. ગુજરાતી ભાષાનો આ પ્રથમ નિબંધ હતો. પછીથી ફોર્બ્સે એનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. દલપતરામને સહજાનંદ સ્વામીની ‘શિક્ષાપત્રી’નો અનુભવ તો હતો જ. પછીથી એમણે જીવનભર ગુજરાતના સમાજનાં દોષો અને દૂષણો-મદ્યપાન, બાળલગ્ન, જ્ઞાતિ, કુસંપ, કુટેવ આદિ-વિશે અનેક નિબંધો લખ્યા હતા. આ નિબંધોની અનેક આવૃત્તિઓનું પ્રકાશન થયું હતું. પછીથી દલપતરામે બે દાયકા લગી ગદ્યમાં માત્ર નિબંધના સ્વરૂપમાં જ નહિ પણ વાર્તા અને સંવાદ તથા નાટકનાં સ્વરૂપોમાં પણ અઢળક સર્જન કર્યું હતું. દલપતરામના આ ગદ્યગ્રંથોનું અનેક આવૃત્તિઓમાં પ્રકાશન થયું હતું. એમાં એમનું હાસ્યપ્રધાન નાટક ‘મિથ્યાભિમાન’ મુખ્ય છે. રમણભાઈએ ગુજરાતી ભાષામાં પ્રથમ હાસ્યપ્રધાન નવલકથા ‘ભદ્રંભદ્ર’ રચી તે પૂર્વે ૧૮૬૯માં દલપતરામે આ નાટક રચ્યું હતું. ગુજરાતી ભાષાનું આ પ્રથમ નાટક છે. જેમાં મૂર્ખતા અને ધૂર્તતાનું વિચિત્ર અને અદ્ભુત મિશ્રણ છે એવું જીવરામ ભટ્ટનું પાત્ર એ દલપતરામનું એક ચિરંજીવ સર્જન છે. [‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૨૦૦૬]