સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નિરુપમા શેઠ, અજિત શેઠ/એક વિધવાને કારણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          શસ્ય શ્યામલ બંગાળ. એક નાનકડું ગામ ભાગલપુર. ૧૮૯૭ની એક સમી સાંજ છે. સાહિત્યરસિકોની મંડળી જામી છે — વિભૂતિ અને તેના થોડા મિત્રો. એક યુવતી પણ ત્યાં હાજર છે અને પડદા પાછળ બેઠી બેઠી સાહિત્યગોષ્ઠિમાં ભાગ લઈ રહી છે. વિભૂતિની તે બહેન છે ને લખવાનો તેને શોખ છે. તેનું લખાણ વંચાય છે. મંડળીમાંનો એક લાંબો પાતળો યુવાન એ યુવતીના લખાણથી પ્રભાવિત થાય છે. પોતાની રચના પણ એ સંભળાવે છે. એ સાંભળતાં યુવતી જાણે ખોવાઈ જાય છે. એ યુવતીનું નામ નિરુપમા, જે પાછળથી બંગાળી સાહિત્યમાં નિરુપમા દેવી નામે પ્રસિદ્ધ થયાં. ‘દીદી’, ‘વિધિલિપિ’, ‘અન્નપૂર્ણાનું મંદિર’ વગેરે એમનાં પુસ્તકો જાણીતાં છે. સાહિત્ય અને કલામાં રસ ધરાવતા કુલીન પરિવારમાં એ ઊછરેલાં. પેલો લાંબો સરખો યુવાન તે શરદચંદ્ર. મિત્ર વિભૂતિના પરિવારમાં તે કુટુંબીજનની જેમ ભળી ગયેલો. નિરૂપમાની સાહિત્યપ્રતિભાથી તેના તરફ આકર્ષાયેલો. પણ તેને પ્રત્યક્ષ નિહાળવાનો અવસર કદી મળ્યો ન હતો. બધો વ્યવહાર પર્દા પાછળથી. સૈકા પહેલાંનો હિંદુ સમાજ. સ્ત્રીઓને ઘૂમટામાં જ રહેવાનું. એવામાં એક દુર્ઘટના બની. પંદર વરસની વયે વિધવા બનીને નિરૂપમા પિતૃઘરે પાછી ફરી. અકાળે વિધવા બનેલી બહેનનો આઘાત સહેતા વિભૂતિને આશ્વાસન આપવા મિત્રો અવારનવાર આવતા. એ રીતે શરદચંદ્ર પણ કલાકો વિભૂતિ સાથે ગાળતા. તેમાં અનાયાસે નિરૂપમાને સદેહે નિહાળવાનો અવસર એમને સાંપડ્યો. નિરૂપમાની સાહિત્યપ્રીતિ અને કલમશક્તિ તરફ તો આકર્ષણ હતું જ. હવે તેના રૂપથી મુગ્ધ બનીને શરદચંદ્ર તેના સ્નેહમાં પડી ગયા. પણ તે સમયના રૂઢિચુસ્ત બંગાળી સમાજમાં કિશોરી વિધવાને પોતાના શેષ જીવનકાળમાં કોઈને પ્રેમ કરવાનો, કોઈનો યે પ્રેમ સ્વીકારવાનો ક્યાં અધિકાર હતો? યુવાન શરદચંદ્ર મનોમન મૂંઝાતા રહ્યા. અને આ મુગ્ધ પ્રણયની વેદનામાં એમણે એક વાર્તા લખી નાખી : ‘અનુપમાનો પ્રેમ’. તેનું વિષયવસ્તુ નિરૂપમાના જીવનને નખશિખ મળતું આવે છે.

એક દિવસ ઘરમાં નિરુપમા એકલી છે. સૌ કોઈ કામેકાજે બહાર ગયું છે. શરદ બહાર લખવા-વાંચવામાં મગ્ન છે. અચાનક… કોણ જાણે કેમ, શરદ પોતાનું મન ખાળી શક્યા નહીં. ઘરની અંદર પ્રવેશી નિરુપમા સામે આવી ઊભા રહી ગયા. પ્રેમ ક્યારેક દુસ્સાહસી બની જાય છે. બોલ્યા : “કેમ છો?” અત્યંત ધર્મપરાયણ વિધવા શરદને સહસા જોઈ હતપ્રભ થઈ ગઈ. એક પળ પણ યુગ જેવી થઈ ગઈ. પછી સાહસ કરી ખૂબ મહેનતથી બોલી : “મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાવ. તમારે અહીં ન આવવું જોઈએ…” અને શરદ ધીરે ધીરે પાછા વળી ગયા, નત મસ્તકે ચાલ્યા ગયા. વેદના સહન ન થતાં થોડા દિવસમાં ભાગલપુર હંમેશ માટે છોડ્યું. પ્રથમ પ્રીતિની નિષ્ફળતાથી ઊમિર્મય હૃદય કંપી ઊઠ્યું. ભાગલપુર છોડ્યું અને શરદ સાવ રખડુ થઈ ગયા. આ નિરાશા અને આઘાતમાં તે સાહિત્યનો આશરો લે છે. તેની કલમે એક પછી એક નવલકથા રચાયે જાય છે. તેમની કથાઓની સર્વ વિધવા નાયિકાઓમાં નિરુપમાના ચરિત્રની પ્રચ્છન્ન છાપ છે. કદાચ આ કારણે જ પોતાની રચનાઓમાં તેઓ વિધવા સ્ત્રીના તેના પ્રેમી જોડે ક્યારેય વિવાહ કરાવી શક્યા નહીં. [‘કોરેલ ગ્રામ અને નિરુપમા દેવી’ પુસ્તિકા]