સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નીના ભાવનગરી/સંસ્કૃત કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પુષ્પદન્ત-વિરચિત ‘શિવમહિમ્ન : સ્તોત્ર’ એક લોકપ્રિય સ્તોત્ર છે. એમાંનું એક પદ્ય તો શિવભક્તોના નિત્યપાઠનો અંશ બની ગયું છે : અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિન્ધુપાત્રે સુરતરુવરશાખાં લેખિની પત્રમુર્વીમ્, લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં, તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ. શ્યામગિરિ સમુ કાજળ સમુદ્રના પાત્રમાં કાલવીને, કલ્પવૃક્ષની ડાળીને કલમ બનાવીને, પૃથ્વી જેવડા વિશાળ કાગળ પર સ્વયં શારદા સદાકાળ લખ્યા કરે, તોપણ હે ઈશ! તમારા ગુણોનો પાર ન આવે. ભર્તુહરિના ‘વૈરાગ્યશતક’માં તીવ્ર વિરાગની ભાવના આલેખતાં પદ્યો છે, વૈરાગ્યની ભાવના વિના બધા ભોગવિલાસ નિરર્થક છે, એવો ભાવ સૂચવતું આ પદ્ય જુઓ : “બધી ઇચ્છાઓ પૂરનારી લક્ષ્મી પ્રાપ્ત થઈ, તેથી શું? દુશ્મનોને વશ કરી લીધા, તેથી શું? વૈભવના પ્રભાવથી સ્નેહીજનો આવી મળ્યા, તેથી શું? દેહધારીઓના દેહ અમર થઈ ગયા, તેથી શું?” વિશ્યાપેભોગ અને મનુષ્યજીવનની નશ્વરતાને વેધક રીતે વર્ણવતું આ પદ્ય જુઓ : ભોગા ન ભુક્તા : વયમેવ ભુક્તા : તપો ન તપ્તં વયમેવ તપ્તા : કાલો ન યાતો વયમેવ યાતા : તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા : ભોગો નથી ભોગવાયા, આપણે જ ભોગ બની ગયા. તપ નથી તપાયું, આપણે જ સંતાપ પામ્યા. કાળ નથી વીત્યો, આપણે જ (મૃત્યુ તરફ) ગતિ કરી છે. તૃષ્ણા જીર્ણ નથી થઈ, આપણે જ જીર્ણ થયા છીએ. [‘સંસ્કૃત ઊર્મિકાવ્યો’ પુસ્તિકા : ૨૦૦૬]