સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/ભારતસંતાનોનો નિત્યધર્મ
ભારતનાં સંતાનો! સાગરને તીરે એક બંદર છે. બંદરમાંથી સેંકડો નૌકાઓ દિશદિશામાં સફર ખેડવા સંચરે છે. કોઈ માલ લઈને જાય છે, કોઈ માલ લઈને આવે છે. ભારતના બંદરેથી શો માલ લઈ જઈને જગ-બંદરોમાં આપશો? નિકાસ ને આયાત તમે શેની કરશો? કાળ ને અવકાળના મહાસાગરોને ખેડનારી તમે આત્મનૌકાઓ છો : શું લાવશો? ને શું શું લઈ જશો? ભારતના આધ્યાત્મ-વહેવારિયાઓ! ભારતની અધ્યાત્મ-સંસ્કૃતિનો વેપાર ખેડજો. હા, ભારતનો ભાર તમારે માથે છે; ભારતનું ભલું તમારા ભાગ્યમાં છે. પણ ભારતનો ઉદ્ધાર ભારતવાસીઓને કાજે જ વાંછવો, તેયે શું એક સ્વાર્થ નથી? ઉમદા સ્વાર્થ છે, પણ સ્વાર્થ જ છે. શાણાઓ કહે છે કે આજ ભારત દુખી છે, તેમ જગતેય દુખી છે; આજ ભારત ભૂલું પડ્યું છે, તેમ જગતેય ભૂલું પડ્યું છે. જગતના ઉદ્ધારને કાજે, માનવજાતિનાં શુભને કાજે, ભારતનો ઉદ્ધાર વાંછજો!
જેવો વ્યક્તિધર્મ છે, નગરધર્મ છે, પ્રાંતધર્મ છે, દેશધર્મ છે, તેવો જ જીવનનો ‘જગત’ધર્મ પણ છે. જેવો કાળધર્મ છે, તેવો શાશ્વત ધર્મ છે. આપણો ભારતસંતાનોનો શાશ્વત ધર્મ કિયો? ભારતપ્રસાર એ જ સહુ ભારતવાસીઓનો શાશ્વત ધર્મ. ભારતની અધ્યાત્મવલ્લભ સંસ્કૃતિ આત્મામાં ભરવી, ભારતીય સંસ્કૃતિને પોશક અધ્યાત્મતત્ત્વ જગતસંસ્કૃતિઓમાંથી ભારતમાં આણવું, અને એ અધ્યાત્મસમૃદ્ધ ભારતસંસ્કૃતિ જડવલ્લભ જગતમાં વિસ્તરવી : ભારતીય હો તે સહુનો એ નિત્યધર્મ છે. ખંડખંડમાંથી યુગયુગમાંથી ભારતીય સંસ્કૃતિને પોશક અધ્યાત્મતત્ત્વનાં સાત્ત્વિક ધન નૌકાઓ ભરીભરી આણવાં, ભારતીય સંસ્કૃતિનાં સાત્ત્વિક ધન મહાનૌકાઓ ભરીભરી દેશદેશે પ્રજાપ્રજાને પાઠવવાં : એ જ ભારતવાસીઓનો શાશ્વત ધર્મ. ભારતભોમના વાસીઓ! સુણશો?-આતુર જગત આમંત્રે છે : ઊઠ, ઓ ભરતગોત્ર! તુજ વાટ જુવે જો! જગત કાળને ઘાટ. [‘સંસારમંથન’ પુસ્તક]