સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પટ્ટાભી સીતારામૈયા/ત્યાં સુધી —

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિદાય પછી ભારતમાં બ્રિટિશ સરકારના સીધા શાસનની સ્થાપના થઈ. તેમાં પણ પ્રજા પરના અન્યાયો ચાલુ રહ્યા. ખેડૂતો પર ત્રાસ, ગરીબી, લૂંટ વગેરે જુલ્મો, વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ, દુકાળ... એમ લોકો પીડાતા રહ્યા. તે કાળે એલન હ્યુમ નામના એક અંગ્રેજ અહીં સરકારના મોટા અધિકારી હતા. આટઆટલી બરબાદી છતાં આ દેશના લોકો અન્યાયનો સામનો કરવા માટે જાગતા કેમ નથી, તેનું એમને અચરજ અને દુઃખ હતું. તેમને લાગ્યું કે ભારતના લોકોનું એક એવું સંગઠન હોવું જોઈએ, જે એમનાં દુઃખોનો પડઘો પાડે અને સરકારના કારભાર સામે માથું ઊંચું કરે. પણ તેમણે જોયું કે આ દેશના લોકો નિષ્ક્રિય છે, અંગત સ્વાર્થ અને નાનીનાની વાતોમાં ગૂંચવાયેલા રહે છે. એ હ્યુમના પ્રયત્નોથી ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસનો જન્મ થયો. તે પહેલાં બેએક વરસે એલન હ્યુમે કલકત્તા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક ખુલ્લો પત્રા લખ્યો હતો અને ભારતના યુવાનો તથા સમસ્ત પ્રજાને સંગઠિત થવાની હાકલ કરેલી. એ પત્રામાંથી થોડો ભાગ નીચે આપ્યો છે : “આ દેશના આગળ પડતા ને વિચારવાન લોકો પણ જો એટલા પામર હોય, અથવા પોતાના અંગત સ્વાર્થમાં એટલા રચ્યાપચ્યા રહેતા હોય, કે પોતાના દેશનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત ન જ થઈ શકે, તો પછી પરદેશીઓ તેમને કચડે તે સ્વાભાવિક છે. પ્રત્યેક પ્રજાને પોતાની યોગ્યતાના પ્રમાણમાં જ સારી કે નરસી રાજ્યવ્યવસ્થા પ્રાપ્ત થતી હોય છે. આ દેશના નવનીત સમાન અને ઊંચી કેળવણી પામેલા લોકો પણ જો એશઆરામ અને સ્વાર્થ ફગાવી દઈને સ્વતંત્રતા મેળવવા માટે ખંતભેર પ્રયાસ કરી શકતા ન હોય, તો તેનો અર્થ એટલો જ કે હિંદ અત્યારે જે રાજવહીવટ હેઠળ છે તેનાથી સારો અમલ તેને જોઈતો નથી, કે એ માટે તેની યોગ્યતા નથી. પ્રજાકીય કામો કરવા માટે જરૂરી ઉત્સાહ જો તમારામાં ન હોય, સામાજિક કલ્યાણ માટે મચી પડનારા ઉચ્ચ કોટિના પરમાર્થનો તમારામાં અભાવ હોય, અંગ્રેજોએ જેને કારણે આજે પોતાનું સ્થાન સિદ્ધ કર્યું છે તે સ્વદેશપ્રેમ જો તમારા હૃદયમાં વસતો ન હોય, તો પછી તેઓ તમારી પર રાજ્ય ચલાવે એ સ્વાભાવિક છે. સ્વાર્થના ત્યાગથી અને બીજાંની સેવાથી જ સુખ પ્રાપ્ત થાય છે એવું ભાન તમને જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી એ લોકો તમારી ઉપર રાજ કરવાના, તમારી પાસે વેઠ કરાવવાના જ — પછી ભલે તેમની ધૂંસરી તમને ગમે તેટલી ડંખતી હોય.”