સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પરમાનંદ કું. કાપડિયા/વિરલ ગુણાઢ્યતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          અભ્યાસની ઉજ્જ્વળ કારકિર્દી પછી ધંધાવ્યાપારમાં જે જઈ શક્યા હોત, તે વૈકુંઠભાઈ લ. મહેતાનું ખેંચાણ પહેલેથી સામાજિક અને સાર્વજનિક પ્રવૃત્તિ તરફ હતું. તે જમાનાના મુંબઈ ઇલાકામાં સૌથી ટોચની ગણાતી બોમ્બે પ્રોવિન્શિયલ કો-ઓપરેટીવ બૅન્કમાં તે ૧૯૧૩માં જોડાયા, આગળ જતાં મેનેજિંગ ડિરેક્ટરના પદે પહોંચ્યા, અને કુલ ૩૩ વરસ સુધી તેમણે ત્યાં કામ કર્યું. સહકારી પ્રવૃત્તિને તેમણે પોતાના જીવનના એક મિશન તરીકે સ્વીકારી હતી. હરિજનોના ઉદ્ધારને લગતા આંદોલનમાં એમણે ૩૦ વરસથી વધુ સમય લગી સેવા આપેલી. ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ સાથે પણ તેઓ ગાઢપણે સંકળાયેલા રહેલા અને ગાંધીજીનો આદર મેળવી શકેલા. સહકારી તેમ જ સામાજિક ક્ષેત્રે તેમણે વરસો સુધી બજાવેલી સેવાની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને ૧૯૧૬માં કૈસરે હિન્દનો રજત ચંદ્રક, અને આગળ જતાં સુવર્ણ ચંદ્રક પણ અર્પણ કરેલો. પણ ૧૯૨૦માં સરકારે અખત્યાર કરેલી દમનનીતિના વિરોધમાં વૈકુંઠભાઈએ બંને ચંદ્રકો સરકારને પરત કરેલા. પોતાની ઘણી અનિચ્છા છતાં, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના આગ્રહને વશ થઈને વૈકુંઠભાઈ ૧૯૪૬માં મુંબઈ રાજ્યના કોંગ્રેસી પ્રધાનમંડળમાં જોડાયેલા. નાણામંત્રી તરીકે છ વરસ કામ કરીને એક કુશળ અર્થનિષ્ણાત તરીકે એમણે સારી નામના મેળવી હતી. પ્રગાઢ વિદ્વત્તા, ઊડી કાર્યનિષ્ઠા, અપૂર્વ નમ્રતા, મિતભાષિતા અને આદરપ્રેરક પવિત્રતા: આવી તેમની ગુણાઢ્યતા ગુજરાતમાં તો શું—ભારતભરમાં વિરલ ગણાઈ છે.