સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પિંગળશી મે. ગઢવી/ભવનું ભાતું

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મોટે મળસકે નરી શાંતિ છવાઈ ગઈ હોય, શીતળ પવનની મીઠી લહરથી રાત ઠરતી આવતી હોય, જળથળ જંપી ગયાં હોય, ત્યાં અવાજ આવે : અન્ન સમાન નહિ ઓખદી, જરણા સમો નહિ જાપ, કૃષ્ણ સમો નહિ દેવતા, નિંદા સમો નહિ પાપ. ભજ મેના રામો નામ હરિ…રા…મો ના…મ હરિ. પ્રભાતનો રાગ સાંભળતાં જ અડોસપડોસની બાઈઓ-બહેનો ઝબકીને જાગી જાય અને એકબીજીને કહેવા લાગે : “ઊઠો ઊઠો, બાઈયું! ઘંટીએ બેસવાનું ટાણું થઈ ગયું. જુઓ, મૂળુ આતા ઊઠ્યા!” વા ચૂકે, મે’ ચૂકે, પણ મૂળુ આતાના ઊઠવાના ટાણામાં ફેર ન પડે. મેર લોકો ચારણોને ‘આતા’ કહે છે. છત્રાવા ગામના દેવીપુત્ર મૂળુ આતા ખેડુ છે. પોતે ઈશ્વરની મોટી કૃપા માનતા કે એક તો ચારણને ખોળીએ અવતાર, અને વળી ખેતીનો ઉત્તમ ધંધો આપ્યો છે — જે ધંધો કોઈના ઘરમાં ખાડો પાડયા વિના એક કણનું અનેકગણું કરી આપે છે. બીજા ધંધામાં તો કોઈકના ઘરમાં ખાડો પડે ત્યારે આપણા ઘરમાં આવે. ખેડુને માટે તો ઈશ્વરને ઘેરથી જ ચિઠ્ઠી ફાડવાની. જાતમહેનત કરીને રોટલો રળવો, કોકને ખવરાવીને ખાવું, એના જેવું બીજું સદ્ભાગ્ય કયું? મૂળુ આતા હંમેશાં વહેલા ઊઠી, દાતણપાણી કરી, પ્રભાતિયાં ગાતા ગાતા આખું ફળિયું વાળે. માથે પાણીનો છંટકાવ કરી પંખીડાંને ચણ નાખે. પછી ઢોરને વાડે આવે ત્યાં પાવડીથી પોદળા ખસેડીને ઢોરને નીરણપૂળો કરે. મોંસૂઝણું થતાં ખભે કાવડ લઈને ભાદર નદીએ જાય. ભદ્રાવતીની સ્તુતિ કરે. સ્નાન પતાવી, પાણીની કાવડ ભરી ઘેર આવે. ચકલાંનાં કૂંડિયાં ઘસી વીછળીને તાજું પાણી ભરે. ત્યારબાદ લોટની ટોપલી લઈ ઓસરીની કોરે થાંભલીને ટેકે બેઠા બેઠા બેરખો ફેરવે ને લોટિયાંને લોટ આપે. લોટિયાં આવી ગયા બાદ શિરામણ કરવા બેસે. પછી લાંબા હાથાવાળી કોદાળી લઈને ઊપડે ખેતર ભણી. રસ્તામાં જ્યાં ખાડા, ખાબોચિયાં, પથરા, કાંટા નડતર કરતાં હોય તેને શોધી શોધીને, કોઈ મોક્ષપંથનો વટેમાર્ગુ કામ-ક્રોધ ને ઈર્ષા-તૃષ્ણાનાં જાળાં સાફ કરતો હોય તેમ, રસ્તાને સમારતા જાય. કહે કે, “એ મૂંગા જીવ બિચારા કોને કહેશે કે, આ વાટના ખાડાના ઓચિંતાના આંચકાથી અમારી કાંધ ભાંગી પડે છે?” રસ્તે ખેતર ગમે તેનું હોય — શેઢાના છોડવા ઢળી પડ્યા હોય તો ઊભા કરી, પાંદડાંની આંટી વાળી ઊભડી કરી દેવાની. પોતાને ખેતરે પહોંચીને જ્યાં સાંતી ચાલતું હોય ત્યાં જાય. બળદને માથે હાથ ફેરવે, ઈતરડી-ગિંગોડા વીણે. માણસને પૂછતા હોય એમ બળદને પૂછે : “કેમ બાપા! આજ ભૂખ્યા છો?” સાથીને પૂછે : “સાંગણ! આજ મોડો ઊઠ્યો’તો? ખેડુના દીકરાથી દિવસ ઊગતાં સુધી નીંદર ન ઘોરાય. આમ ભૂખ્યે પેટે એનાથી ધૂળના લાદા ક્યાંથી ઢરડાય? હવે આજ એને વે’લેરા છોડી નાખજે, હો ભાઈ! અને એક વાત ભૂલવી નહિ — સાંતીએથી બળદને છોડીએ ત્યારે એના મોઢાનાં ફીણ લઈને કાંધે ચોપડી દેવાં.” આમ વાતો કરતાં કરતાં દાંતા-ડાઢા તપાસે : કસૂતર તો નથી ને? જોતરની ડોઈ જુએ : ટૂંપો તો નથી આવતો ને? ધૂંસરી કાંધ ઉપર ચડી જાય એટલી બધી ઢીલી તો નથી ને? અનેક ભલામણ કરે. બળદને એકાંતરા તેલની નાળ વાળવાનું કહીને ઓથે આવે, ગમાણ સાફ કરે, ઓગાસના પૂળા વાળી ઓઘામાં ખડકે. મૂતરના ખાડામાં ધૂળ ભરે. પછી ઘર તરફ વળે ને વળી સાથી પાસે આવીને કહે, “સાંગણ! ઢાંઢાને હાંકતી વેળા જબાન સારી રાખીએ. બળદને ગાળો દેતાં હોઈએ, ને ખડ લેતી બાઈયું-બોનું સાંભળે ઈ કેવું ખરાબ લાગે! ‘મર! મર!’ને બદલે ‘હાલો, મારા બાઈ! હાલો, મારી જિવાઈ!’ એમ કહીએ તો પણ એટલી જ વાર લાગે. સારું વેણ નીકળે તો સાંસતું કાઢીએ જ નહીં.” વળતા દિવસનાં કામોની ભલામણ કરીને બપોરટાણું થાય ત્યાં ઘેર આવે. રોટલા ખાય ને ઘડીક આડો વાંસો કરે. ટાઢો પો’ર ઢળતાં ગામને ચોરે જાય. રસ્તામાં બાઈઓ-ભાઈઓ જે કોઈ સામાં મળે એમને “રામરામ સીતારામ” કહેતા જાય. માણસ માણસને સામું મળે, તો કાંઈ ઢોરની જેમ મૂંગુંમૂંગું ચાલ્યું જવાય છે? ચોરે આવીને બેઠા બેઠા આતા બેરખો ફેરવે. સાંજ પડતી જાય એમ માણસો આવતાં જાય. બેરખો ફેરવતાં ફેરવતાં એમની સાથે વાતો કરતા જાય. પોતે અભણ, એટલે સાદી સીધી એની વાત : “દેને કુ ટુકડા ભલા, લેને કુ હરિનામ. બને તો પાંચ માળા કરવી. સ્થિતિ પ્રમાણે આપણો હાથ લંબાવવો. કોક કહેશે કે, આપણે ગરીબ માણસ શું કરીએ..? ભલે આપણે તળાવ ન બંધાવી શકીએ, પણ પોતાની ઝૂંપડીને નેવે સીકું બાંધી, ઘડાની ઠીબ મૂકીને બે કળશિયા પાણી તો રેડી શકીએ ને? પંખીડાં આવીને ત્યાં પાણી પીએ, ઈ આપણું તળાવ! દળણું દળીને જે સોંણ-ઝાટકણ ચપટી ચાંગળું નીકળે, તે ચકલાં ચણી જાય એવે ઠેકાણે નાખીએ; ઠામ-વાસણનો એઠવાડ કૂતરાંની ચાટમાં નાખીએ, એ આપણું સદાવ્રત. મોટી ધર્મશાળા ભલે ન બંધાવી શકીએ, પણ બે-ચાર ઝાડવાં તો આપણે ઉજેરી શકીએ ને? એ આપણી ધર્મશાળા — જેને દરવાજો જ નહિ. ગમે તે અને ગમે ત્યારે આવે ત્યાં પોરો ખાવા. આપણા સ્વાર્થ માટે કેટલાં ઝાડ કાપી નાખ્યાં હશે, એનો કોઈ નેઠો (હિસાબ) ખરો? જેટલાં કાપ્યાં એટલાં તો નહીં, પણ બે-પાંચ તો ઉજેરી જવાં, કે પાછલાંને કામ આવે.” કોઈ કહે, “મૂળુ આતા! આપણી આ ખારચ જમીનમાં ઝાડ ઊજરતાં નથી!” તો મૂળુ આતા સમજાવે : “એવું નથી, ભાઈ. ભગવાને જેવી જમીન બનાવી છે, એમ એને ભાવે તેવી વનસ્પતિ પણ બનાવેલી છે. ખારચ શું — દરિયામાં પણ થાય એવાંય ઝાડવાં છે. હું આંબા ઉજેરવાનું નથી કહેતો, પણ બીજાં ઝાડ ક્યાં ઓછાં છે? ખારચમાં પણ લીમડો, રામબાવળ, અરડૂસો, એવાં એવાં ઊજરે છે. જો, મેં કેટલાં ઉજેર્યાં!” ગામને પાદર ઝાડનું નામ નથી, સાવ ઉઘાડું પડ્યું છે. ધેણું તડકે હાંફે છે, થાક્યાંને વિસામો નથી. આ વાત આતાના અંતરમાંથી ખસતી નથી. એમણે વિચાર્યું કે, પુણ્ય તો પાંગળું છે; કોઈ પીખડી પકડીને ચલાવવાવાળો જોઈએ. આમ વાતો કરવાથી નહિ વળે. એટલે નક્કી કરી નાખ્યું કે, મારે પંડે પચાસ ઝાડ તો ઉજેરવાં જ. દર વર્ષે દસ ઝાડ ઉજેરતો જઈશ. આમ મૂળુ આતાએ વરસે વરસે દસ ઝાડ વાવવા માંડ્યાં. એને વાડ-કાંટો ને રખેવાળી કરે. એમાંથી બે-ત્રણ ઘસાઈ યે જાય; તો પાંચસાત ઊજરી જાય. આમ આઠ— દસ વરસમાં તો ગામ લૂંબેઝૂંબે થઈ ગયું. એ જોઈને બીજા બે-પાંચ ભાઈઓને ચાનક ચડી. ગામ હોય ત્યાં બેપાંચ તો નીકળેને? એમણે પણ બબ્બે-પાંચપાંચ ઝાડ ઊજેર્યાં. પિસ્તાલીસ વરસ સુધી મૂળુ આતાએ આવાં કામ કર્યાં. છેવટે બ્યાશી વરસની અવસ્થાએ, મહાત્મા ઈસરદાસની જેમ, જાણે કે ઘોડે ચડીને પરિયાણ કર્યું. પોતે ઘોડી લઈને સીમમાં આંટો દેવા નીકળેલા. પાદરમાં ઘોડી પરથી પડી ગયા. સામેથી આવતા ખેડૂતે પાસે આવીને જોયું તો કાયાને કશી ઈજા થઈ નહોતી. કાંઈ બોલાયું નહિ, પણ હાથમાં બેરખો ફરતો હતો. ખાટલા પર સુવરાવીને ઘેર લાવ્યા, ને આતાએ સંવત ૧૯૯૩માં લાંબું ગામતરું કર્યું. મૂળુ આતા પોતે ભવનું ભાતું બાંધીને ગયા, અને ઝાડ ઉજેરવાનો સંસ્કાર ગામમાં સીંચતા ગયા.