સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પીટર ક્રોપોટક્નિ/એક ક્રાંતિકારની આત્મકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારાં પરિભ્રમણો દરમિયાન મેં જોયું કે અમુક પ્રદેશની અતિશય કઠણ જમીનનાં ઢેફાં ભાંગવા માટે ખેડૂતને કેટલી પારાવાર જહેમત ઉઠાવવી પડે છે. તે વખતે મને વિચાર આવ્યો કે હું એક પુસ્તક લખીને જમીન ખેડવાની સર્વોત્તમ પદ્ધતિઓ ખેડૂતોને બતાવીશ. આ અહીં એક ખેતરમાં ઝાડનાં પુષ્કળ ઠૂંઠાં ઊભાં છે; તે ખેંચી કાઢવાનો અમેરિકન સંચો ખેડૂતને અપાવ્યો હોય, તો તેની કેટલી બધી મહેનત બચે! પણે પેલા ખેતરને સારા ખાતરની બહુ જરૂર છે; વિજ્ઞાનની મદદથી એ બનાવવાનું આ લોકોને શીખવ્યું હોય તો કેટલો બધો લાભ થાય! પણ આ ખેડૂતો પાસે અમેરિકન સંચાની કે વિજ્ઞાનની વાત કરવી શી કામની? — જ્યાં બે પાક વચ્ચેના ગાળામાં એમને પેટપૂરતો રોટલો પણ મળતો હોય નહીં ત્યાં! તેમની પાસે હળ ખેંચવાના ન તો પૂરતા ઘોડા છે, ન તો એ ઘોડાને ચરવા માટે ઘાસ-ખેતર, કે નહીં સારું ખાતર. અધૂરામાં પૂરું થોડાં થોડાં વરસે દેશમાં દુકાળ પડતો રહે છે, એટલે એમની પાયમાલીની અવધિ આવી જાય છે. તેમને ખરી જરૂર તો એ છે કે, મારા જેવા એમની સાથે રહી, તે પોતાની જમીનના માલિક બને એવી સ્થિતિ આણવામાં તેમને મદદ કરે. ખેતી કે વિજ્ઞાનને લગતાં પુસ્તકો વાંચીને તેઓ જે કાંઈ લાભ પામી શકે તે તો ત્યાર પછી — હમણાં નહીં. વિજ્ઞાન અને તેનો અભ્યાસ એ, અલબત્ત, ઘણી સરસ વસ્તુઓ છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને લગતા ગ્રંથ રચવાની મને ખૂબ હોંશ થતી. પણ જ્યાં મારી ચોપાસ માનવીને સૂકા રોટલાનો ટુકડો પામવા માટે પણ વલખાં મારતો હું જોતો હતો, ત્યાં મારી એ હોંશ પૂરી કરવાનો મને શો અધિકાર હતો? મારી અભિલાષાઓ સિદ્ધ કરવા સારુ મારે જે પૈસા ખર્ચવા જોઈએ, તે તો હું આ ટળવળતાં ગરીબો ને તેમનાં બાળબચ્ચાંનાં મોંમાંથી બટકું રોટલો ઝૂંટવીને જ મેળવવાનો ને? કોઈકના મોંમાંથી તો એ ઝૂંટવ્યે જ છૂટકો, કેમ કે માણસજાતનું એકંદરે સંપત્તિ-ઉત્પાદન હજી બહુ થોડું છે. જ્ઞાન આપણને ખૂબ સામર્થ્ય આપનાર ચીજ છે, તેથી દરેક મનુષ્યે જ્ઞાન પામવું જ જોઈએ. પણ અત્યાર સુધીમાં આપણે જે બધું જ્ઞાન એકત્રિત કર્યું છે તેટલું પણ ગરીબોને આપવા માંડીએ તો કેટલી બધી સાચી પ્રગતિ થાય! પ્રકૃતિ વચ્ચે જ જીવન વિતાવતા આ ખેડૂતોનાં આનંદભેર ગવાતાં પ્રકૃતિપ્રેમનાં ગીતો સાંભળતાં આપણને ખાતરી થાય કે તેઓ સાહિત્યના ભૂખ્યા છે, તેનો આસ્વાદ બરાબર લઈ શકે તેમ છે. તેમનામાં જે લાગણી રહેલી છે, જે વિચારશક્તિ પડેલી છે, તે વિકસાવવા આપણે તેમને વધુ સંસ્કાર કેમ ન અર્પીએ? વખતે-કવખતે પ્રગતિ-પ્રગતિની બાંગ પોકારનારા આપણે એકલપેટા શિષ્ટજનોએ આવા લોકોને ઊંચે લાવવા માટે શું કર્યું?

(અનુ. વિજયરાય ક. વૈદ્ય)


[‘એક ક્રાંતિકારની આત્મકથા’ પુસ્તક]